Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

લીમડી પાસે ઝેરી ટીકડી પી લેતા પહેલા નવલનગરના ભાવેશે અપહૃત યુવતિ પર બળાત્કાર ગુજાર્યો હતો!

ફેબ્રુઆરીમાં બનેલી શંકાસ્પદ ઘટનામાં અંતે અપહરણ-બળાત્કારનો ગુનો નોંધાયોઃ રિક્ષાચાલકની ધરપકડ : જે તે વખતે યુવતિ ગૂમ થઇ ત્યારે ભાવેશ પર શંકા વ્યકત થઇ હતીઃ તે વખતે તેણે યુવતિને માત્ર આર્થિક મદદ કર્યાના ગાણા ગાયા હતાં

ભાવેશ દવા પી ગયો હતો ત્યારની તસ્વીર અને ગઇકાલે તેની ધરપકડ થઇ ત્યારની તસ્વીર

રાજકોટ તા. ૨૯: નવલનગર-૯ના છેડે વિનાયકનગર-૨માં મોમાઇ કૃપા ખાતે રહેતાં રિક્ષાચાલક ભાવેશ સુખાભાઇ બોરીચા (ઉ.૩૭)એ ગયા ફેબ્રુઆરી મહિનામાં ૧૧મીએ રાત્રે ધ્રાંગધ્રા-લીંબડી વચ્ચે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. સાથો સાથ એક યુવતિ કે જે ૯મીએ ગૂમ થઇ હતી તેણે પણ દવા પી લીધાની રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના રજીસ્ટરમાં નોંધ થઇ હતી. જો કે યુવતિએ તુર્ત જ રજા લીધી હતી. સારવારમાં રહેલા ભાવેશ પર એ યુવતિને ભગાડી ગયાની શંકા તે વખતે દર્શાવાઇ હતી. પરંતુ જે તે વખતે પોતે કંઇ જાણતો ન હોવાનું અને એ યુવતિને માત્ર આર્થિક મદદ કરી હોવાનું રટણ તેણે કર્યુ હતું. પરંતુ હવે આ શખ્સે   એ યુવતિનું અપહરણ કર્યાની અને ગાંધીનગર લઇ જઇ હોટેલમાં બળાત્કાર ગુજારી બાદમાં ઝેર પી લીધાની વિગતો ખુલતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ભાવેશ જે યુવતિને ભગાડી ગયો હતો તેની સગાઇ થઇ ગઇ હતી અને લગ્ન થવાના હતાં.

યુવતિની ફરિયાદ પરથી પોલીસે ભાવેશ બોરીચા સામે આઇપીસી ૩૬૬, ૩૭૬, ૫૦૬ (૨) મુજબ અપહરણ બળાત્કારનો ગુનો નોંધ્યો છે. યુવતિના પિતા પાસે ભાવેશે વીમાનું કામ કરાવ્યું હોઇ જેથી તેની ઘેર ગયો હોઇ કોઇપણ રીતે યુવતિના નંબર મેળવી લઇ તેને ફોન કરી 'તું મને બહુ ગમે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે' તેમ કહ્યું હતું. પણ યુવતિએ તેને પોતાની સગાઇ થઇ ગયાનું અને તે પોતે પરિણીત હોઇ તે જાણી હવે પછી પોતાને ફોન નહિ કરવા કહી દીધું હતું.

પરંતુ ભાવેશ તેની પાછળ પડી ગયો હતો અને ફોન કરવાનું ચાલુ રાખ્યું હતું. છેલ્લે તેણે યુવતિને પોતે કહે તેમ નહિ કરે તો તેણીના ભાઇ-બહેનને મારી નાંખશે તેવી ધમકી આપી હતી અને ૮/૨/૧૯ના રોજ તેણીને ફોન કરી એક સ્પામાં બોલાવી ત્યાંથી રાત્રે સ્પાની છોકરીઓ એરપોર્ટ રોડ પર રહેતી હોઇ ત્યાં રાખી બાદમાં ૯મીએ તેને બસમાં બેસી લીમડી, ત્યાંથી અમદાવાદ જવા કહેતાં યુવતિ તેની ધમકીને કારણે અમદાવાદ પહોંચી હતી.

ત્યારબાદ તેણીને ભાવેશ કારમાં ગાંધીનગર લઇ ગયો હતો. ત્યાં સેકટર-૧૬માં એક હોટેલમાં રાત્રે સાડા ત્રણેક વાગ્યે લઇ જઇ બળજબરીથી એક વખત શરીર સંબંધ બાંધી લીધો હતો. છેલ્લે યુવતિએ આજીજી કરતાં તેને કારમાં અમદાવાદ-હિમ્મતનગર તરફ લઇ જઇ રસ્તામાંથી ઘઉમાં રાખવાની ટીકડી લીધી હતી. છેલ્લે યુવતિએ ધ્રાંગધ્રા પાસે પોતાને જવા દેવા આજીજી કરી તેનું નામ કોઇને નહિ આપે તેમ કહેતાં તેણીને ધ્રાંગધ્રા ઉતારી મુકતાં તે ત્યાંથી ધ્રાંગધ્રા પોલીસ મથકે ગઇ હતી. ત્યાં ઘરેથી નીકળી ગયાની ખોટી હકિકત જણાવી હતી. બીજી તરફ ભાવેશે લીમડી-ધ્રાંગધ્રા વચ્ચે ચાલુ ગાડીએ જ દવા પી લીધી હતી. તે સુરેન્દ્રનગર સારવાર લઇ બાદમાં રાજકોટ સિવિલમાં દાખલ થયો હતો. ત્યારે પોતે યુવતિ બાબતે કંઇ જાણતો ન હોવાનું કહેનાર આ ભાવેશ જ તેણીનું અપહરણ કરી ગયાની અને બળાત્કાર ગુજાર્યાની વિગતો ખુલતાં તેની પી.આઇ. એન. એન. ચુડાસમા, એએસઆઇ પરેશભાઇ ઝારીયા, જાવેદખાન રિઝવી અને અરૂણભાઇ બાંભણીયાએ ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(2:32 pm IST)