Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સાંઢિયા પુલ - કેસરી પુલ પહોળા કરાશેઃ નવા પાંચ બ્રિજ માટે દરખાસ્ત

સોમવારે સ્ટેન્ડીંગ કમીટી મળશેઃ ૪૦ દરખાસ્તોને લીલીઝંડી આપશે ચેરમેન ઉદય કાનગડ : કોઠારિયા સોલ્વન્ટ ફાટક-નાનામૌવા ચોકડી-રામદેવપીર ચોકડીએ ઓવર બ્રીજ વગેરે માટે ૫૪ લાખની ફી ચુકવી જીન્દાલ્સ કંપનીને ડિઝાઇનીંગનો કોન્ટ્રાકટ અપાશે

રાજકોટ તા.૨૯: શહેરમાં વર્ષો જુના સાંઢિયા પુલ અને કૈસર-એ-હીન્દ (કેસરીપુલ) બ્રિજને પહોળા કરવા સહીત કુલ પાંચ બ્રીજના નિર્માણ માટે ડિઝાઇનીંગ સર્વે સહીતનો ડીટેઇલ પ્રોજેકટ રીપોર્ટ બનાવવાનો કન્સલ્ટન્સીનો કોન્ટ્રાકટ જીન્દાલ્સ કન્સોર્ટીયમ (રાજકોટ)ને કુલ રૂ.૫૪.૭૦ લાખમાં આપવા સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત રજુ કરાઇ છે.

આ અંગેની વિગતો મુજબ આગામી તા.૧ જૂલાઇએ મ્યુ.કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટી બેઠક મળનાર છે જેમાં શહેરના જામનગર હાઇ-વે ઉપર આવેલ સાંઢિયા પૂલ અને આજીનદી ઉપર આવેલ કેસરે-એ-હીન્દુ પુલને પહોળા કરવા તેમજ કોઠારિયા સોલ્વન્ટ રેલ્વે ફાટકે, ૧૫૦ રીંગ રોડ ઉપર નાના મૌવા ચોકડી અને રામદેવપીર ચોકડીએ એમ ત્રણ ઓવર બ્રીજ સહીત કુલ પાંચ બ્રીજ ડીટેઇલ પ્રોજેકટ તૈયાર કરવા માટે ટેન્ડર પ્રસિધ્ધ થયેલ જેમાં ગુજરાતની ૬ કન્સટન્સી એજન્સીઓએ ટેન્ડરો ભર્યા હતા. આ પૈકી સૌથી ઓછા ભાવ જીન્દાલ્સ કન્સોર્ટીયમ (રાજકોટ) રૂ.૫૪.૭૦ લાખ રજુ કરતા. ઉકત પાંચેય બ્રીજના ડી.પી.આરનો કોન્ટ્રાકટ મંજૂર કરવાની દરખાસ્ત છે.

આ કોન્ટ્રાકટ મુજબ કંપનીને (૧)કોઠારીયા સોલવન્ટ રોડ પર આવેલ રેલ્વે એલસી-૧૫ પર બ્રીજના રૂ.૧૦,૬૦,૦૦૦, (૨)૧૫૦ ફુટ રીંગ રોડ બીઆરટીએસ રૂટ પર આવેલ નાના મવા ચોકડી બ્રીજના રૂ.૧૨,૫૦,૦૦૦, (૩)રામદેવપીર ચોકડી પર આરઓબી બ્રીજનો રૂ.૧૦,૫૦,૦૦૦, (૪)જામનગર રોડ બ્રીજ (સાંઢિયા બ્રીજ) પહોળો કરવાનું કામના રૂ.૧૦,૬૦,૦૦૦, (૫)કેસર-એ-હિન્દુ બ્રીજ પહોળો કરવાનું કામના રૂ.૧૦,૬૦,૦૦૦ સહીત કુલ રકમ રૂ.૫૪,૭૦,૦૦૦ ની કન્સલ્ટન્સી ફી ચૂકવાશે.

મવડી-ચોકડી અને ગોંડલ ચોકડી અને જાહેર શૌચાલય બનશે

શહેરના ગોંડલ ચોકડી અને મવડી ચોકડીએ અખિલ ભારતીય પર્યાવરણ એવમ્ ગ્રામીણ વિકાસ સંસ્થાન દ્વારા પી.પી.પી.ધોરણે જાહેર શૌચાલયો બનાવી અપાશે. તેના બદલામાં સંસ્થાને દુકાનો બનાવીને વેચવાની મંજુરી અપાશે ઉપરાંત સંસ્થા દ્વારા આ માટે કોર્પોરેશનને દર મહીને ૧૦ હજારનુ પ્રિમીયમ અપાશે.

આથી ઉજા બંન્ને સ્થળોએ જાહેર શૌચાલય બનાવવા માટે પી.પી.પી.ધોરણે કરાર કરવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમીટીમાં રજુ કરાઇ છે.

નોંધનિય છે કે આ સ્ટેન્ડીંગ કમીટીમાં આરોગ્યના નવા નિયમો કોમ્યુનીટી હોલ, મેટલીંગ રોડ, ડોર-ટુ-ડોર ગાર્મેન્ટ કલેકશન કોન્ટ્રાકટની મુદત વધારવા ત્થા કર્મચારીઓને તબીબ સહાય કાયમી કરવા સહીતની ૪૦ જેટલી દરખાસ્તોને ચેરમેન ઉદય કાનગડે લીલી ઝંડી આપશે.

(3:24 pm IST)