Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સબ રજીસ્ટ્રાર ઝોન-૧ કચેરીમાં પાંચ દિ'થી દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા બંધ ! કરોડોની આવક ઠપ્પ

કનેકટીવીટીનો વાયર તુટી જતા દસ્તાવેજોના થપ્પાઃ અરજદારોને ધરમના ધક્કા : કરોડોની આવક રળી આપતા દસ્તાવેજ નોંધણી કચેરીમાં કનેકટીવીટીનો વાયર તૂટી જાય ત્યારે વૈકલ્પીક વ્યવસ્થા ગોઠવોઃ રેવન્યુ બારની રજુઆત

રાજકોટ, તા., ૨૯: જુના રાજકોટના વોર્ડ નં. ૧ થી ૧૦ના દસ્તાવેજોની જયાં નોંધણી થાય છે તે સબ રજીસ્ટ્રાર ઝોન-૧ની કચેરીમાં છેલ્લા પાંચ દિવસથી દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા બંધ હોય અરજદારો અને વકીલોમાં દેકારો મચી ગયો છે.  તેમજ રાજય સરકારને પણ રેવન્યુની કરોડોની આવક ઠપ્પ થઇ ગઇ છે.

જુની કલેકટર કચેરીમાં આવેલ અને રાજય સરકારે જેને મોડેલ કચેરી જાહેર કરેલ છે તે સબ રજીસ્ટ્રાર ઝોન-૧ ની કચેરીમાં કનેકટીવીટીનો વાયર તુટી જતા છેલ્લા પાંચ દિવસથી દસ્તાવેજ નોંધણીનું કાર્ય બંધ છે. ઝોન-૧ કચેરીમાં રાજકોટના જુના વોર્ડ નં. ૧ થી ૧૦ના મિલ્કતોની દસ્તાવેજોની દૈનિક પ૦ થી ૬૦ દસ્તાવેજોની નોંધણી થાય છે. જો કે છેલ્લા પાંચ દિ'થી દસ્તાવેજ નોંધણીનું કાર્ય બંધ હોય દસ્તાવેજોના થપ્પે થપ્પા લાગી ગયા છે. દસ્તાવેજોની નોંધણીનું કાર્ય ઠપ્પ થઇ જતા અરજદારો અને વકીલોને કચેરીએ રોજ ધરમના ધક્કા થાય છે.

છેલ્લા પાંચ દિવસથી દસ્તાવેજ નોંધણીનું કાર્ય ઠપ્પ હોય  રેવન્યુ બારના  હોદેદારો   રમેશભાઇ કથીરીયા, ઉપપ્રમુખ નલીનભાઇ આહયા, ડી.ડી.મહેતા, રાજભા ઝાલા, પ્રકાશસિંહ ગોહીલ, પ્રશાંત લાઠીગરા તથા વિજય ભટ્ટ સહિતના વકીલોએ નોંધણી નિરીક્ષક સવાણીને મળી  રજુઆત કરી હતી અને તાકીદના ધોરણે દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા ચાલુ કરવા રજુઆત કરી હતી. તેમજ છાશવારે કનેકટીવીટીનો વાયર તુટી જવાના કારણે દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ઠપ્પ થઇ જતી હોય દસ્તાવેજ નોંધણીની તમામ  ઝોનમાં કનેકટીવીટીનો વાયર તુટી જાય ત્યારે વૈકલ્પીક વ્યવસ્થા હોવી જોઇએ તેવી રજુઆત કરી હતી.

(3:37 pm IST)