Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બહુ ગાજેલી રાજકોટ લોહાણા મહાજનની ચૂંટણી મોકૂફ

૧૮ જુલાઈ સુધીમાં નવુ બંધારણ ફ્રેમ કરવું અને ત્યારબાદ ચેરીટી કમિશ્નરની કચેરીમાં જમા કરાવવું : ત્યારબાદ જ ચેરીટી કમિશ્નર નવી તારીખ જાહેર કરશે

રાજકોટ, તા. ૨૯ : લોહાણા મહાજનની ચૂંટણી સંદર્ભે થયેલ અરજી અંતર્ગત આજરોજ રાજકોટના જોઈન્ટ ચેરીટી કમિશ્નર પી.વી.મારૂએ આજરોજ ચુકાદો આપતા જણાવ્યુ હતું કે, લોહાણા મહાજન રાજકોટનું હાલનું બંધારણ ૧૯૬૧-૬૨નું છે. જે ઘણું જૂનું કહી શકાય. માટે સમય પ્રમાણે સુધારા સાથેનું નવુ બંધારણ બનાવવું આવશ્યક જણાય છે. કારણ કે ૧૯૬૧-૬૨માં લોહાણા જ્ઞાતિની વસ્તી ઘણી મર્યાદીત હતી.

હાલમાં આ વસ્તીમાં ઘણો બધો વધારો થવાથી નવુ બંધારણ બનાવવાની જરૂર જ જણાય છે. માટે સમાજમાં એક યા બીજી રીતે વિખવાદ ઉભો ન થાય અને વ્યવસ્થિત રીતે સાચી દિશામાં ચૂંટણી થાય તે માટે નવુ બંધારણ ફ્રેમ કરવાની તરફેણ કરી હતી. અરજીની સુનાવણી સંદર્ભે હાજર રહેલ લોહાણા મહાજનના હયાત ટ્રસ્ટીઓમાં કાશ્મીરાબેન નથવાણી, જશુમતીબેન વસાણી, કુંદનબેન રાજાણી, જનકભાઈ કોટક, અશોકભાઈ ગોંડલીયા વગેરેનો સમાવેશ થયો હતો. બંધારણ ફ્રેમ કરવામાં હાલના હયાત ટ્રસ્ટીઓ, આજની અરજી સંદર્ભેના તમામ પક્ષકારો અને એકબીજાના વકીલોને સાથે રાખીને પરામર્શ કરીને બંધારણ ફ્રેમ કરવાનું જોઈન્ટ ચેરીટી કમિશ્નરે જણાવ્યુ હતું.

(3:04 pm IST)