Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

કલેકટરની સૂચિત ઝૂંબેશઃ ૬૦૦થી વધુ નવી ફાઈલો...આસામીઓને મંજૂરી અપાશે : ત્રણેય મામલતદારનું ઓપરેશન

જો કે હાલ મિશ્ર પ્રતિભાવનો નિર્દેશઃ પૈસા-ડોકયુમેન્ટ સહિતના અનેક મુદ્દા અડચણરૂપ : તાલુકા મામલતદાર દ્વારા ૧૦ના હુકમોનો ટારગેટ પૂરોઃ ૧ હજારનો લક્ષ્યાંક પૂરો કરવા આદેશો

રાજકોટ, તા. ૨૯ :. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ રાજકોટમાં સૂચિતની સ્પે. ઝૂંબેશ ઉપાડી છે. દરેક પ્રાંત તથા મામલતદારને આ અંગે ૧ મહિનાનો ટાર્ગેટ અપાયો છે, પરિણામે રાજકોટના પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ ત્રણેય મામલતદાર અને તેમનો સ્ટાફ પોતાના વિસ્તારમાં સૂચિત સોસાયટીના મીલ્કતધારકોને સમજાવી ફોર્મ ભરાવવા અંગે મંડી પડયા છે. કલેકટરની ખાસ સૂચના બાદ સફળ ઓપરેશન હાથ ધર્યુ છે.

રાજકોટના ત્રણેય મામલતદારો સીટી પ્રાંત-૧ શ્રી સિદ્ધાર્થ ગઢવીના માર્ગદર્શન હેઠળ હાલ સૂચિતમાં ઝૂંબેશ ચલાવી રહ્યા છે. આમ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરની સંખ્યાબંધ સોસાયટીઓ આવરી લેવાય છે. જુદા જુદા દિવસે કેમ્પો કરી લોકોને સમજાવી ફોર્મ ભરાવાઈ રહ્યા છે. આગામી ૫ થી ૬ દિવસોમાં આ ઝૂંબેશને કારણે ૬૦૦થી વધુ નવી ફાઈલો-આસામીઓને સૂચિતમાં આવરી લેવાશે. જો કે કલેકટરશ્રીએ તો ૧ હજારનો ટારગેટ આપ્યો છે.  તે લક્ષ્યાંક પૂરો કરવા હાલ દોડધામ મચી છે.

ઝૂંબેશ એટલી વેગવાન બનાવાઈ છે કે બપોરે ૨ થી ૩ બાદ રાજકોટના ત્રણેય મામલતદાર અને તેમનો સ્ટાફ સૂચિત ઝૂંબેશમાં જતા હોય ઓફિસો ખાલીખમ જોવા મળી રહી છે. જો કે અધિકારીઓ અફસોસ પણ વ્યકત કરે છે, હજુ લોકો આવતા નથી. અમુક સ્થળે ડોકયુમેન્ટનો પ્રોબ્લેમ ઉભો થાય છે, તો અમૂક લોકો હાલ પૈસાનો અભાવ હોવાનું જણાવી રહ્યા છે. આમ હાલ તો મીશ્ર પ્રતિભાવ ચાલી રહ્યો છે.

દરમિયાન રાજકોટ તાલુકા મામલતદારશ્રી કથીરિયા અને નાયબ મામલતદાર શ્રી વિજય વસાણી અને તેમની ટીમે કોઠારીયાની ૧૩ સોસાયટીમાં ખાસ ઝૂંબેશ હાથ ધરી ૧૦ જેટલી મિલ્કત આસામીઓને હુકમો આપવાનો પોતાનો ટારગેટ પૂરો કર્યો છે. આમ છતાં આ ઝૂંબેશ ચાલુ રખાશે તેમ સાધનોએ કહ્યું હતું.

(3:28 pm IST)