Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કોલકત્તાના યુવા ગાયકો સાગનીક સેન અને કુ.અનુભા બેનરજીના સૂર રાજકોટમાં રેલાશે

જૂના ફિલ્મી ગીતોની જાણીતી સંસ્થા 'સૂરસંસાર'નો બુધવારે કાર્યક્રમ :યોગેન્દ્રભાઈ પટેલ વાદ્યવાદન - યોગેન્દ્રજી ગીટાર રજૂ કરશે, ઉદ્દઘોષક મેઘા બારડ

રાજકોટ, તા. ૨૯ : શહેરની જૂના ફિલ્મી ગીતોની જાણીતી સંસ્થા 'સૂરસંસાર'ના ૨૪મા વર્ષનો ત્રીજા કાર્યક્રમ તા.૫ સપ્ટેમ્બરના બુધવારના રોજ રાત્રીના ૯:૩૦ કલાકે શ્રી હેમુગઢવી નાટ્યગૃહ (સરગમ કલબ સંચાલિત)  ખાતે યોજાયો છે.

આ કાર્યક્રમમાં કોલકતાના બે મશહુર યુવા ગાયકો શ્રી સાગનીક સેન અને કુ. અનુભા બેનરજી પોતાની વિશિષ્ટ ગાયકીની રજૂઆત કરશે. શ્રી સાગનીક અનુભવી છે અને બિલકુલ હેમંતદા જેવો જ વર્ષાઋતુના ઘેરાયેલા વાદળો જેવો મધુર કંઠ ધરાવે છે. કુ. અનુભા બેનરજી લતાજી એ ગાયેલા ગીતો હુબહુ રજૂ કરી શકે છે.

ઉપરાંત ગાયકો ઉપરાંત કાર્યક્રમનું એક નવલુ નજરાણું વડોદરાના આગળ પડતા બિલ્ડર યોગેન્દ્રભાઈ પટેલ પાંચ ગીતોનું વાદ્યવાદન રજૂ કરશે. શ્રી યોગેન્દ્રજી ગીટાર, માઉથ ઓરગન અને સેકસોફોન પર પોતાના ગીતો વાદ્યવૃંદના સથવારે રજૂ કરશે.

ઉદ્દઘોષણા કુ.મેઘા બારડની છે. મેઘા એમ.એમ.સી. ફિઝીકસનો અભ્યાસ કરે છે અને સારા નૃત્યાંગના છે. તેઓ ઉદ્દઘોષણાનો અનુભવ ધરાવે છે.

વાદ્યવૃંદ વડોદરાના શ્રી જીજ્ઞેશ પટેલ અને સાથીદારોનું છે. આ કાર્યક્રમમાં 'સૂરસંસાર' કોરસવૃંદ દર્શિત કાનાબાર, કાર્તિક ઠાકર, તેજસ ત્રિવેદી અને ખ્યાતિ પંડ્યા, રીના ગજ્જર, દર્શના પરમાર અને શ્રીમતી રીના વાઝા ગાયકોને કોરસ સથવારો રહેશે. આ કાર્યક્રમ રંગારંગ અને સુરૂચિપૂર્ણ મહેફીલ બની રહેશે. વર્ષ ૨૦૧૯-૨૦માં જે સૂરસંસારમાં સહભાગી થવા ઈચ્છતા હોય તેઓ પોતાના નામ પ્રતિક્ષા યાદીમાં ફોન નં. ૦૨૮૧ - ૨૫૭૭૫૬૩ પર નોંધાવી દેવા યાદી જણાવે છે.(૩૭.૧૨)

 

(4:16 pm IST)