Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

પ્રભુ કયારેય આદેશ ન આપે, ઉપદેશ આપેઃ પૂ. નમ્રમુનિ મ.સા.

ઐતિહાસિક સમૂહ ચાતુર્માસની નિમંત્રણ પત્રિકાઓનું વડીલ ગુરુ ભગવંતો અને ગુરુણી મૈયાઓના શુભ નામ સાથે જૈન શ્રેષ્ઠિઓના હસ્‍તે આલેખન : ૧૦૦૮ ભાવિકો આચારાંગ સુત્ર આગમ કંઠસ્‍થ કરશે

  રાજકોટઃ તા.૨૯, પરમ પૂણ્‍યશાળી શ્રી રોયલ પાર્ક સ્‍થાનકવાસી જૈન મોટા સંઘ, સી.એમ.શેઠ પૌષધશાળા ખાતે   તા.૨૮ના પાવન દિવસે જૈનાગમ શ્રી આચારાંગ સૂત્રની વાંચના ફરમાવતા પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સાહેબે  કહ્યું કે જેવી રીતે કાગળના ટૂકડા ઉપર રીઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાના ગર્વનરની સહી થાય એટલે તે કાગળની કિંમત બે હજાર રૂપિયા થઈ જાય. અન્‍ય કોઈ કાગળ એટલે કે ચેક ઉપર સહી થાય તો તેનું મૂલ્‍ય ચેકમાં કરોડ રૂપિયા લખેલા હોય તો તે હવે માત્ર કાગળ નહીં પરંતુ કરોડ રૂપિયાનું મૂલ્‍ય થઈ જાય. તેવી જ રીતે ચતુર્વિધ સંઘ મુખ ઉપર મુહપતિ ધારણ કરે છે તે માત્ર કપડાનો ટૂકડો નથી પરંતુ તેમા અનંતા તીર્થંકર પરમાત્‍માની સહી છે તેમ સમજી તેનું જતન કરજો. તે હવે માત્ર કપડુ નહીં પરંતુ ઉપકરણ બની ગયેલ છે. ઉપકરણ અરિહંત આજ્ઞાના પાલનમાં સહાયરૂપ બને છે.

પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.એ રોયલ પાર્ક સંઘને આંગણે પ્રભુ મહાવીરની પ્રથમ દેશના શ્રી આચારાંગ સૂત્રની આગમ વાંચના ફરમાવી રહ્યાં છે. પૂ.નમ્રમુનિજીએ કહ્યું કે પ્રભુ કયારેય આદેશ ન આપે ઉપદેશ આપે પરંતુ અહીં પ્રભુ આચારાંગના આગમ વાક્‍ય દ્રારા માર્મિક આદેશ આપે છે. ‘‘જાએ સધ્‍ધાએ નિખંતો તમેવ અણુ પાલીયા'' આ આગમ વાક્‍યનો ભાવાર્થ સમજાવતા ગુરુદેવે કહ્યું કે તીથઁકર પરમાત્‍મા ફરમાવી રહ્યાં છે કે, હે સાધક! જે શ્રદ્ધાથી સંયમ ધર્મને અંગીકાર કરી રહ્યાં છો તે શ્રદ્ધામાં યાવત્‌ જીવન અડોલ અને અડગ રહેજો. આરંભે શૂરા, મધ્‍યે ખંતીલા, અંતે અડગ રહેવાથી વિજયને વરનારા બની શકાય છે. પૂ.ગુરુદેવે  હિયમાન, વર્ધમાન અને અવસ્‍થિત ત્રણેય ભાવો ઉપર ગહન ચિંતન ફરમાવતા કહ્યું કે ભાવ વર્ધમાન રાખવા માટે સદા સંવેગ ભાવમાં રમણતા કરવી.

આગમ વાંચના બાદ ઐતિહાસિક સમૂહ ચાતુર્માસની નિમંત્રણ પત્રિકા રોયલ પાર્ક સ્‍થા. જૈન સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાન્‍તભાઈ શેઠ, ગોંડલ સંઘ પ્રમુખ શ્રી પ્રવિણભાઈ કોઠારી, શ્રી નટુભાઈ શેઠ, શ્રી અશોકભાઈ મોદી, શ્રી ભાવેશભાઈ શેઠ, શ્રી હેમલભાઈ મહેતા, મહિલા મંડળના અગ્રણી શ્રી વીણાબેન શેઠ વગેરેના વરદ્‌ હસ્‍તે ગોંડલ સંપ્રદાયના ઉપકારી પૂ. ગુરુભગવંતો એવમ્‌ પૂ. મહાસતિજીઓના નામનું પત્રિકા ઉપર આલેખન કરવામાં આવેલ તેમ મનોજ ડેલીવાળા ની યાદિમાં જણાવાયું છે.

 રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રી રોયલપાર્ક સ્‍થા. જૈન મોટા સંઘના આંગણે થનારા ૭૫ સંત સતીજીના ચાતુર્માસને દીપાવવા ૧૦૦૮ ભાવિકો શ્રી આચારાંગ સૂત્ર આગમ કંઠસ્‍થ કરશે

  સાથો સાથ શ્રી  રોયલપાર્ક સ્‍થાનક્‍વાસી જૈન મોટા સંઘ-ઓમાનવાલા ઉપાશ્રય સી. એમ. પૌષધશાળાના આંગણે   ૭૫ સંત-સતીજીઓનું  સામુહિક ચાતુર્માસનું આયોજન થઇ રહ્યું છે ત્‍યારે રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ચાતુર્માસ દરમ્‍યાન ભાવિકોએ જ્ઞાન આરાધના દ્વારા આ ઐતિહાસિક ચાતુર્માસને દિપાવવાનો સંકલ્‍પ કર્યો છે. 

     ગુજરાત રત્‍ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૬ સંતો અને ૬૯ સાધ્‍વીરત્‍નાઓ મળીને શ્રી રોયલપાર્ક સઘમાં  ૭૫ સંત-સતીજીઓના ચાતુર્માસની અનુમોદના કરવાની રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીની પ્રેરણાને ઝીલીને ૧૦૦૮ ભાવિકો પ્રભુ મહાવીરની પ્રથમવાણી રૂપ શ્રી આચારાંગ સૂત્રને કંઠસ્‍થ કરવાના સંકલ્‍પ સાથે આ ચાતુર્માસને દીપાવશે.

(1:11 pm IST)