Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ઘેટા બકરાની શારજાહ નિકાસનો નિર્ણય પાછો ખેંચોઃ જીવદયાપ્રેમીઓમાં રોષઃ રાજકોટમાં ધરણા સુત્રોચ્‍ચાર

રાજકોટ તા. ૨૯ : ભારત સરકારે વિદેશી હુંડીયામણની લ્‍હાયમાં એક લાખ જીવતા ઘેટા બકરાની ૩૦ જુનના નાગપુર એરપોર્ટથી શારજાહ નિકાસ કરવાના લીધેલા નિર્ણય સામે જીવદયાપ્રેમીઓમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. આ નિર્ણયના વિરોધમાં જીવદયા પ્રેમીઓએ આજે રાજકોટમાં ધરણા સુત્રોચ્‍ચાર કરી પ્રચંડ વિરોધ નોંધાવ્‍યો હતો. કિશાનપર ચોકમાં થોડીવાર ચકકાજામ કરી દેવાયો હતો.

સુમનભાઇ કામદાર, મિતલ ખેતાણી, સંજયભાઇ મહેતા, ચંદ્રકાન્‍તભાઇ શેઠ, ઇશ્વરભાઇ દોશી, મુકેશભાઇ બાટવીયા, રાજેન્‍દ્રભાઇ શાહ, પ્રતિકભાઇ, રાજુભાઇ શાહ, અમિતભાઇ દેસાઇ, ચંદ્રેશભાઇ પટેલ, નિશાબેન, હેમાબેન, હીનાબેન, શોભનાબેન, છાયાબેન, નિધિબેન શાહ, દર્શન જૈન, કેતન સંઘવી, જયેશભાઇ, કમલભાઇ, ભુપેન્‍દ્રભાઇ, કલ્‍પેશભાઇ, સેતુરભાઇ દેસાઇ, કુલદીપભા, યશ શાહ, આશીતભાઇ, યોગેશભાઇ શાહ, હરેશભાઇ શાહ, કાર્તીક દોશી, પ્રકાશભાઇ શાહ, અવઘેષભાઇ સેજપાલ વગેરે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

આ આગેવાનોએ સવાલ ઉઠાવતા જણાવેલ છે કે શારજાહમાં ઘેટા બકરાનું શું થશે તે કઇ સ્‍પષ્‍ટ કરવાની જરૂર નથી. આ નિકાસ કોઇપણ સંજોગોમાં અટકવી જ જોઇએ.

કાલે શનિવારે તા. ૩૦ ના પ્રથમ તબકકામાં કેન્‍દ્રીય મંત્રી નિતીન ગડકરી, સુરેશ પ્રભુ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસની ઉપસ્‍થિતીમાં નાગપુર એરપોર્ટ પરથી જીવતા ઘેટા બકરા શારજાહ રવાના કરવામાં આવનાર છે. આ સમાચારથી દેશભરના જીવદયાપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી છે. વિદેશી હુંડીયામણની લ્‍હાયામાં મુંગા જીવનો સોદો કોઇ સંજોગોમાં સાખી ન લેવાય.

આ નિર્ણયને કાનુની રીતે પડકારવામાં આવશે. આગામી દિવસોમાં ગાંધીચીન્‍યા રાહે પ્રચંડ આંદોલન કરાશે. તેમ સુમનભાઇ કામદાર, મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), સંજયભાઇ મહેતા, ચંદ્રકાન્‍ત શેઠ, ઇશ્વરભાઇ દોશી, મુકેશભાઇ બાટવીયા સહીતના આગેવાનોની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

રાજકોટના કિસાનપરા ચોક, રેસકોર્ષ રીંગરોડ ખાતે આજે જીવદયાપ્રેમીઓએ દેખાવો સુત્રોચ્‍ચાર કર્યા હતા. તે સમયની તસ્‍વીર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(12:04 pm IST)