Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

લેબ ટેકનીશ્યન લોહીના પરીક્ષણનો પ્રાથમિક રીપોર્ટ કરી શકાશે : પરિપત્ર

આ રીપોર્ટમાં એમડી અને ડીસીપીની સહીની જરૂર નથી : મીડીયમ અને એડવાન્સ રીપોર્ટના પરીક્ષણ નહિં કરી શકે

રાજકોટ, તા. ૨૯ : ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગે તા.૨૩/૮/૨૦૧૮ના પરિપત્ર પ્રસિદ્ધ કરી રાજયમાં આવેલી તમામ લેબોરેટરીઓના વર્ગીકરણ તેમજ ઈચ્છનીય તથા આવશ્યક માનવબળ નક્કી કરવા પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ત્રણ વિભાગમાં લેબોરેટરી પરિક્ષણો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં હવે ટેકનીશીયન લોહીના પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી શકશે. તેમાં એમ.ડી. પેથોલોજીસ્ટ અને ડીસીપીની સહીની જરૂર રહેતી નથી. જયારે એડવાન્સ અને મીડીયમ પરીક્ષણમાં એમડી પેથોલોજીસ્ટ અને ડીસીપીની સહીની જરૂરીયાત રહેશે. રાજય સરકારના આ નિર્ણયને એસોસીએશન ઓફ સેલ્ફ એમ્પલોઈડ ઓનર્સ (પેરા મેડીકલ) ઓફ પ્રાઈવેટ પેથોલોજી લેબોરેટરીઝ ઓફ ગુજરાત એ આવકારી સંવેદન સરકારનો નિર્ણયને આવકાર્યો છે.

એસોસીએશન ઓફ સેલ્ફ એમ્પ્લોયડ ઓનર્સ (પેરામેડીકલ) ઓફ પ્રાઈવેટ પેથોલોજી લેબોરેટરીઝ ઓફ ગુજરાત (વેસ્ટ ઝોન)ની યાદીમાં જણાવાયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભારતના ન્યાયાલયોમાં પેથોલોજીસ્ટ અને લેબોરેટરી ટેકનીશિયન વચ્ચે ન્યાયીક જંગ જામ્યો હતો. એક વખત સુપ્રિમ કોર્ટ ડોકટરર્સની તરફેણમાં ચુકાદો આપી દીધો. પરંતુ ભારત સરકારે સમગ્ર પરિસ્થિતિનું બારીકાઈથી અવલોકન કરતા આ ચુકાદો કદાચ હાલના કાયદા મુજબ બરાબર છે. પરંતુ પ્રજાહિતમાં ચુકાદાનો અમલ અશકય માલુમ પડેલ. સમગ્ર કેસની જીણવટભરી માહિતીના અભ્યાસ બાદ સરકારશ્રીએ એક કમીટીની રચના કરી અને જૂના કાયદા સીઈએએસીને ફરી અભ્યાસ કરી અને અધિનિયમ રજૂ કર્યા. ભારત સરકારે તા.૧૮-૫-૨૦૧૮ના રોજ EXTRAORDINARY - THE GARETTE PF INDIA બહાર પાડી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ નીચે કામ કરતી સરકારે વર્ષો જૂનો પ્રશ્નોનો સુખદ અને વ્યવહારૂ ઉકેલ લાવ્યા.

