Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

રાજકોટ-લોધિકા સંઘનો નફો ર૪ કરોડ : પવનચક્કી-સોલાર પાવર પ્‍લાન્‍ટ સ્‍થપાશે

સામાન્‍ય સભામાં અધ્‍યક્ષ નીતિન ઢાંકેચાની જાહેરાત

રાજકોટ, તા. ર૯ : શ્રી રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ., રાજકોટની ૬રમી વાર્ષિક સાધારણ સભામાં સંઘના પ્રમુખશ્રી નીતિનભાઇ ઢાંકેચાએ જણાવેલ કે સંઘ ત્રેસઠમાં વર્ષમાં પ્રવેશે છે. સંઘના સને ર૦૧૭-ર૦૧૮ના વર્ષનો કામગીરી ગ્રોસ નફો રૂા.ર૩,૭૩,૧૯,૮૩૯-પ૧ કરેલ છે. સહકારી કાયદાથી નક્કી થયેલ મહત્તમ મર્યાદા મુજબ છેલ્લા પ૧ વર્ષથી સભાસદોને મેકસીમમ મર્યાદા મુજબ ૧પ ટકા શેર ડીવીડન્‍ડ ચૂકવે છે. બેન્‍કોમાં વ્‍યાજના દરમાં વધઘટ હોવા છતાં સંઘે શેર ડીવીડન્‍ડનો દર જાળવી રાખેલ છે. સંઘના અન્‍ય ભંડોળો, બેન્‍કમાં ડીપોઝીટ અને નફામાં ઉત્તરોત્તર સતત વધારો થયેલ છે.

નીતિનભાઇ ઢાંકેચા જણાવે છે કે સંઘ દૈનિક પ૦ મે. ટન પિલાણ કેપેસીટીની ઓઇલ મીલ, ર૦૦ મે. ટન રીફાઇનીંગ કેપેસીટીની રીફાઇનરી ધરાવે છે. કોમ્‍પ્‍યુટરરાઇઝડ ઇલેકટ્રોનીક વેબ્રીજ ધરાવે છે. રાજકોટ ખાતે કુલ ૧૩ ગોડાઉન (સંગ્રહ શકિત ૩૦૦૦ મે.ટન), કસ્‍તુરબાધામ ખાતે ુલ ર૯ ગોડાઉન (સંગ્રહ શકિત ર૯૦૦૦ મે. ટન) અને તેલ સ્‍ટોરેજ માટે કુલ ૪૭ સ્‍ટોરેજ ટેન્‍ક (સંગ્રહ શકિત ૪૩,૦૦૦ મે. ટન) ધરાવે છે. તેલીબીયા અને તેલના સેમ્‍પલના ટેસ્‍ટીંગ માટે અદ્યતન સાધનોવાળી લેબોરેટરી ધરાવે છે. સંઘ મગફળીનું પીલાણ કરીને ૧૦૦ ટકા શુદ્ધ ડબ્‍બલ ફીલ્‍ટર્ડ સીંગતેલ સહકાર' બ્રાંડથી વેચાણ કરે છે. સભાસદ મંડળીઓના ખેડૂત ખાતેદાર, મંડળીઓના કર્મચારીઓ, સંઘના કર્મચારીઓ, સંઘની વ્‍યવસ્‍થાપક સમિતિના સભ્‍યો વિ. દરેકનો પાંચ લાખ (પ,૦૦,૦૦૦-૦૦) રૂપિયાનો અકસ્‍માત વિમો સંઘના ખર્ચે ઉતરાવી આપી ઉમદા કાર્ય કરેલ છે. હાલમાં સઘ સભ્‍ય મંડળીઓના સભાસદોને ગંભીર અકસ્‍માત, કેન્‍સર, હૃદયરોગ જેવી બિમારીમાં સારવાર માટે વર્ષ દરમ્‍યાન કુલ સવા આઢ લાખ આર્થિક સહાય ચૂકવેલ છે.

વધુમાં શ્રી નીતિન ઢાંકેચાએ જણાવેલ છે કે સભ્‍ય મંડળીઓના સભાસદોને ઓછા પાણીએ મબલક પાક લઇ શકાય તે માટે આધુનિક ખેતી કરવા પ્રોત્‍સાહીત કરવા માટે મંડળીમાંથી ધીરાણ લેતા ખેડૂતોને ડ્રીપ ઇરીગેશન (ટપક પદ્ધતિ) સીસ્‍ટમમાં રૂા. ૧૬,૧૩,૯૦૦-૦૦ અને ઉભા પાકને નુકશાન થતું અટકાવવા માટે ખેતરની ફરતે ફેન્‍સીંગ બનાવવા માટે રૂા. ૧,૭પ,૦ર૦-૦૦ મળી કુલ રૂા. ૧૭,૮૮,૯ર૦-૦૦ની આર્થિક સહાય વર્ષ દરમ્‍યાન આપેલ છે.

