Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

રાજકોટ સ્વામિનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી પૂ. હરિવલ્લભદાસજીનો કાલે વિદાય સમારંભ

પૂ.અક્ષરવલ્લભદાસથજી, પૂ. કૃષ્ણવલ્લભદાસજી અને પૂ.જયેન્દ્ર સ્વરૂપદાસજી ઉપસ્થિત રહેશે

રાજકોટઃ સ્વામિનારાયણ મુખ્ય મંદિર (ભુપેન્દ્ર રોડ) રાજકોટના મહંત સ્વામી શાસ્ત્રી શ્રી હરિવલ્લભદાસજી (હરિદ્વાર વાળા)નો વિદાય સમારંભ આવતીકાલે તા.૩૦ને ગુરૂવારે સાંજે ૫ કલાકે મંદિરના એ.સી. સભામંડપમાં કોઠારી સ્વામીના પ્રમુખસ્થાને ઉજવાશે. આ વિદાય સમારંભનું આયોજન રાજકોટ ટ્રસ્ટી મંડળ તથા રાજકોટ સત્સંગ સમાજ દ્વારા કરવામાં આવેલ છે. કોઠારી સ્વામી શાસ્ત્રી હરિવલ્લભદાસજી સ્વામીની જીવન ઝરમર સંક્ષિપ્તમાં નીચે મુજબ છે.

જુનાગઢ પ્રદેશમાં રહી ગઢડા, વડતાલ અને કાશી અભ્યાસ કરી શાસ્ત્રીની પદવી મેળવી સુરત તથા નવસારીમાં સ્વામિનારયણ વિદ્યાલય તથા શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી. હરિદ્વાર તથા વૃંદાવનમાં આશ્રમની સ્થાપના કરી તા.૧૪/ ૧/ ૨૦૧૬ના રોજ રાજકોટના કોઠારી બન્યા. તેઓના નેતૃત્વ હેઠળ નૂતન સભા મંડપ, સંતનિવાસ, આધુનિક ભોજનાલય, ગૌશાળા, અક્ષર ભુવન, બિમાર સંતો, માટે રૂમ તથા લીફટ, નિજ મંદિરમાં બહેનો માટેનું વિશાળ સ્ટેજ, મંદિરની તમામ દેવની મૂર્તિઓનો જીર્ણોધાર, રાજસ્થાન પત્થરનો ત્રણ માળનો વિશાળ પ્રવેશ દ્વાર નિર્માણ કર્યો, ભવ્ય બદ્રી વંદના મહોત્સવ, ભવ્ય પાટોત્સવ, ભવ્ય જન્મોત્સવ વિગેરે ઉત્સવો કર્યા. આ વિદાય સમારંભમાં અમરાપુર સ્વામિનાયરાયણ મંદિરના કોઠારી શ્રી અક્ષર વલ્લભદાસજી તથા વૃંદાવન મંદિરના કોઠારી શાસ્ત્રી કૃષ્ણવલ્લભદાસજી સ્વામી તથા હરિદ્વારના સ્વામીશ્રી જયેન્દ્રસ્વરૂપદાસજી ઉપસ્થિત રહેશે. આ વિદાય સમારંભમાં મહંત સ્વામી શાસ્ત્રી હરિવલ્લભદાસજી સ્વામીનું મોમેન્ટો અર્પણ કરી શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવશે.

સભાનું સંચાલન દેવ ઉત્સવ મંડળ રાજકોટ પ્રમુખ જીતુભાઈ રાધનપુરા તથા આભાર દર્શન સત્સંગી સેવક મનસુખભાઈ પરમાર કરશે. તેમ યાદીમાં જણાવાયું છે.(૩૦.૮)

(3:44 pm IST)