Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

વૈશ્વિક બજારમાં ક્રુડના ભાવ ઘટે, છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો કેમ?: ડો.દિનેશ ચોવટીયા

કેન્દ્ર સરકારની અણઆવડત પુરવારઃ પરિણામે મોંઘવારી વધતા પ્રજા પરેશાન

રાજકોટ તા.૨૯: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો થઇ રહયો છે આમ છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો જોવા મળી રહયો છે. તેવો સવાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ડો. દિનેશ ચોવટીયાએ ઉઠાવ્યો છે.

તેમણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની અણઆવડતને કારણે દેશમાં આ સ્થિતિ ઉભી થઇ છે અને લોકો હેરાનગતિ ભોગવી રહયા છે. દેશમાં છેલ્લા સાત મહિનામાં ડીઝલના ભાવમાં રૂ.૧૦નો જયારે જીવનજરૂરી ચીજવસ્તુુઓના ભાવમાં ૧૦૦ થી ૪૨૦ ટકાનો જંગી વધારો થયો છે, આને મોદી સરકારની ઉપલબ્ધિ ગણવી કે શું?

તેમણે ઉમેર્યું હતું છે કે, સમગ્ર દેશમાં ગુજરાત સરકાર પેટ્રો પ્રોડકટ પર ૨૪ ટકાનો ટેકસ ઉપરાંત બે ટકા સેસ સાથે કમરતોડ વેરો વસુલી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવને કારણે મોંઘવારી આસમાને પહોંચી છે અને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

તેમણે કહયું છે કે, કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં છ ટકાનો વધારો કર્યો છે. રાંધણ ગેસની કિંમતમાં પણ વધારો થયો છે. ખાનગી કંપનીઓએ સી.એન.જી. અને પી.એન.જી.ની કિંમતમાં વધારો ઝીંકી દીધો છે.

મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એકસાઇઝમાં વધારો ઝીંકવામાં આવ્યો છે જયારે કેરોસીનમાં ૩૧.ર ટકા અને જાહેર વિતરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારાથી પેટ્રોલ-ડીઝલ, સી.એન.જી., પી.એન.જી.માં મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી લુંટ અને કાળાઝાળ મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી હોવાનું અંતમાં ડો. દિનેશ ચોવટીયા (મો. ૯૮૨૫૨ ૧૨૫૦૧) ની યાદીમાં જણાવાયું છે.

(4:10 pm IST)