Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

હિન્દુજા લેલન્ડ ફાયનાન્સના ચેકરિટર્નના કેસમાં લોન ભરપાઇ નહિ કરનાર આરોપીને એક વર્ષની સજા

આરોપીએ સ્કુટર ખરીદવા લોન મેળવીને ચેક આપેલ હતો

રાજકોટ તા. ર૯ : લોન લઇ પરત ન ચુકવનારાઓ માટે લાલબતી સમાન ચુકાદામાં રાજકોટની અદાલતે હિન્દુજા લેલેન્ડમાંથી મોટર સાયકલ ખરીદવા લોન લઇ પરત ચુકવવા આપેલ ચેક પરત ફરતા થયેલ ફોજદારી ફરીયાદના કામે કેસ ચાલી જતાં આરોપીને ૧ વર્ષની સજાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ લાતીપ્લોટ-૪, ગણેશનગર મેઇન રોડ, મોરબી રોડ ખાતે રહેતા હરેશ વિસારીયાએ એકસેસ મોટરસાઇકલ ખરીદવા માટે નાંણાની જરૂરીયાત ઉભી થતાં રાજકોટ સ્થિત હિન્દુજા લેલેન્ડ ફાયનાન્સ લી.માંથી કંપનીના ધારાધોરણ અને નીતીનિયમ મુજબ આરોપીને રૂ. ૬૦,૯૯૮/(અંકે રૂપીયા સાંઇઠ હજાર નવસો અઠાણું પુરા)ની લોનની સવલત પુરી પાડેલ હતી.

ફરીયાદી કંપનીએ પુરતી ખાત્રી કરી અને જરૂરી દસ્તાવેજો આરોપી પાસે લઇ મોટરસાઇકલ ખરીદવા માટે લોન આપેલ હતી. આરોપી દ્વારા કંપનીને લનો ચુકવવા માટે હપ્તાથી ભરપાઇ કરવાની જોગવાઇ કરવામાં આવેલ હોય આરોપીએ કંપની સાથેના કરાર મુજબ લોન પરત ચુકવવા માટે આપેલ ચેક પરત થતાં ફરીયાદી કંપનીના એડવોકેટ તુષાર ગોકાણી મારફત આરોપી વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં ચેક પરત ફરવાની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.

સદરહું ફરીયાદ અન્વયેનો કેસ ચાલી જતા આરોપી અદાલતમાં માત્ર પોતાની જુબાની નોંધાવ્યા બાદ હાજર ન રહેતા અદાલત દ્વારા તેનો ઉલટ તપાસનો હક્ક બંધ કરવામાં આવેલ હતો. અદાલત દ્વારા ફરીયાદીએ રજુ કરેલ લોન એગ્રીમેન્ટ સહીતના તમામ દસ્તાવેજો પુરવાર માની આરોપીને કસુરવાર ઠરાવવામાં એવું અવલોકન કરેલ કે આરોપીના બેંકના ખાતામાં પુરતું ભંડોળ ન હોવાથી આરોપીની દાનત રકમ ફરીયાદીને પરત નહી આપવાનું પુરવાર થાય છે તેમજ આરોપીની વર્તણુંક જોતા પણ તેને કોઇ રહેમ રાખી શકાય તેમ નથી જેથી આરોપીને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની કેદની સજાનો હુકમ કરેલ હતો. આ કામમાં ફરીયાદી કંપની હિન્દુજા લેલેન્ડ ફાયનાન્સ લી.વતી રાજકોટના ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ પટેલ, હાર્દિક શેઠ રોકાયેલ હતા.

(3:43 pm IST)