વધુમાં શ્રી નીતિનભાઇ ઢાંકેચા જણાવે છે કે સંઘના પ્રોસેસીંગ યુનિટની આસપાસ રહેણાંક વિસ્‍તાર વધી જતા તેમજ અન્‍ય કોઇ યુનીટ નહીં હોઇ આમ જનતાને કોઇ પરેશાની કે તકલીફ ન થાય તે હેતુથી સંઘે ભાવનગર હાઇવે રોડ પર સંઘના યુનીટની આસપાસ જમીન લઇ ત્‍યાં અદ્યતન સુવિધા સાથે યુનીટ સ્‍થાપવાનો આજની સભામાં સર્વાનુમતે નિર્ણય થયેલ છે.  હાલ વિજળી (પાવર)ની સમસ્‍યા અતિ ગંભીર બનતી જાય છે. તેમજ વિજળી બહુ જ મોંઘી બનતી જાય છે, આથી આના હલ માટે પવન ચક્કી કે સોલાર પાવર પ્‍લાન્‍ટ સ્‍થાપવાનો આજની સભામાં સર્વાનુમતે નિર્ણય થયેલ છે.

સભામાં રાજકોટ-લોધિકા ગ્રામ્‍ય વિસ્‍તારના ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, માર્કેટ યાર્ડ, રાજકોટના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, માર્કેય ટાર્ડ, રાજકોટના ડીરેકટર અને ભાજપ જિલ્લા ઉપપ્રમુખ પરષોતમભાઇ સાવલીયા, આ સંઘ તથા શ્રી રાજકોટ જીલ્લા સહકારી બેન્‍કના ડીરેકટર શ્રી વિરભદ્રસિંહ જાડેજા, માર્કેટ યાર્ડ, રાજકોટના ડીરેકટર દિનેશભાઇ ઢોલરીયા, પ્રવિણસિંહ જાડેજા અને મનસુખભાઇ સંખાવરા, તાલુકા ભાજપ રાજકોટના વલ્લભભાઇ શેખલીયા, તાલુકા ભાજપ લોધિકાના ભરતસિંહ જાડેજા, ભરતભાઇ શીંગાળા, રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડીરેકટર ભગવાનજીભાઇ શીંગાળા વિ. સભામાં હાજર રહ્યા હતાં.

રાલો સંઘના વર્તમાન બોર્ડ ઓફ ડીરેકટર્સમાં ચેરમેન શ્રી નીતિનભાઇ ઢાંકેચા અને વાઇસ ચેરમેન મનસુખભાઇ સરધારા ઉપરાંત ભાનુભાઇ મહેતા, શૈલેષભાઇ પરસાણા, લક્ષ્મણસિંહ જાડેજા, ઠાકરશીભાઇ દુધાત્રા, કનકસિંહ જાડેજા, શિવલાલભાઇ ત્રાપશીયા, વનરાજસિંહ જાડેજા, બાબુભાઇ ખુંટ, મનસુખભાઇ વેકરીયા, રામજીભાઇ લીંબાસીયા, ધનાભાઇ ચાવડા, ભીમજીભાઇ કલોલા, લખમણભાઇ સિંધવ, વિજયભાઇ સખીયા, વિરભદ્રસિંહ જાડેજા, ચેતનભાઇ રામાણી, બાબુભાઇ નસીત અને જયેશભાઇ બોઘરાનો સમાવેશ થાય છે.

આ સંઘના વ્‍યવસ્‍થાપક કમીટી સભ્‍ય અને રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

રાજકોટ-લોધીકા ગ્રામ્‍ય વિસ્‍તારના ધારાસભ્‍ય શ્રી લાખાભાઇ સાગઠીયાએ જણાવેલ કે આ સંઘ વર્ષોથી પ્રગતિ કરતો રહ્યો છે. વિશેષ તો આ સંઘ ખેડૂતલક્ષી અને આમ જનતા માટે પણ જયાં પણ સેવા-સહકાર-સહયોગની જરૂરત ઉભી થાય છે ત્‍યાં હર હંમેશ અગ્રેસર રહી સરાહનીય કામગીરી કરે છે.

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટ યાર્ડ, રાજકોટના ચેરમેનશ્રી ડી.કે. સખીયાએ જણાવેલ કે રાલોસંઘની પ્રગતિ અને સેવાકીય પ્રવૃતિની વાત જ નીરાળી છે આવી સંસ્‍થા આપણા રાજયમાં નહીં બલકે સમગ્ર રાષ્‍ટ્રમાં દુલર્ભ છે.

માર્કેટ યાર્ડ, રાજકોટના વાઇસ ચેરમેન શ્રી હરદેવસિંહ જાડેજાએ જણાવેલ કે, સંઘની ખેડુતલક્ષી સહાયો જેવી કે ડ્રીપ ઇરીગેશન, ખેડૂત અકસ્‍માત વિમા, ગંભીર માંદગીમાં વધુમાં વધુ સહાયરૂપ બને અને તેમાં સૌ સભાસદો સહકાર આપી સંઘને પ્રેરણા આપે. હમણા જ રાજય સરકારશ્રીની સુજલામ-સુફલામ જળ સિંચન યોજના અંતર્ગત રાજકોટ અને લોધીકા તાલુકામાં ર૦ લાખ જેવી મોટી રકમની સહાય આપીને તળાવ ઉંડા ઉતારવાના ભગીરથ કાર્યમાં પૂર્ણપણે સહકાર આપે છે તે વંદનીય છે.

સંચાલન સંઘના ઉપપ્રમુખશ્રી મનસુખભાઇ સરધારા દ્વારા કરવામાં આવેલ. અંતમાં સંઘના ડીરેકટરશ્રી શૈલેષભાઇ પરસાણાએ આભારવિધિ કરી હતી.

 

(11:31 am IST)