Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

તારી ફરિયાદને લીધે મારે જેલમાં જવું પડયું, ખર્ચના બે લાખ નહિ આપે તો પતાવી દઇશઃ ગાંધીગ્રામના જયદિપને ધમકી

છ મહિના પહેલા એક્‍ટીવા સળગાવી નાંખનાર ટોળકી વિરૂધ્‍ધ ફરિયાદ કરી હતી તેનો ખાર રખાયો :રૈયાધાર રાણીમા રૂડીમા ચોકમાં યુવાનનું એક્‍ટીવા સળગાવાયું હતું: બાબુ ઉર્ફ આનંદ પરમાર વિરૂધ્‍ધ ગુનો દાખલ થયો :રૈયાધારમાં ટોળકી લુખ્‍ખાગીરી આચરતી હોવાની થોડા દિવસ પહેલા જ પોલીસ કમિશનરને રજૂઆત થઇ હતી

રાજકોટ તા. ૨૯: રૈયાધારના રાણીમા રૂડીમા ચોકમાં ટોળકી રહેવાસીઓ, વેપારીઓને હેરાન પરેશાન કરતી હોવાની ફરિયાદો વચ્‍ચે હવે ગુના દાખલ કરવાની શરૂઆત થઇ છે. ગાંધીગ્રામ લાભદિપ સોસાયટીમાં રહેતાં એક યુવાનનું વાહન છએક મહિના પહેલા ટોળકીએ સળગાવી દીધું હોઇ તેમાં તેણે ફરિયાદ કરી હતી. આ ગુનામાં એક શખ્‍સને જેલમાં જવું પડયું હોઇ હવે તેણે જેલમાંથી છુટવાના અને વકિલના ખર્ચ પેટે બે લાખ આપવા પડશે તેમ કહી બળજબરીથી રૂપિયા માંગી યુવાનને પતાવી દેવાની ધમકી આપતાં ફરિયાદ દાખલ થઇ છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રામાપીર ચોકડી ૧૫૦ રીંગ રોડ પર લાભદિપ સોસાયટી-૩માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં જયદિપ હસમુખભાઇ ચાવડા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી રૈયાધાર મફતીયાપરામાં રહેતાં બાબુ રણછોડભાઇ પરમાર વિરૂધ્‍ધ આઇપીસી ૩૮૭, ૫૦૬ (૨) મુજબ તે મને યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં ખોટી ફરિયાદમાં ફસાવી દીધો છે, જેના કારણે આર્થિક નુકસાની થઇ છે, જો તું નુકસાનીના ૨ લાખ રૂપિયા નહિ આપ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

જયદિપ ચાવડાએ જણાવ્‍યું છે કે તા. ૨/૧૧/૨૨ના રોજ હુ઼ રાણીમા રૂડીમા ચોકમાં હતો ત્‍યારે બાબુ ઉર્ફ આનંદ રણછોડ પરમાર, રમેશ બોખાણી, સુનિલ રમેશભાઇ, પ્રકાશ ડાયાભાઇ અને રાજેશ બાવજીભાઇ તથા બાઘા ઝાપડાએ મારું એકટીવા સળગાવી નાખ્‍યું હતું. આ મામલે મેં યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્‍યારબાદ ૧૫/૫/૨૩ના રોજ રાતે સવા અગિયારેક વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે મારા ફોન પર બાબુ ઉર્ફ આનંદ પરમારે ફોન કર્યો હતો અને તું ક્‍યાં છો, મારે તને અત્‍યારે જ મળવું છે તેમ કહેતાં મેં તેને હું ઘરે સુતો છું, સવારે મળશું તેમ જણાવ્‍યું હતું અને ફોન સાયલન્‍ટ કરી નાંખ્‍યો હતો.

બીજા દિવસે ૧૬મીએ સવારે દસેક વાગ્‍યે હું સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ સામે એસકે ચોક મેઇન રોડ પર મારી ક્રિષ્‍ના એન્‍ટરપ્રાઇઝ નામની દૂકાને ગયો હતો ત્‍યારે પગથીયા પાસે જ બાબુ ઉર્ફ આનંદ ઉભો હતો અને કહ્યું હતું કે તે મારા વિરૂધ્‍ધ અગાઉ તે ખોટી ફરિયાદ કરી છે, તું મારી સાથે સમાધાન કરી લે. તારી ફરિયાદને કારણે મારે જેલમાં રહેવું પડયું હતું, છુટવાના અને વકિલોના ખર્ચના તારે મને બે લાખ આપવા પડશે.   તેમ કહેતાં મેં તેને કહેલું કે મેં તારું ખોટુ નામ ફરિયાદમાં નહોતું લખાવ્‍યું.

આ સાંભળી તે ઉશ્‍કેરાઇ ગયો હતો અને જો મને પૈસા નહિ આપ અને સમાધાન નહિ કર તો તને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આથી હું ડરી જતાં  મેં તેને વધુ કંઇ કહ્યું નહોતું. ત્‍યારપછી તે મારી દૂકાનેથી જતો રહ્યો હતો. મનેડર લાગતાં મેં મારા ભાઇ જીતેન્‍દ્રભાઇ અને મિત્ર અભીભાઇ પટેલને વાત કરી હતી. તેણે હિમ્‍મત આપતાં ફીરયાદ કરવા યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશને ગયો હતો. પણ હદ ગાંધીગ્રામની હોવાનું જણાવતાં ત્‍યાં ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં જયદિપ ચાવડાએ કહ્યું હતું. હેડકોન્‍સ. આર. ટી. વાસદેવાણીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ રૈયાધારના રહેવાસીઓ, વેપારીઓએ લુખ્‍ખાઓ હેરાન પરેશાન કરતાં હોવાની ફરિયાદ સાથે પોલીસ કમિશનર કચેરીએ આવી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

(6:14 pm IST)