Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રીક્ષામાં મુસાફરોના પૈસા સેરવતી બેલડી ઝડપાઈ

'ઉલ્ટી થાય છે' બહાનું કરી મહેશ મુસાફરની નજર ચૂકવી પાકીટ સેરવી લેતોઃ તાલુકા પોલીસે ચાલક ભાવેશ મકવાણા અને મહેશ સોલંકીને વાવડી ૮૦ ફૂટ રોડ પરથી દબોચ્યા

રાજકોટ, તા. ૨૯ :. શહેરના અલગ અલગ વિસ્તારમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી કંઈ પણ બહાનું કરી મુસાફરોની નજર ચૂકવી પૈસા સેરવી લેતા બે શખ્સોને તાલુકા પોલીસે વાવડી ૮૦ ફૂટ રોડ પરથી ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં રીક્ષામાં બેઠેલા મુસાફરોની નજર ચૂકવી પૈસા સેરવી લેતા શખ્સોને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા તાલુકા પોલીસ મથકના પી.આઈ. જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એન.કે. રાજપુરોહીત સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઈ એન.કે. રાજપુરોહીત, કોન્સ. હિતેશભાઈ પરમાર તથા કુશલભાઈ જોષીને બાતમી મળતા વાવડી ૮૦ ફૂટ રોડ પરથી જીજે ૩ બીએકસ ૨૧૯૯ નંબરની રીક્ષા સાથે ભાવેશ દિપકભાઈ મકવાણા (ઉ.વ. ૨૪) (રહે. સણોસરા રણુજા સોસાયટી) અને મહેશ જયંતીભાઈ સોલંકી (ઉ.વ.૨૧) (રહે. હુડકો ચોકડી પાસે આશાપુરા સોસાયટી શેરી નં. ૧૯)ને પકડી લીધા હતા. પોલીસે બન્નેની પૂછપરછ કરતા ભાવેશ મકવાણા રીક્ષા ચલાવે છે અને મહેશ સોલંકી શાકભાજીનો ધંધો કરે છે. બન્નેનો દોઢેક મહિના પહેલા સંપર્ક થયો હતો અને બન્નેએ છેલ્લા એક મહિનામાં છ જેટલા મુસાફરોને નિશાન બનાવ્યાનું જણાવ્યુ હતું. ભાવેશ રીક્ષા ચલાવતો અને મહેશ પાછળ બેઠેલા મુસાફરની બાજુમાં બેસી 'ઉલ્ટી થાય છે' તેવું બહાનુ કરી મુસાફરના ખીસ્સામાંથી પૈસા કાઢી લેતો હતો. ગોંડલ ચોકડીથી કે.કે.વી. હોલ સુધીમાં બન્ને શખ્સો પરપ્રાંતીય મુસાફરોને ટાર્ગેટ બનાવતા હતા. ગઈકાલે બન્નેએ વગડ ચોકડી પાસેથી એક મુસાફરને રીક્ષામાં બેસાડી તેના ખીસ્સામાંથી રોકડ રૂપિયા સેરવી લઈ ગમે તે બહાનુ કરી રીક્ષા ઉભી રાખી પેસેન્જરને ઉતારી નાસી ગયા હોવાની કબુલાત આપી હતી. આ કામગીરી પીએસઆઈ એન.કે. રાજપુરોહીત, હેડ કોન્સ. કે.આર. કુવાડીયા, કોન્સ. હિતેશભાઈ તથા કુશલભાઈ દ્વારા કરવામાં આવી હતી.

(2:53 pm IST)