Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રાજકોટની સાયકલ ચાલી સરરર... ૧ કરોડ મળશે

સ્માર્ટ સિટિઝ મિશન દ્વારા 'ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ' ચેલેન્જ માટે પૂર્વ મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે કરેલ પ્રયાસોને સફળતા : દેશના ૧૧૩ શહેરોમાંથી પસંદ પામેલા ટોપ-૧૧ રાજકોટની પસંદગી

રાજકોટ,તા. ૨૯ : શહેરોને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલને ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી સ્માર્ટ સિટિઝ મિશન દ્વારા 'ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ'ચેલેન્જની શરૂઆત કરવામાં આવી હતી. આ ચેલેન્જમાં વિવિધ ૧૧૩ શહેરોએ ભાગ લીધો હતો જેમાંથી ૨૫ શહેરોની સ્ટેજ-૧માં પસંદગી કરવામાં આવી હતી જેમાંથી ટોપ ૧૧ શહેરોની પસંદગી તા. ૨૮ના રોજ કરવામાં આવેલ અને જેમાં રાજકોટ શહેરની પણ પસંદગી થતા રાજકોટ શહેરને રૂપિયા ૦૧ કરોડનું પુરસ્કાર મળશે, જેનો ઉપયોગ શહેરમાં સાયકલિંગને પ્રમોટ કરવા તેમજ તેનો વ્યાપ વધારવા માટે કરવામાં આવશે તેમ મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંયુકત યાદીમાં જણાવ્યું હતું.

આ ચેલેન્જમાં રાજકોટ શહેરએ ઇકલી દ્વારા સંચાલિત કેપેસીટીઝ પ્રોજેકટના સહયોગથી ભાગ લીધો હતો. રાજકોટમાં આ ચેલેન્જના ભાગ રૂપે પોટેન્શિયલ સાયકલિંગ રૂટ અને સાયકલિંગ દરમ્યાન લોકોને જરૂરી સુવિધાઓ અંગે એક સર્વે કરવામાં આવ્યો હતી જેના બાદ BRTS રૂટ પર એક પાયલોટ પ્રોજેકટ ચલાવવામાં આવેલ. નાગરીકોમાં સાયકલ અંગે જાગૃતતા લાવવા માટે તેમજ cycle2work ને પ્રમોટ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ દર શુક્રવારે કર્મચારીઓ દ્વારા સાયકલનો ઉપયોગ કરી ઓફીસે આવવા માટે એક અભિયાન પણ ચલાવેલ. આ ચેલેન્જ અંતર્ગત રેસકોર્સ ગાર્ડન પાસે PPP ધોરણે સાયકલિંગ શેરિંગ પ્રોજેકટની પણ શરૂઆત કરવામાં આવેલ છે. શહેરમાં સાયકલનો ઉપયોગ વધારવાથી શહેરની આબોહવાને પણ ફાયદો થશે.

અત્રે નોંધનીય છે કે, સ્માર્ટ સીટી મિશન દ્વારા 'ઇન્ડિયા સાયકલ ફોર ચેલેન્જ' માટે પૂર્વ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલના પ્રયાસોને સફળતા મળી છે. તેઓ સમયગાળામાં મ.ન.પા.માં અધિકારીઓ, કર્મચારીઓને દર શુક્રવારે કચેરીઓને સાયકલ લઇ ને આવવા કહ્યું હતું. 

(3:34 pm IST)