Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સ્વીમીંગ કોમ્પિટીશનમાં ઉત્સાહ બતાવતા તરવૈયાઓઃ નવા રેકોર્ડ બન્યા

કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત ઉપસ્થિત રહેશેઃ પૂર્વ મ્યુ.કમિશ્નર વિજય નહેરાના પુત્ર આર્યને પણ મેડલ જીત્યોઃ કાલે કોમ્પીટીશન સંપન્ન

રાજકોટઃ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર (સિન્દુરિયા ખાણ) ખાતે ૩૬મી ગ્લેનમાર્ક જુનિયર તથા ૪૬મીગ્લેનમાર્ક સબજુનિયર સ્વીમીંગ કોમ્પીટીશન ચાલી રહી છે જે અંતર્ગત કોમ્પીટીશના ત્રીજા દિવસે સ્પર્ધકોએ પોતાનુ કૌવત દર્શાવ્યું હતું . સ્પર્ધકો વચ્ચે ખૂબ જ કસોકસની સ્પર્ધા થઇ હતી. ભારતભરના ૩૦ રાજયોમાંથી ભાગલેવા આવેલ સ્પર્ધકોએ પોતાના કૌશલ્ય દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકોનાં દિલ જીતી લીધા હતા.

 ભારતભરમાંથી આવેલા યુવા સ્પર્ધક યુવક અને યુવતીઓ પણ ખૂબ સુંદર પ્રદર્શન કરી રહ્યા છે અને સ્પર્ધકો વચ્ચે ટફ ફાઈટ જોવા મળી રહી છે . ખાસ કરીને રાજકોટના સ્પર્ધક એવા આર્યન નેહરા સતત ત્રીજા દિવસે પણ એ જ જોશ સાથે ૧૫૦૦ મીટરની સ્વિમિંગ સ્પર્ધા માત્ર ૧૬: ૦૦: ૫૯ મિનિટમાં પૂરી કરી અદભુત દેખાવ કર્યો હતો.

આવતીકાલે રવિવાર તા.૩૦ નાં રોજ સ્પર્ધાનો અંતિમ દિવસ છે. આ દિવસે નેશનલ લેવલની આ સ્વીમીંગ કોમ્પીટીશનની પુર્ણાહુતી થનાર છે. આ પ્રસંગે  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડીયાના લાઈફ ટાઈમ પ્રેસિડેન્ટ શ્રી દિગંબર કામત વિશેષ ઉપસ્થિતિતરહેનાર છે.

આર્યન નહેરાનાં પિતાશ્રી અને રાજકોટનાં પૂર્વ તથા હાલના અમદાવાદના મ્યુનિસિપલ  કમિશનર શ્રી વિજય નહેરા ખાસ રાજકોટ આવી રહ્યા છે. કેમ કે તેમના પુત્રએ તો મેડલ મેળવ્યો જ છે અને આવતી કાલે તેમની ૯ વર્ષીય સુપુત્રી પણ સ્પર્ધામાં ભાગ લેનાર છે.

આજનાં તમામ વિજેતા સ્પર્ધકોને  રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસોસિશનના પ્રેસિડેન્ટ શ્રી ઉમેશભાઈ રાજયગુરૂ, ભવાની ઈન્ડ્રસ્ટ્રીઝ ના શ્રી સુરેશભાઈ નંદવાણા, રોલેક્ષ ઇન્ડ.નાં શ્રી રૂપેશભાઈ મડેકા, નેશનલ વાયરના શ્રી દિનેશભાઈ વાકાણી , જાણીતા સી.એ. શ્રી રાજીવભાઈ દોશી તથા સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડીયાનાં ચેરમેન  શ્રી ગ્લેન સલ્ડાન્હા સહીતનાં મહાનુભાવોનાં હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા .

કોમ્પીટીશનને સફળ બનાવવા  પ્રેસિડેન્ટ શ્રી ઉમેશભાઈ રાજયગુરુ, કોચ બંકીમભાઈ જોશી, અમિતભાઈ સોરઠીયા, કમિટીના ચેરમેન શ્રી ડી.વી.મેહતા તથા કો-ચેરમેન શ્રી વિક્રમસિંહ રાણાએ જહેમત ઉઠાવી હતી.

(4:14 pm IST)