Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મેટોડામાં જમીનનો કબ્જો લેવા ધાડ-લૂંટના ઈરાદે દેશી તમંચો સહિતના હથિયારો સાથે રાજકોટના ૮ સહિત ૯ પકડાયા

મેટોડાના દેવરાજભાઈ સોજીત્રા સાથે રાજકોટના જીતુ સુદાણીને ઝઘડો ચાલતો હોય તેની સૂચનાથી હુમલાનું કાવત્રુ રચાયુ'તુઃ લોધીકા પીએસઆઈ એચ.પી. ગઢવીની સતર્કતાથી મોટી ઘટના ટળીઃ બે દિ' પહેલા દેવરાજભાઈ સોજીત્રા પર હુમલો કરનાર જીતુ સુદાણીને તેના ફાર્મહાઉસમાં પોલીસ શોધવા ગઈ અને ઉકત નવેય શખ્સો હથિયાર સાથે પકડાઈ ગયા

રાજકોટ, તા. ૨૮ :. લોધીકાના મેટોડા ગામના પાટીયા પાસે ફાર્મ હાઉસમાં જમીનનો કબ્જો લેવા અને કબ્જો ન આપે તો મારી નાખવા સુધીની તૈયારી સાથે ધાડ-લૂંટના ઈરાદે એકત્ર થયેલ રાજકોટના ૮ સહિત ૯ શખ્સોને દેશી તમંચા સહિતના હથીયારો સાથે લોધીકા પોલીસે ઝડપી લીધા હતા અને પૂર્વયોજીત કાવત્રુ રચનાર જીતુ સુદાણીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના મેટોડા ગામના દેવરાજભાઈ વશરામભાઈ સોજીત્રા તથા તેના દીકરાઓ સાથે મૂળ મેટોડા ગામના અને હાલ રાજકોટ રહેતા જીતુ ધીરૂભાઈ સુદાણીને પૈસાની લેતી-દેતી તેમજ જમીન બાબતે તકરાર ચાલતી હોય બે દિ' પહેલા થયેલ ઝઘડામાં દેવરાજભાઈ પર જીતુ પટેલે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલ દેવરાજભાઈને રાજકોટ ખાનગી હોસ્પીટલમાં ખસેડાયેલ છે અને આ અંગે જીતુ સુદાણી સામે ફરીયાદ થતા પોલીસ તેને શોધતી હતી.

દરમિયાન લોધીકાના પીએસઆઈ એચ.પી. ગઢવી તથા સ્ટાફ જીતુ સુદાણીની શોધખોળ માટે મેટોડા ગામના પાટીયા સામે આવેલ રસ્તે તેના ફાર્મ હાઉસે જતા ત્યાં સુરેશ ઉર્ફે ભુરો અરજણ ભરવાડ રે. આજી ડેમ ચોકડી, માનસરોવર સોસાયટી, સત્યમ પાર્ક, દ્વારકાધીશ ડેરીને દેશી તમંચા સાથે તેમજ તેની સાથેના સંદીપ ઉર્ફે ગાંડો સાર્દુલભાઈ આહીર રે. નવાગામ કુવાડવા પોલીસ ચોકી પાછળ રાજકોટ, હરેશ કાનો મોહનભાઈ સોલંકી રહે. સંત કબીર રોડ સંજયનગર શેરી નં. ૪ રાજકોટ, કિશન દિનેશભાઈ ભરવાડ રે. કુવાડવા રોડ ચામુંડા સોસાયટી, સદગુરૂ આશ્રમ સામે રાજકોટ, ધર્મેશ મુકેશભાઈ ભરવાડ રહે. કેનાલ રોડ, લક્ષ્મીવાડી શેરી નં. ૫/૧૨નો ખૂણો, રવિ ઉર્ફે રઘુ ચંદુભાઈ કોળી રહે. વિદ્યુતનગર સોસાયટી બ્લોક નં. ૬૨ ગરબી ચોક મોરબી, જયસુખ અરજણભાઈ ભરવાડ રે. આજી ડેમ ચોકડી માનસરોવર સોસાયટી, સત્યમપાર્ક દ્વારકાધીશ ડેરી સામે રાજકોટ, વિપુલ ઉર્ફે કાલી ગોકળભાઈ ભરવાડ રે. જૂના માર્કેટયાર્ડ પાસે તથા અમુ કાનાભાઈ કોળી રહે. નવાગામ કુવાડવા પોલીસ ચોકી પાછળ રાજકોટને ધારીયા, ફરસી (કુહાડી), કુહાડા તથા લોખંડના પાઈપ જેવા પ્રાણઘાતક જેવા હથીયારો સાથે ઝડપી લીધા હતા.

પકડાયેલ ઉકત શખ્સોએ પોલીસ સમક્ષ એવી કબુલાત આપી હતી કે મુળ મેટોડાના અને હાલ રાજકોટ સ્થિત જીતુ સુદાણીની સૂચનાથી મેટોડાના દેવરાજભાઈ વશરામભાઈ સોજીત્રા તથા તેના દિકરાઓની ખેતીની જમીનનો કબ્જો લેવા અને કબ્જો ન આપે તો તેને મારી નાખવા સુધીની તેમજ ધાડ-લૂંટ કરવાની તૈયારી સાથે એકત્ર થયા હતા.  લોધીકા પોલીસે પકડાયેલ ઉકત ૯ શખ્સો તથા પૂર્વયોજીત કાવત્રુ રચનાર જીતુ સુદાણી સહિત ૧૦ શખ્સો સામે આઈપીસી કલમ ૩૯૯, ૪૦૨, ૧૨૦-બી અને આર્મ્ડ એકટ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો અને પૂર્વયોજીત કાવત્રુ રચનાર જીતુ સુદાણીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ લોધીકાના પીએસઆઈ એચ.પી. ગઢવી ચલાવી રહ્યા છે.

(11:43 am IST)