Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

તંત્રની પોલ છતી

ઢોર ડબ્બામાં ૩ ગાયોના મોતઃ ૮ના જીવન-મરણ વચ્ચે ઝોલા

પવિત્ર શ્રાવણ માસમાં તંત્રની ઘોરબેદરકારીથી અનેક ગાયો મોતને ભેટી હોવાનો આક્ષેપ કરતા વિપક્ષી નેતાઃ ૮૦ ફૂટ રોડ પર આવેલ ઢોર ડબ્બાની ઓચિંતી મુલાકાત લઈ તંત્રની પોલંપોલ છતી કરતા વશરામ સાગઠિયાઃ પશુ ગણતરીનું રજીસ્ટર કોરૂકટ્ટ હોવાનું ઝડપી લીધુઃ ઢોરના મોત છુપાવવાનું જબરૂ કારસ્તાન ઝડપી લીધાનો દાવોઃ ઉંડી તપાસ કરવા કમિશ્નરને રજૂઆત

કાદવ-કીચડમાં સબડતી ગાયમાતાઓઃ મ્યુ. કોર્પોરેશનના ઢોર ડબ્બામાં ગાયો સહિતના પશુઓને રહેવા માટે અપુરતી સુવિધાને કારણે નિર્દોષ મુંગા પશુઓ પવિત્ર શ્રાવણ માસમાં મોતના મુખમાં જઈ રહ્યા છે. તસ્વીરમાં ઢોર ડબ્બામાં અસહ્ય ગંદકી અને કાદવ-કીચડ વચ્ચે તરફડી રહેલી અને બિમાર ગાયમાતા દર્શાય છે. તેમજ ઈન્સેટ તસ્વીરમાં ગાયોની સંખ્યા દર્શાવતુ રજીસ્ટર કોરૂ હોવાનું વિપક્ષી નેતાએ રંગે હાથ ઝડપી લઈ અને ઢોર ડબ્બામાં જબરૂ કૌભાંડ ચાલી રહ્યાનો આક્ષેપ કર્યો છે તે રજીસ્ટર દર્શાય છે. જીવદયા પ્રેમીઓ તંત્રની આ બેદરકારી સામે જબરો રોષ ફેલાયો છે.

રાજકોટ, તા. ૨૯ :. પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તે રઝળતી ગાયોને પકડી અને ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે, પરંતુ આ ગાયોને સાચવવામાં તંત્રની ઘોરબેદરકારીને કારણે ઢોર ડબ્બામાં ૩ જેટલી ગાયોના મોત થયાનું અને ૮ ગાયો અત્યંત ગંભીર સ્થિતિમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાનું વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ ઝડપી લઈ ઢોર ડબ્બામાં ગાયોના મોત અંગે આંકડાઓ છુપાવી અને લાખો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યાના આક્ષેપ સાથે મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ગાયોના મોત પ્રકરણ અંગે ઉંડી તપાસ કરવા માંગ ઉઠાવી છે.

આ અંગે વશરામભાઈ સાગઠિયાએ કમિશ્નરશ્રી બંછાનિધી પાનીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, આજે સવારે ૧૦.૩૦ વાગ્યે શહેરના ૮૦ ફુટ રોડ ઉપર આવેલ અમુલ સર્કલ પાસેના કોર્પોરેશન સંચાલિત ઢોર ડબ્બાની રૂબરૂ મુલાકાત લેતા ગાયોની પરિસ્થિતિ અત્યંત દયનીય હતી કેમ કે ઢોર ડબ્બામાં કાદવ-કીચડ વચ્ચે ૩ જેટલી ગાયોના મોત થયાનું સ્થળ પરના કર્મચારીઓએ જણાવ્યુ હતુ અને ૮ જેટલી ગાયો કાદવ-કીચડમાં સબડતી હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી નજરે પડી હતી.

વશરામભાઈ સાગઠિયાએ આ તકે એવો આક્ષેપ કર્યો છે કે, ગાયો માટે લાખો રૂપિયાના ખર્ચે ઘાસચારો ખરીદવામાં આવે છે છતા ગાયો ઘાસચારાના અભાવે મોતને ભેટી રહી છે, એટલુ જ નહિ ગાયોના મોતના આંકડા છૂપાવવા માટે ઢોર ડબ્બામાં ગાયોની સંખ્યા દર્શાવતુ રજીસ્ટર કોરૂકટ્ટ જોવા મળેલ. ખુદ ઉચ્ચ અધિકારી ડો. જાકાસણીયાને પણ આ બાબતની જાણ નહી હોવાનું ખુલ્યુ હતું. આમ ઘાસચારા ખરીદીમાં પણ જબરા ગોટાળા અને ગાયોના મોત અંગે પણ જબરા કૌભાંડો અને બેદરકારી ખુલી રહી છે. શ્રી સાગઠિયાએ આ તકે ઉમેર્યુ હતુ કે, ૩ વર્ષ અગાઉ ઢોર ડબ્બામાંથી ૨૭૨ જેટલી ગાયો ગુમ થયાનું વિપક્ષ કોંગ્રેસ દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવેલ. જેની વિજીલન્સ તપાસ હજુ સુધી પૂર્ણ થઈ નથી. તેવા વખતે જ આ પ્રકારનું વધુ કૌભાંડ આજે રંગે હાથે ઝડપી લેવાયુ છે ત્યારે આ બાબતે ઉંડી તપાસ કરી જવાબદારો સામે પગલા લેવા વિપક્ષી નેતાએ આવેદનપત્રના અંતે માંગ ઉઠાવી છે.

(3:38 pm IST)