Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોઠારીયા સોવન્ટ નાગબાઇપરામાં જીગાએ પાણકો ફટકારી આખલાને પતાવી દીધો

પહેલા પડોશીને ત્યાં ડખ્ખો કર્યો, પછી ઘરે માતા સાથે માથાકુટ કરી અને છેલ્લે બહાર બેઠેલા આખલા પર ખાર ઉતાર્યોઃ આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી

રાજકોટ તા. ૨૯: કોઠારીયા સોલવન્ટ નાગબાઇપરામાં રહેતાં એક યુવાને કો'કની દાઝ નિર્દોષ આખલા પર ઉતારી તેના માથામાં પાણકો ફટકારતાં આખલાના રામ રમી ગયા હતાં. આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી છે.

બનાવ અંગે પોલીસે નાગબાઇપરા-૨માં રહેતાં કરણભાઇ જીવરાજભાઇ મુંધવા (ભરવાડ) (ઉ.૨૮) નામના યુવાનની ફરિયાદ પરથી આ વિસ્તારમાં જ રહેતાં જીતેન્દ્ર ઉર્ફ જીગો દેવાભાઇ દાફડા નામના યુવાન વિરૂધ્ધ આઇપીસી ૪૨૯ તથા પ્રાણી પ્રત્યે ક્રુરતા નિવારણ અધિનિયમની કલમ ૧૧ (ઢ) મુજબ ગુનો નોંધ્યો છે. કરણભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રીના સાડા નવેક વાગ્યે તેની માલિકીનો આખલો ઘર પાસે ઉભો હતો ત્યારે પડોશી જીતેન્દ્ર ઉર્ફ જીગાએ ગુસ્સે ભરાઇને આખલાના માથામાં પાણકો ફટકારી દેતાં તેનું મોત થયું હતું.

કરણભાઇએ જણાવ્યું હતું કે જીગો પહેલા પડોશમાં કોઇના ઘરે માથાકુટ કરીને પોતાની ઘરે આવ્યો હતો. એ પછી પોતાના માતા સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ગુસ્સે ભરાઇ બહાર આવ્યો હતો અને એ વખતે આખલાએ ગુસ્સામાં ભાન ભુલી મારા આખલાના માથામાં પથ્થર ફટકારી દેતાં આખલાનું મોત થયું હતું. હેડકોન્સ. મનહરસિંહ જાડેજા અને કલ્પેશભાઇએ આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી હતી. પોલીસ સુત્રોના કહેવા મુજબ કદાચ આખલાએ ઢીંક મારવા પ્રયાસ કરતાં જીગાએ ગુસ્સે ભરાઇ પાણકો મારી દીધો હશે. તેની ધરપકડ અને પુછતાછ કરવાની હજુ બાકી છે.

(12:55 pm IST)