Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

દારૂની કોથળીના પૈસા ન આપનારી જનેતાને નશાખોર પુત્રએ છરી ઝીંકી

ખભા પર પાટલો પણ ફટકાર્યોઃ નવા થોરાળાના હંસાબેન હોસ્‍પિટલમાં : આંસુ વહાવતાં કહ્યું-હું મજૂરી કરી સો રૂપિયા કમાઉ છું, એને રોજના ૫૦ ક્‍યાંથી દેવા?

રાજકોટ તા. ૨૯: નવા થોરાળા-૩માં રહેતાં હંસાબેન પ્રેમજીભાઇ રાઠોડ (ઉ.૫૨) નામના દલિત મહિલાને તેના પુત્ર અનિલ પ્રેમજીભાઇ રાઠોડે હાથમાં છરી ઝીંકી તેમજ બેસવા માટેનો લાકડાનો પાટલો ખભા પર ફટકારી દેતાં આંસુ વહાવતા આ મહિલા સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં.

હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારાએ થોરાળા પોલીસને જાણ કરી હતી. હંસાબેનના કહેવા મુજબ તેને સંતાનમાં એક જ દિકરો અનિલ છે અને તે કુંવારો છે. તે કંઇ કામ ધંધો કરતો નથી અને દરરોજ પચાસ રૂપિયા દારૂ પીવા માંગે છે. હજુ બે દિવસ પહેલા જ તેણે માથાકુટ કરતાં પોલીસને બોલાવી પકડાવી દીધો હતો. આજે ફરીથી તેણે પચાસ રૂપિયા માંગ્‍યા હતાં. પોતે છુટક સફાઇ કામ કરી રોજના સો રૂપિયા કમાઇને ઘર હંકારે છે, આમાં પચાસ એને દારૂ પીવા ક્‍યાંથી દેવા? પૈસા ન આપતાં તેણે છરીથી હુમલો કરી ખભા પર પાટલો પણ ફટકાર્યો હતો.

 

(4:19 pm IST)