આ સંદર્ભ ગુજરાત સરકારને પ્રજાહિતમાં ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ થાય તે માટેની રજૂઆત કરેલ. કારણ કે, ગુજરાતમાં પણ ૮૨, ધરાસભા મતવિસ્તાર એવા છે કે જયાં પેથોલોજીસ્ટ નથી જેવા કે સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો જસદણ, કાલાવડ, ધ્રોલ, દ્વારકા જેવા તાલુકા સેન્ટરોમાં પણ પેથોલોજીસ્ટો ઉપલબ્ધ નથી. તો ત્યાંની પ્રજાએ સામાન્ય રીપોર્ટ માટે પણ મોટા સેન્ટરોમાં જવુ પડે છે. જેથી પ્રજાને આર્થિક, શારીરીક અને સમયની બરબાદીનો ભોગ બનવુ પડે છે. આ ઉપરાંત તેમના સારવાર આપતા ડોકટર મિત્રો દર્દીને રીપોર્ટ વિના કઈ રીતે સારવાર આપી શકે? ઈમરજન્સીમાં જયારે લોહીના રીપોર્ટની જરૂર પડે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય આ અંગે ગુજરાત સરકારે વિનંતી અને વાસ્તવિકતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધ્યાન પર લાવવા માટે લેબોરેટરી એસોસીએશનનું પ્રતિનિધિ મંડળ માગેલ. જેમાં હાર્દિક બક્ષી, દિલીપભાઈ જોષી અને રાજુભાઈ ભટ્ટે રૂબરૂ રજૂઆત કરેલ.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ આ બાબત ધ્યાનમાં લઈ પ્રજાહિતમાં નિર્ણય લેવાનું વચન આપેલુ અને કામ કરતી સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ સરકારના અધિનિયિમને સરકારે પરિપત્ર સ્વરૂપે તાત્કાલીક ધોરણે અમલમાં મૂકી પોતાની આગવી સુઝ સાથે હરહંમેશ સામાન્ય નાગરીક સાથે પુરાવો ફરી એકવાર આપ્યો છે અને વર્ષોથી ચાલતા આ વિવાદનો ખૂબ જ ટૂંકા સમયમાં પ્રજાના હિતમાં હકારાત્મક અંત લાવી દીધો છે.

આ નિયમ મુજબ લેબોરેટરીને ત્રણ ભાગમાં વહેચી દેવામાં આવી છે. બેઝીક, મીડીયમ અને એડવાન્સ બેઝીક લેબોરેટરીમાં બધા બેઝીક બાયોકેમેસ્ટ્રી રીઝલ્ટ જેવા કે બ્લડ સુગર, કીડની લીવર, ચરબીને લગતા લીપીડ પ્રોફાઈલની તપાસની તથા હેમોગ્રામ રીપોર્ટ - લોહીના ટકા, બ્લડગ્રુપ, તપાસ માટે લેબોરેટરી ટેકનીશીયન પોતે જ ટેસ્ટ રન રન કરી પોતાની જ સહીથી રીપોર્ટ આપી શકશે. કયાંય વધારાના નિદાન નિષ્કર્ષની જરૂર હોય ત્યારે એમબીબીએસ ડો.ની સહીથી રીપોર્ટ આપી શકાશે. આ પ્રકારના રૂટીન રીપોર્ટમાં કયાંક પણ એમડી પેથોલોજીસ્ટની સહીની આવશ્યકતા રહેશે નહિં. તે સ્પષ્ટ કરેલ છે. આ ઉપરાંત મીડીયમ અને એડવાન્સ લેબોરેટરીમાં પેથોલોજીસ્ટની સહી જરૂરી છે તે પણ સ્પષ્ટ કરેલ છે. જો કે સહી નોંધનીય વાત એ છે કે ટેકનીશીયન્સ પહેલેથી જ મીડીયમ અને એડવાન્સ લેબોરેટરીના પરીક્ષણોથી દૂર રહેતા હતા.

આમ ગ્રામ્ય વિસ્તારની પ્રજા તેમજ ડોકટર મિત્રોને સારવારમાં તકલીફ ન પડે અને છેવાડાના માણસ સુધી આરોગ્યની સેવા મળી રહે તે માટે ગુજરાત સરકારે લોકહિતમાં જે નિર્ણય લીધો છે તે માટે સમગ્ર લેબોરેટરી ટેકનીશીયન એસોસીએશનના સભ્યો, ગુજરાતમાં પ્રમુખ શ્રી ડોબરીયા, સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ હાર્દિક બક્ષીએ આભાર વ્યકત કરેલ છે.

ડોકટર મિત્રો તેમજ ટ્રસ્ટની લેબોરેટરીના સંચાલકોનો પણ આભાર માનેલ. ગુજરાતના રાજયપાલશ્રીએ આ હુકમ તા.૨૩ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ ઠરાવ ક્રમાંક પર ચ / ૧૨૦૧૮/૧૦૩૨/અ પસાર કર્યો હતો.

તસ્વીરમાં સર્વેશ્રી વિપુલભાઈ ભટ્ટ, રાજેશભાઈ ભટ્ટ, દિલીપભાઈ જોષી, છગનભાઈ ભોરાણીયા અને હાર્દિક બક્ષી (સૌરાષ્ટ્ર - કચ્છ પ્રમુખ) નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:12 pm IST)