Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

જય વીથ જેટી : ટી પોષ્ટ પર ખુલ્લા મંચના જલ્સામાં સાહિત્યપ્રેમીઓ ઉમટયા

રાજકોટ : જાણીતા લેખક અને વકતા જય વસાવડા સાથે એવા જ જાણીતા પત્રકાર જયેશ ઠકરારની જુગલબંધીમાં ટી પોષ્ટ પર ખુલ્લા મંચનું આયોજન થતા સાહિત્ય રસીકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી  રાત્રીના ૨.૩૦ સુધી મીઠી ચર્ચાનો આનંદ લુટયો હતો. ૪ કલાકના આ અવિરત કાર્યક્રમમાં બન્નેએ દિલખોલીને વાતો કરી હતી. દોસ્તી, સ્નેહ, લગ્ન અને સંબંધોથી માંડીને કારકીર્દી સહીતના સંવેદનાસભર મુદ્દાઓ ઉપર થયેલ આ ગોષ્ઠીએ જમાવટ કરી હતી. ચાય વીથ જય વસાવડાની કરાયેલ જાહેરાતથી મોટી સંખ્યામાં ચાહકમિત્રો ઉપસ્થિત રહેલ. અહીં જય વસાવડાએ દોસ્તીએ જીવનમાં ભજવેલ મહત્વના ભાગને દોહરાવ્યો હતો. સંઘર્ષના દિવસોમાં મિત્રોના બાઇક પાછળ બેસીને જવાની મીઠી સ્મૃતિઓને જય વસાવડાએ અહીં વાગોળી હતી. સાથો સાથ ટોચ ઉપર પહોંચતા શત્રુઓનો સામનો કરવાની સ્થિતીની વાત જણાવી કોઇપણ સંઘર્ષમય દિવસોમાં પાછળ જોવાને બદલે હિંમત પૂર્વક આગળ જ વધ્યે જવાની શીખ તેમણે આપી હતી. આ ગોષ્ઠીમાં શેર અને શાયરીનો દોર પણ આવ્યો હતો. તાળીઓના ગડગડાટ થોડી થોડીવારે ગુંજતા રહ્યા હતા. ટી પોષ્ટ કલચર શ્રેણી વિષે દર્શન દસાણીએ જણાવેલ કે અમારો પ્રયાસ રાજકોટ સહિત ગુજરાતના સર્જકો અને ભાવકો વચ્ચે ખુલ્લો મંચ પુરોપાડવાનો છે. આગામી સમયમાં આ પ્રકારના વિશિષ્ટ પ્રયોગો રજુ થતા રહેશે.

(3:55 pm IST)