Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

વિપક્ષીનેતાના પાંચમાં વર્ચ્યુઅલ લોકદરબારમાં ૩૬ ફરિયાદો નોંધાઇ : ૮૦% નો ઉકેલ

રાજકોટ,તા.૨૯:  મહાનગરપાલિકા પાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી દ્વારા રાજકોટ શહેરના નાગરિકોના લોકપ્રશ્નો અને ફરિયાદો જુલાઈ માસના દર ગુરુવારે વર્ચ્યુઅલ લોકદરબાર યોજી રાજકોટ શહેરની પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે કાર્ય કરી રહ્યા છે જેમાં આજે ગુરૃવારના રોજ  સવારે ૧૧:૦૦ કલાકે પાંચમો વર્ચ્યુઅલ લોકદરબાર યોજાયો હતો આ લોકદરબારને રાજકોટ શહેરના નાગરિકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને રાજકોટ શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ફકત ૩૦ મિનીટમાં જ અલગ અલગ પ્રકારની ૩૬ ફરિયાદો નોંધાવી હતી.

આ ફરિયાદોમાં મુખ્યત્વે રોડ રસ્તામાં ખાડા બુરવા, ચરેડા બુરવા, રોડ નવો બનાવવા, વેકસીન નો સ્ટોક નથી મળતો, પીવાનું પાણી ગંદુ આવતું હોવાની, સાફ સફાઈ ની ફરિયાદો વધુ પ્રમાણમાં નોંધાઈ છે તેમજ વરસાદી પાણી ભરાવા, ગાર્ડન બનાવવા , ટ્રાફિક સમસ્યા સહિતની અલગ અલગ પ્રકારની કુલ ૩૬ ફરિયાદો રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીના વર્ચ્યુઅલ લોકદરબારમાં નોંધાઈ છે.

નોંધનીય છે કે તા.૦૧/૦૭/૨૦૨૧ થી ૨૯/૦૭/૨૦૨૧ સુધીના પાંચ લોકદરબારમાં આજ સુધી કુલ ૧૩૫ ફરિયાદો મળી છે અને જે ફરિયાદોનો સત્વરે ઉકેલ લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નરશ્રી ને રજુઆતો કરેલ છે જેમાં તા.૨૨/૦૭/૨૦૨૧ સુધીના લોકદરબારો યોજાયા છે તેમાંથી ૮૦% ફરિયાદો નો સફળતાપૂર્વક લોકપ્રશ્નો હલ કરવામાં આવ્યા છે તેવું શ્રીમતી ભાનુબેન સોરાણી એ જણાવ્યું છે.

વધુમાં શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે રાજકોટ શહેરના નગરજનો અમોને http://bit.ly/CLP_RMC ઓનલાઈન ડેસ્ક ઉપર ફરિયાદો-લોકપ્રશ્નો નોંધાવે તેવી જાહેરજનતાને અપીલ કરી છે, તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.

(4:38 pm IST)