Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

રાજકોટની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કલેકટરનું ચેકીંગઃ ત્રણ ડે. કલેકટરો દ્વારા ૮ પ્રકારની વીગતો મેળવાઇ

ઝોન-૧ અને ૮માં ૬ દિ'થી કનેકટીવીટી બંધઃ કારણ કે ઉંદરો કેબલ કાપી ગયાઃ લોકોને વારંવાર ધકકા... : મેડીકલ ક્ષેત્રે એડમીશન લેનાર નવા ઉમેદવારોના તા.૩૦ થી ત્રણ દિ' ડોમીસાઇલ સર્ટીફિકેટનું સીટી પ્રાંત-ર દ્વારા ચેકીંગઃ ચેક કરાવી લેવા દરેક વિદ્યાર્થીઓને અપીલ

જુની કલેકટર કચેરીમાં ઝોનલ-૧માં ઉંદરોએ કેબલ કાપી નાખતા દસ્તાવેજો અટકી પડયા છે, તે નજરે પડે છે.

રાજકોટ તા.ર૯ : રાજકોટ કલેકટર હેઠળ આવતી તમામ આઠેય સબ રજીસ્ટ્રાર કચેરી અંગે અનેક વખત અનેક પ્રકારની ફરીયાદો ઉઠતી હોય છે, લોકોને કલાકો સુધી હેરાનગતિ ભોગવવી પડતી હોય છે.

આ સંર્દભે  ગઇકાલે બપોરથી કલેકટર શ્રી રાહુલ ગૂપ્તાએ તમામ આઠેય સબ રજીસ્ટ્રાર કચેરી ચેકીંગનો આદેશ કરતા અધીકારીઓમાં સોંપો પડી ગયો છે.

કલેકટરની સુચના બાદ, ત્રણ ડે.કલેકટરો જેમાં ડીએસઓ શ્રી જોષી, સીટી પ્રાંત-૧ શ્રી એ.ટી.પટેલ અને મધ્યાહન ભોજન યોજનાના ડે.કલેકટર દ્વારા ઝોન ર-૩-૪ માં ટીમો સાથે દસ્તાવેજ બરોબર થાય છે. કે કેમ, સ્ટેમ્પડયુટી, વીડીયોગ્રાફી, લોકોને જવાબો બરોબર અપાય છે કે કેમ, ફાઇલો કયાં પડી છે, દસ્તાવેજો કયાં છે, સ્ટાફની હાજરી, સફાઇ, સગવડતા, પાણીની વ્યવસ્થા વિગેરે તમામ બાબતો ચકાસાઇ હતી.

હવે ત્રણેય ડે.કલેકટરો પોતાનો રીપોર્ટ કલેકટરને આપશે.

ચેકીંગ દરમિયાન ઝોનલ-૧ અને ૮માં છેલ્લા ૬ દિવસથી કનેકટીવીટીનો પ્રોબ્લેમ ઉભો થતા સેંકડો દસ્તાવેજોનું કામ અટકી પડયું છે, અધિકારીઓની તપાસમાં પણ બહાર આવ્યું હતું., લોકોએ પણ વારંવાર ધકકા થતા હોવાની રજુઆતો કરી હતી.

આ બંને સબ રજીસ્ટાર કચેરીમાં ઉંદરોએ કેબલ કાપી નાખતા કનેકટીવીટી ઠપ્પ થઇ ગઇ છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે. કે ૬ દિવસથી કોઇએ રીપેરીંગ કામ કરાયું નથી, અધીકારીઓને પણ આશ્ચર્ય થયું હતું, આ કામ ઝડપથી પૂર્ણ કરવા બંને સબ રજીસ્ટરને તાકિદ કરાઇ હતી.

દરમિયાન આગામી એટલે કે આવતી કાલથી તા. ૧ સુધી મેડીકલ, પેરામેડીકલ, આર્યુવેદિક, ડેન્ટલ ક્ષેત્રમાં એડમીશન લેનાર તમામ નવા વિદ્યાર્થીઓને પોતાના ડોમીલાઇલ સર્ટિફીકેટની ચકાસણી કરી લેવા ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાનીએ અપીલ કરી છે, આ ચકાસણી તેમની જુની કલેકટર કચેરી ખાતે આવેલ સીટી પ્રાંત-ર કચેરી ખાતે થશે.

(4:14 pm IST)