Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

૫૪૦૦ વ્યવસાયિકોને વેરાની નોટીસોઃ વ્યવસાય વેરામાં પોણો કરોડનો વધારો

દુકાનદારો, શો રૂમ, કારખાના, કંપનીઓ, હોટલો, વકીલો, દલાલો, ડોકટરો, સી.એ., આર્કિટેકટ સહિતના વ્યવસાયિકો પાસેથી ૫ થી ૫૫ હજારનો વેરો વસુલવા નોટીસોઃ આ વર્ષે નવા ૧૨૬૬નો ઉમેરોઃ અત્યાર સુધીમાં ૮.૫૦ કરોડની આવકઃ શહેરમાં કુલ ૮૦,૦૦૦ વ્યવસાયિકો હોવાનો અંદાજ

રાજકોટ, તા. ૨૯ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ પ્રકારના વ્યવસાય કરતા વ્યવસાયિકો પાસેથી દર વર્ષે રૂ. ૫ થી લઈ અને ૫૫ હજાર સુધીનો વ્યવસાયિક વેરો વસુલવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૫૪૦૦ જેટલા બાકીદારોને વ્યવસાય વેરો ભરી દેવા નોટીસો આપવામાં આવી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકા વ્યવસાય વેરા વિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં નિયત કરવામાં આવેલ વસુલાત લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે આગોતરા આયોજનરૂપી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વ્યવસાય વેરાના બાકીદારોને નોટીસો મોકલવામાં આવેલ છે. જેમા શહેરના ૧ થી ૧૮ વોર્ડના તમામ રૂ. ૫૦૦૦થી લઈને રૂ. ૫૫૦૦૦ સુધીના વ્યવસાય વેરાના બાકીદાર પેઢીઓ, વ્યવસાયિકો, સંસ્થાઓ જેવી કે, દુકાનધારકો, શોરૂમ ધારકો, કારખાનાઓ, ભાગીદારો પેઢીઓ, કંપનીઓ, હોટલમાલિકો, વકીલો, કમિશન એજન્ટ, દલાલો, ડોકટર,સી.એ., આર્કિટેકટ વિ. તમામ નોંધાયેલ વ્યવસાયિકો, ધંધાર્થીઓ, પેઢીઓને નોટીસો મોકલવામાં આવેલ છે.

૩૦ સપ્ટેમ્બર બાદ વ્યાજનો ડામ

નોંધનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વ્યવસાય વેરા પેટે આજની સ્થિતિએ આવક રૂ. ૮.૫૦ કરોડ જેટલી થવા પામી છે. તેમજ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નો પેઢી, વ્યવસાયનો બાકી વ્યવસાય વેરો વ્યાજના બોજ વગર ભરપાઈ કરવાની છેલ્લી તા. ૩૦-૯-૨૦૧૮ સુધીની હોય, ચાલુ વર્ષનો બાકી વ્યવસાય વેરો તા. ૩૦-૯-૨૦૧૮ સુધીમાં ભરપાઈ કરી જવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ પેઢીઓ, વ્યવસાયિકો, સંસ્થાઓને અનુરોધ કરવામાં આવે છે.

દરમિયાન જાણવા મળ્યા મુજબ આ વર્ષે વ્યવસાય વેરા માટે ૧૨૬૬ જેટલા નવા વેપારીઓ નોંધવામાં આવ્યા છે જેના કારણે ગત વર્ષ કરતા આ વર્ષે ૭૪ લાખની એટલે કે પોણો કરોડની આવક વધી ગઈ છે. શહેરમાં ૮૦,૦૦૦ જેટલા વ્યવસાયિકો હોવાનો અંદાજ તંત્રએ માંડયો છે.

(3:59 pm IST)