Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

બાઇક ચાલક સહિત બે ને ઇજા કરવા અંગે પકડાયેલ રીક્ષા ચાલકનો છૂટકારો

રાજકોટ તા. ર૯ :.. ડબલ સવારી બાઇકને હડફેટે લઇ બેને ઇજા પહોંચાડવા ના કેસમાં પકડાયેલ છકડો રીક્ષા ચાલકનો નિર્દોષ છૂટકારો અદાલતે ફરમાવેલ છે.

આ કેસની વિગત એવી છે કે, આ કામના ફરીયાદી ધનજીભાઇ નાગજીભાઇ કથીરિયાએ એવી ફરીયાદ આપેલી કે તેઓ તા. ૩-૧૧-ર૦૧૬ ના રોજ બપોરના એકાદ વાગ્યાથી હું તથા મારા મોટાભાઇ વાલજીભાઇ એમ અમો બન્ને જણા અમારી વાડી ઢાંઢીયા ગામે આવેલ છે. ત્યાંથી રાજકોટ આવવા નીકળેલ હતાં.

તે વખતે સરકારી વાડી પાસે ગોળાઇમાં પહોંચતા પાછળથી એક છકડો રીક્ષા ચાલક આવેલ અને પાછળથી હડફેટે લઇ અકસ્માત કરતા અમો બન્ને જણાં મોટર સાયકલ સહિત રોડ પર પડી ગયેલ હતાં. અને મેં તે રીક્ષા નંબર જોયેલ તો જીજે-૩-ઝેડ પપ૯૦ લખેલ હતો અને આ અકસ્માતમાં મને જમણા પગમાં ફ્રેકચર જેવી ખુબ જ ગંભીર ઇજાઓ થયેલ અને મારા મોટાભાઇ વાલજીભાઇને પણ પગમાં ગંભીર ઇજાઓ થયેલ તે અંગેની ફરીયાદ આપેલી.

ત્યારબાદ આ કામમાં અકસ્માત કરનાર છકડો રીક્ષા ચાલક વિજયભાઇ જીલુભાઇ બસીયા રહે. રાજકોટવાળાને આજી ડેમ પોલીસ સ્ટેશનનો આઇ. પી. સી. કલમ ર૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ. વી. એકટ ૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબનો ગુનો દાખલ કરેલ.

આ કામના ફરીયાદી, પંચો તથા દશ જેટલા સાહેદોને તપાસવામાં આવેલ અને તમામ સાહેદોની જૂબાની લેવામાં આવેલ અને ત્યારબાદ બન્ને પક્ષકારોની દલીલો કોર્ટમાં કરવામાં આવેલ અને જેમાં આરોપી તરફેની દલીલોને ધ્યાનમાં રાખી આ કામના આરોપી વિજયભાઇ જીલુભાઇ બસીયાને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી વતી ધારાશાસ્ત્રી શૈલેષ એમ. ગોંડલીયા રોકાયેલા હતાં.

(4:16 pm IST)