Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ગંજીવાડા તથા ગોૈરીદડ પાસે વાડીમાં પોલીસ ત્રાટકીઃ દારૂની ૪૧ બોટલ સાથે બે પકડાયા

કુવાડવા પોલીસે દિનેશ અજાણીને દારૂની ૩૬ બોટલ તથા થોરાળા પોલીસે વિપુલ ઉર્ફે ફોતરાને દારૂની પાંચ બોટલ સાથે ઝડપી લીધો

રાજકોટ તા.૨૯: ગોૈરીદડ પાસે હડમતીયા ગામ જવાના રસ્તે વાડીના ગોડાઉનમાં કુવાડવા પોલીસે દરોડો પાડી દારૂની ૩૬ બોટલ સાથે પટેલ શખ્સને અને થોરાળા પોલીસે ગંજીવાડાના મકાનમાંથી કોળી શખ્સને દારૂની પાંચ બોટલ સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રીની સુચનાથી કુવાડવા પોલીસ મથકના પીઆઇ એ.આર. મોડીયા તથા એએસઆઇ આર.કે. ડાંગર, મનીષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, સીરાઝભાઇ ચાનીયા, કૃષ્ણદેવસિંહ જાડેજા, હિતેષભાઇ માલકીયા, સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મનીષભાઇ તથા દિલીપભાઇને મળેલી બાતમીના આધારે ગોૈરીદડ ગામ પાસે હડમતીયા ગામ જવાના કાચા રસ્તા પર આવેલી વાડીના ગોડાઉનમાં દરોડો પાડી વાડી માલીક દિનેશ ભુરાભાઇ અજાણી (ઉ.વ.૩૭) ને દારૂની ૩૬ બોટલ સાથે પકડી લીધો હતો.

જયારે બીજા દરોડામાં થોરાળા પોલીસ મથકના પીઆઇ એસ.એન.ગડુ, એએસઆઇ બી.જે. જાડેજા, હેડ કોન્સ. મુકેશભાઇ, ભુપતભાઇ, નરસંગભાઇ, નિશાંતભાઇ, વિજયભાઇ મેતા અને વિજયભાઇ મકવાણા પેટ્રોલીંગમાં હતા ત્યારે નિશાંતભાઇ તથા મહેશભાઇને મળેલી બાતમીના આધારે ગંજીવાડા શેરીનં. ૬૧માં રહેતો વિપુલ અશોકભાઇ સોલંકી (ઉ.વ.૨૦) ના મકાનમાં દરોડો પાડી દારૂની પાંચ બોટલ સાથે વિપુલ સોલંકીને પકડી લઇ કાર્યવાહી કરી હતી.(૧.૧૭)

(4:09 pm IST)