Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

૧૮ વર્ષ પૂર્ણ કરતા મેન્ટલી ચેલેન્જડ ૯ દિવ્યાંગોના વાલીઓને ગાર્ડીયનશીપનું પ્રમાણપત્ર અપાયા

કલેકટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં વરિષ્ઠ નાગરિક, બાળ સુરક્ષા અને બાળ કલ્યાણ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ : તરછોડાયેલા વરિષ્ઠ નાગરિકોને ખાધા-ખોરાકી સહિતના હક્કો મળવા પાત્ર ભોગ બનેલા વરિષ્ઠ પ્રત્યે સંવેદના દાખવી કાયદેસર કાર્યવાહી કરવા અનુરોધ

રાજકોટ, તા. ૨૯ : રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને સમાજ કલ્યાણ અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, ડીસ્ટ્રીકટ ચાઈલ્ડ પ્રોટેકશન કમિટી, ઘી મેઈન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સીટીઝન એકટ – ૨૦૦૭ ની સમીક્ષા બેઠક તેમજ ૧૮ વર્ષ પૂર્ણ કરતા મેન્ટલી ચેલેન્જડ દિવ્યાંગજનોના વાલીઓને ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર એનાયત સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.

કલેકટર દ્વારા ઉપસ્થિત ૯ દિવ્યાંગજનો કે જેમાં મેન્ટલી રીટાર્ડેડ, ઓટિઝમ, સેલેબલ પાલ્સી તેમજ મલ્ટીપલ ડિસેબલીટીમાં આવતા બાળકો કે જેઓ હવે પુખ્ત બની જતા તેમના વાલીઓ નિયુકત કરી તેઓને ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. જેથી દિવ્યાંગજનો વતી બેન્ક વ્યવહાર, પ્રોપર્ટી હિસ્સો સહિતના વહેવારો સુચારૂ થઇ શકે. આ વ્યવહારોમાં તેમના વાલીઓની સંમતિ જરૂરી રહેશે. ૭૫% ડિસેબલ દિવ્યાંગજનો ને રૂ. ૧૦૦૦ પેન્સન મળવા પાત્ર હોઈ છે. જે તેઓના ખાતામાં સીધા જમા કરવામાં આવે છે.

૬૦ વર્ષથી ઉપરના વૃદ્ઘો અને ખાસ કરીને તરછોડાયેલા વૃદ્ઘોને તેઓના હક્કોની સુરક્ષા માટે કાયદાકીય જોગવાઇ મેઈન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સીટીઝન એકટ - ૨૦૦૭ અંતર્ગત ખાધા ખોરાકી, ઘર માલિકી સહિતના હિસ્સાઓ કાયદેસર મેળવવા પાત્ર હોઈ છે, તે અંગે થઇ રહેલી કામગીરીની સમિક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરે ડિસેબલ ચાઇલ્ડ અને વરીષ્ઠ નાગરીકો અને તરછોડાયેલા વૃધ્ધો પ્રત્યે સંવેદના દાખવી આ બાબતના કેસોને પ્રાથમિકતા આપી જરૂરી કાર્યવાહિ કરવા અમલીકરણ અધિકારીઓને સુચિત કર્યા હતા.

સમાજ સુરક્ષા અધિકારી શ્રી ગોસ્વામીએ આ તકે જણાવ્યું હતું કે, જે વૃદ્ઘોને તેમના સંતાન દ્વારા તરછોડી દેવામાં આવ્યા હોઈ તેઓ આ એકટ અન્વયે લાગુ પડતા વિસ્તારના પ્રાંત અધિકારીશ્રીને અરજી કરી શકે છે. તેઓને નિભાવ ખર્ચ સંતાન પાસેથી મેળવવામાં વહિવટી તંત્ર સહકાર પૂરો પાડે છે.

આ બેઠકમાં બાળ અને મહિલા સુરક્ષા અધિકારીશ્રી મિત્સુબેન વ્યાસ, ટ્રાફિક એ.સી.પી. પોલીસ શ્રી મલ્હોત્રા, શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ તેમજ રાજકોટ શહેરમાં દિવ્યાંગજનો, વૃદ્ઘાશ્રમ, બાળકો માટે કાર્યરત સામાજીક સ્વૈચ્છીક સંસ્થાના અગ્રણીઓ જોડાયા હતાં.

(3:52 pm IST)