Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

આઇ.સી.આઇ.સી.આઇ બેંકમાં નકલી સોનુ મુકીને લાખોની ઠગાઇના ગુનામાં આરોપીની જામીન અરજી રદ્દ

રાજકોટ તા.૨૯: રાજકોટમાં આવેલ આઇસીઆઇસીઆઇ બેંકની જુદી-જુદી શાખામાં નકલી સોનુ ગીરવે મુકી રૂ. ૩૫ લાખની લોન લઇ આ રકમ ઓળવી જવા અંગે ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં જેલ હવાલે રહેલા જીતેન્દ્રનગરના આરોપીએ રાજદિપસિંહ નરેન્દ્રસિંહ ડાભીએ ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેે જામીન અરજી સેસન્સ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી છે.

રાજકોટમાં આઇ.સી.આઇ.સી.આઇ બેંકની શારદાબાગ, મવડી રોડ અને ગોંડલ રોડ પરની મક્કમ ચોક સહિત ત્રણ બ્રાંન્ચ માંથી નકલી સોનું ગીરવે મુકીને રૂ.૩૪,૬૯,૮૭૫નું નકલી સોના પર જુદા-જુદા નામે ધિરાણ મેળવીને આ રકમ ઓળવી ગયાની ફરિયાદ બેંકના બ્રાંચ મેનેજર રજનીબેન જયસુખભાઇ મકાણી દ્વારા ભકિતનગર પો.સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસે આ અંગે આોરપીઓ યુવરાજસિંહ ઉર્ફે લક્કિરાજ સિંહ, જગતસિંહ જાડેજા રહે. ગાયત્રિધામ સોસાયટી જામનગર રોડ, રાજકોટ, રાજદિપસિંહ નરેન્દ્રસિંહ ડાભી અને અંજલીબા રાજદિપસિંહ ડાભી રહે બંન્ને વિક્રમ પ્રેસ શેરી, સુરેન્દ્રનગરની ધરપકડ કરી હતી.

આ કેસમાં પકડાયેલા આરોપી પૈકી રાજદિંપસિંહ નરેન્દ્રસિંહ ડાભી દ્વારા ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન અરજી સેસન્સ કોર્ટમંા કરવામાં આવી હતી. જે જામીન અરજીનો સરકારી વકીલ તથા મુળ ફરિયાદીના વકીલ દ્વારા દલીલ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની દલીલોને ગ્રાહ્ય રાખી સેસન્સ કોર્ટ દ્વારા આરોપી રાજદિંપસિંહ નરેન્દ્રસિંહ ડાભીની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી.

આ કેસમાં સરકારી વકીલ શ્રી સ્મિતાબેન ખત્રીએ દલીલો કરી હતી. તથા મુળ ફરિયાદી બેંક વતી એડવોકેટ પુર્વેશ પી. કોટેચા રોકાયા હતા.

(4:16 pm IST)