Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

રામભદ્રાચાર્યજીએ ૪૪૧ પુરાવાઓએ આપ્‍યા જેમાંથી ૪૩૭ પુરાવાઓએ સાબિત કર્યું કે અયોધ્‍યા જ છે ભગવાન શ્રીરામની જન્‍મભૂમિ

રામ જન્‍મભૂમિ કેસમાં હિન્‍દુ પક્ષના વિજયમાં રામભદ્રાચાર્યનું સૌથી મોટું પ્રદાન : કોર્ટ સમક્ષ અનેક પુરાવાઓ રજૂ કર્યા

જગતગુરૂ રામભદ્રાચાર્યજીએ કહ્યું હતું કે અયોધ્‍યામાં રામ મંદિર હોવાના ૪૪૧ પુરાવા કોર્ટને આપવામાં આવ્‍યા છે. જેમાંથી ૪૩૭ પુરાવાઓ સચોટ સાબિત થયા છે.

પ્રાચીન ગ્રંથોનો ઉલ્લેખ કરતા રામભદ્રાચાર્યજીએ કહ્યું હતું કે શ્રીરામના જન્‍મની માહિતી વાલ્‍મીકિ રામાયણના બાલખંડના આઠમા શ્‍લોકથી શરૂ થાય છે. આ સચોટ પુરાવો છે. આ પછી સ્‍કંદ પુરાણમાં રામનું જન્‍મસ્‍થળ કહેવામાં આવ્‍યું છે. આ પ્રમાણે રામ જન્‍મભૂમિથી ૩૦૦ ધનુષના અંતરે સરયુ માતા વહી રહી છે. ધનુષ્‍ય ચાર હાથનું હોય છે.  આજે પણ માપવામાં આવે તો સરયુ નદી જન્‍મ સ્‍થળથી સમાન અંતરે વહેતી જોવા મળશે. આ પહેલા અથર્વવેદના દસમા કાંડના ૩૧માં અનુ વાક્‍યના બીજા મંત્રમાં સ્‍પષ્ટપણે કહેવામાં આવ્‍યું છે કે ૮ ચક્રો અને નવ મુખ્‍ય દ્વારોવાળી શ્રી અયોધ્‍યામાં દેવતાઓનો વાસ છે. એ જ અયોધ્‍યામાં મંદિરનો મહેલ છે. ભગવાન સ્‍વર્ગમાંથી તેમાં આવ્‍યા છે. એટલું જ નહીં, વેદોમાં પણ રામના જન્‍મના સ્‍પષ્ટ પુરાવા છે. ઋગ્‍વેદના દશમ મંડળમાં પણ આનો પુરાવો છે. રામચરિતમાનસમાં તે ખૂબ જ સ્‍પષ્ટ રીતે લખાયેલું છે.

તુલસીશતકમાં કહેવાયું છે કે બાબરના સેનાપતિઓ અને દુષ્ટ યુવાનોએ રામજન્‍મભૂમિના મંદિરને તોડીને મસ્‍જિદ બનાવી અને ઘણા હિંદુઓની હત્‍યા કરી. તુલસીદાસે પણ તુલસીશતકમાં આ અંગે દુઃખ વ્‍યક્‍ત કર્યું હતું. મંદિર તોડ્‍યા પછી પણ હિન્‍દુ સાધુઓ રામલલાની સેવા કરતા હતા. આમ, રામભદ્રાચાર્યજીના પુરાવાઓએ રામજન્‍મભૂમિ કેસમાં કરોડો હિંદુઓની આસ્‍થાને વિજય અપાવ્‍યો હતો.

રામજન્‍મભૂમિ કેસમાં રામભદ્રાચાર્યજીએ આપી હતી જુબાની

રામજન્‍મભૂમિ વિવાદમાં જયારે સુપ્રીમ કોર્ટના ન્‍યાયાધીશોએ ગુરૂ રામભદ્રાચાર્યજીને ભગવાન રામના જન્‍મસ્‍થળ વિશે શાષાીય અને વૈદિક પુરાવાઓ માટે પૂછ્‍યું ત્‍યારે તેમણે અથર્વવેદનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે અથર્વવેદના દસમા કાંડના એકત્રીસમા અનુવાકના બીજા મંત્રને ટાંકીને ભગવાન રામના જન્‍મની વૈદિક સાબિતી આપી.

આ ઉપરાંત તેમણે ઋગ્‍વેદની જૈનીય સંહિતાનું ઉદાહરણ પણ આપ્‍યું હતું જેમાં રામજન્‍મભૂમિનું સ્‍થાન સરયુ નદીના ચોક્કસ સ્‍થાનથી દિશા અને અંતરની ચોક્કસ વિગતો આપતાં જણાવવામાં આવ્‍યું છે. આ વેદની તપાસ કરતા તેમણે આપેલી વિગતો સાચી હોવાનું જાણવા મળ્‍યું હતું.

: વિશેષ લેખ :

કિન્‍નર આચાર્ય

જાણીતા કટારલેખક

અને જર્નાલીસ્‍ટ

(4:48 pm IST)