Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કાલાવડ રોડ BAPS મંદિરે હિન્ડોળા દર્શન-સંતોના સાનિધ્યમાં કથા શ્રવણ

રાજકોટ : ભગવાન શ્રી કૃષ્ણ પણ ગોપીજી સાથે હિંડોળે ઝૂલતા. ભગવાન સ્વામીનારાયણને પણ સંતો-ભકતોએ વડતાલમાં કલાત્મક ૧ર દ્વારના હિંડોળામાં બેસાડી ઝૂલાવ્યા હતાં. તેઓના આ દર્શન પરથી સંતોએ હિંડોળાના વિવિધ કીર્તનો પણ રચ્યા છે. ભગવાનને બાળ વયે હિંડોળે ઝૂલાવવાનું સુખ ફકત ભગવાનની માતા યશોદાને, કૌશલ્યાને તથા ભકિતમાતાને જ મળ્યું છે. પરંતુ શ્રવણ માસના મહિના દરમ્યાન ભગવાનને હિંડોળે ઝૂલાવવાનું સુખ સૌ ભાવિકોને મળે છે. આવો હિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ, એક મહિના સુધી મંદિરોમાં ઉજવાય છે. આ સમગ્ર પર્વ દરમ્યાન વિવિધ હિંડોળા રચી સંતો-ભકતો ભગવાન સ્વામીનારાયણને હિંડોળે ઝૂલાવે છે.  કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ પરમ પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી છેલ્લા એક મહિના દરમ્યાન ભવ્ય હિંડોળાના વિવિધ શણગાર રચવામાં આવી રહ્યા છે. સમગ્ર અષાઢ માસ દરમ્યાન ભકતોએ વિવિધ પદાર્થોથી હિંડોળાને શણગાર્યા હતા. જેમાં વિવિધ પુષ્પો, રાખડી, મોતી, આભલા, કઠોળ, મોરપીંછ, ચોકલેટ તથા રંગબેરંગી ચોખાઓથી સજ્જ હિંડોળા પર બિરાજમાન થયેલા ભગવાનને સર્વ હરિભકતો હેતની દોરીથી હરિવરનો હિંચકાવ્યા હતા. શ્રાવણ માસ અંતર્ગત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે દરરોજ સવારે ૮.૦૦ થી ૯.૩૦ સુધી યોગી સભાગૃહ ખાતે સંસ્થાના વિદ્વાન સંતોની કથાવાર્તા હરિભકતોને આધ્યાત્મિક પ્રગતિના સોપાન સર કરાવી રહી છે જેનો લાભ આગામી તા. ૯ સપ્ટેમ્બર સુધી મળશે. હાલ સંસ્થાના વિદ્વાન સંત અને ભાવનગર મંદિરના મહંત પૂ. સોમપ્રકાશ સ્વામી 'બ્રહ્માનંદ કાવ્ય' વિષય પર બાદ કથાવાર્તાનો લાભ આપી રહ્યા છે. જેમા ગુજરાતી સાહિત્યમાં જેઓનું આગવું પ્રદાન રહ્યુ છે. જેમને ગાયકવાડ સરકાર સોનેથી મઢવા તૈયાર હતી એવા તેજસ્વી અને ઓજસ્વી કવિ લાદુદાન ગઢવી જેઓ દીક્ષા બ્રહ્માનંદ સ્વામી તરીકે જાણીતા બન્યા હતા એવા બ્રહ્માનંદ સ્વામીના જીવન અને કાર્ય પર પારાયણનો લાભ આવતા રવિવાર સુધી મળશે. ત્યાર બાદ પૂ. નારાયણચરણ સ્વામી જેમણે વર્ષો સુધી પરમ પૂ. પ્રમુખસ્વામી મહારાજના સેવક સંત તરીકે સેવાઓ કરેલી છે તેઓ આગામી તા. ૩ સપ્ટેમ્બરના સોમવારથી ૯ સપ્ટેમ્બરના રવિવાર સુધી 'પ્રમુખ ચરિતમ' વિષય પર પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગોનું રસપાન કરાવશે. જીવનમાં સદગુણોની સંપ્રાપ્તિ કરાવતા આ પારાયણપર્વનો લાભ લેવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂ. બ્રહ્મતિર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂ. અપૂર્વમુનિ સ્વામીએ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ છે. (પ-૩પ)

(3:37 pm IST)