Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ધો.૧૦ કે ૧ર પાસ કર્યા વગર ગ્રેજયુએટ થઇ શકાશેઃ ડો.આંબેડકર યુનિ.માં બી.પી.પી. અભ્‍યાસક્રમ

રાજકોટ, તા., ૨૯: જેઓ પોતાના જે તે સમયે આર્થીક સંકડામણ કૌટુંબીક કે અન્‍ય સંજોગોવસાત આગળ ભણી ન શકયા હોય પરંતુ હવે તેઓ ગ્રુજયુએટ કે તેનાથી આગળ ભણીને પોતાની કારકીર્દીને ઉજ્જવળ બનાવવા માંગતા હોય તેવા લોકો માટે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા એક આશીર્વાદરૂપ અભ્‍યાસક્રમ ચલાવવામાં આવે છે.

ધો.૧૦+૨ ની લાયકાત ન ધરાવતા હોય છતાં અભ્‍યાસ કરવા માટે સક્ષમ હોય એવા મોટી સંખ્‍યામાં પુખ્‍તવયનાં (૧૮ વર્ષથી વધુ વયના) લોકોને સ્‍નાતક પદવી (બીએ/બીકોમ) મેળવવા માટે તૈયાર કરવાના હેતુથી બેચલર્સ પ્રિપેરેટરી પ્રોગ્રામ (બી.પી.પી.) શરૂ કરેલ છે. આ કોર્ષના પ્રવેશ માટે કોઇ શૈક્ષણીક લાયકાત જરૂર નથી. ગુજરાતી લખી, વાંચી શકતા હોય તેવા ૧૮ વર્ષથી વધુ ઉંમરવાળા આ અભ્‍યાસક્રમમાં પ્રવેશને પાત્ર છે.

કોર્ષનો સમયગાળો માત્ર છ માસ છે. આ કોર્ષ દુર વર્તી  શિક્ષણ પધ્‍ધતીએ ચલાવવામાં આવતો હોઇ વિદ્યાર્થી ઘરે બેઠા કોર્ષ કરી શકે છે અને મહદ અંશે રજાના દિવસોમાં પરામર્શન (કાઉન્‍સેલીંગ) સેશન દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આ અભ્‍યાસક્રમ ધોરણ ૧૦ + ર અથવા કોઇ પણ અન્‍ય પરીક્ષાને સમકક્ષ નથી. પરંતુ વિધીસરની પ્રવેશ લાયકાત ન ધરાવનાર વ્‍યકિતઓને ડો.આંબેડકર યુનિ.માં સ્‍નાતક પદવી મેળવી આગળ અભ્‍યાસ કરવા માટે તૈયાર કરવાની આ યુનિવર્સિટીની આંતરીક વ્‍યવસ્‍થા કરેલ છે.

આ કોર્ષ સફળતાપુર્વક પુર્ણ કર્યા બાદ વિદ્યાર્થી ડો.આંબેડકર યુનિ.ના બી.એ./બી.કોમમાં સીધો પ્રવેશ મેળવી શકે છે. આ કોર્ષમાં પ્રવેશ શરૂ થઇ ગયેલ છે. પ્રવેશ મેળવવા માટે કે કોર્ષ વિશે વધુ માહીતી મેળવવા ઇચ્‍છુક વ્‍યકિતઓએ ડો. આંબેડકર યુનિ.નાં માન્‍ય અભ્‍યાસ કેન્‍દ્ર-ગંગોત્રી એજયુકેશન ટ્રસ્‍ટ કેર ઓફ સૌરાષ્‍ટ્ર ઇન્‍ફોટેક, ત્રીશા કોમ્‍લેક્ષ, બીજા માળે, ચંદન સુપર માર્કેટની બાજુમાં, અમીન માર્ગ, રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

(4:59 pm IST)