Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

પડધરી પંથકની સગીરાના અપહરણ-દુષ્‍કર્મ પોસ્‍કોના કેસમાં પકડાયેલ કૌટુંબિક માસાને ૧૦ વરસની સજા

આરોપીએ સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્‍કર્મ આચર્યાનું પુરવાર થાય છે : અદાલત

રાજકોટ, તા. ર૯ : પડધરી પંથકની સગીરાનું અપહરણ કરીને બળાત્‍કાર ગુજારવા અંગે પકડાયેલ સગીરાના કૌટુંબિક માસા એવા આરોપી લક્ષ્મણ બદુભાઇ રાઠોડ સામેનો કેસ ચાલી જતા એડી. સેસન્‍સ જજશ્રી એમ.એમ. બાલીએ આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તા. રર/૧૧/૧રના રોજ આરોપી રાત્રીના ઘરે ફળીયામાં સુતી હતી ત્‍યારે ત્‍યારે મુળ દાહોદના અને બનાવ સમયે પડધરીના ઉકરડા ગામે રહેતા સગીરાના કૌટુંબિક માસા એવા આરોપી લક્ષ્મીણ રાઠોડ સગીરાને ભગાડી ગયો હતો અને ઉકરડા લઇ ગયેલ જયાં સગીરા ઉપર બળાત્‍કાર ગુજાર્યો હતો. બાદ આરોપી સગીરાને સુરત તરફ લઇ ગયેલ હતો જયાં પણ સગીરાની મરજી વિરૂદ્ધ સગીરા ઉપર દુષ્‍કર્મ આચરેલ હતું.

આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાના પિતાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પડધરી પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

આ કેસ ચાલતા સરકાર પક્ષે એ.પી.પી. શ્રી અતુલભાઇ જોષીએ રજૂઆત કરેલ કે, બનાવનો ભોગ બનનાર સગીર છે. બનાવ વખતે તેણીની ઉંમર ૧પ વર્ષની હતી. આરોપીએ સગીરાની નાદાનિયતનો લાભ ઉઠાવી સગીરાનું અપહરણ કરી દુષ્‍કર્મ આચરેલ હોવાનો પ્રથમ દર્શનીય કેસ જણાઇ છે.

વધુમાં સરકારી વકીલ શ્રી જોષીએ જણાવેલ કે, બનાવનો ભોગ બનનાર સગીરા તેમજ ફરીયાદી સહિતના સાહેદોએ આપેલ જુબાની જોતા આરોપી સામેનો ગુનો પુરવાર થતો હોય આરોપી અપહરણ-દુષ્‍કર્મ તેમજ પોસ્‍કો હેઠળના ગુનામાં સજા કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્‍યાને લઇને એડી સેસન્‍સ જજશ્રી એમ.એમ. બાલીએ આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. અતુલભાઇ જોષી રોકાયા હતાં.

(4:54 pm IST)