Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

મોરબી રોડ પર ગણેશનગરમાં નામચીન ઇભલા અને પરિવારજનોની ધમાલઃ પડોશી પર હુમલોઃ તોડફોડ

ખંડણી, મારામારી, રાયોટીંગ, આર્મ્‍સ એક્‍ટ, મારામારી, હત્‍યાની કોશિષ સહિત ૫૩થી વધુ ગુનાઓમાં ઇભલાની સંડોવણી :રિક્ષાચાલક પ્રવિણભાઇ ચાવડાએ અંદરો અંદર ઝઘડો કરી રહેલા ઇભલાને રાડો પાડવાની ના પાડતાં તેણે ભાઇ, પત્‍નિ, માતા સાથે મળી ધોલધપાટ કરી છરી-ધોકાથી હુમલો કરી ખૂનની ધમકી દીધીઃ રિક્ષામાં, દરવાજામાં તોડફોડઃ એટ્રોસીટી હેઠળ કાર્યવાહી : બી-ડિવીઝન પોલીસે સામા પક્ષે ઇબ્રાહીમ ઉર્ફ ઇભલાના પત્‍નિ નૂરીબેનની ફરિયાદ પરથી ડેવીડ, તેના પુત્ર, મુકેશ અને ભરત વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૯: જુના મોરબી રોડ પર ગણેશનગર-ચામડીયા ખાટકીવાસમાં નામચીનની છાપ ધરાવતો ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો કાથરોટીયા લાંબો સમય શાંત રહ્યા બાદ ફરીથી તેણે તેના પરિવારજનો સાથે મળી રાતે ધમાલ મચાવી હતી. ઇભલો તેના ઘરના સાથે અંદરો અંદર ઝઘડો કરતો હોઇ પડોશી રિક્ષાચાલકે રાડો પાડવાની ના પાડતાં તેના પર છરી, ધોકાથી હુમલો કરી ઢીકાપાટુનો પણ માર મારી રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી. ઇભલાએ ધમાલ મચાવ્‍યાની જાણ થતાં પોલીસની ગાડીઓ દોડી ગઇ હતી. સામા પક્ષે ઇભલાની પત્‍નિએ પણ ચાર શખ્‍સો વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસના કહેવા મુજબ ઇભલો અગાઉ પચાસથી વધુ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ જુના મોરબી રોડ પર ગણેશનગર-૭માં આંગણવાડી પાછળ સીટી સ્‍ટેશન સામે રહેતાં પ્રવિણભાઇ બાબુભાઇ ચાવડા (ઉ.વ.૪૩) નામના રિક્ષાચાલક પર પડોશમાં રહેતાં ઇભલો કાથરોટીયા સહિતે હુમલો કર્યાની જાણ થતાં બી-ડિવીઝન પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ એમ.આઇ. શેખ, ડી. સ્‍ટાફનો કાફલો અને બીજો સ્‍ટાફ દોડી ગયો હતો.  પોલીસે પ્રવિણભાઇ ચાવડાની ફરિયાદ પરથી ઇભલો કાથરોટીયા, ઇભલાનો ભાઇ મેબલો, ઇભલાની પત્‍નિ નુરી અને ઇભલાની માતા ઝરીનાબેન વિરૂધ્‍ધ આઇપીસી ૩૨૩, ૫૦૬ (૨), ૧૧૪, ૪૨૭, એટ્રોસીટી એક્‍ટની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો હતો.

પ્રવિણભાઇ ચાવડાએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવુ છું. રાતે સાડા અગિયારેક વાગ્‍યે હું ઘરમાં હતો ત્‍યારે પડોશશમાં રહેતો ઇભલો તેના પરિવાર સાથે અંદરો અંદર ઝઘડો કરતોઇ હોઇ અને મોટે મોટે રાડો પાડતો હોઇ મેં તેને રાડો નહિ પાડવા અને ઝઘડો નહિ કરવા સમજાવતાં તેણે મને ધોકાથી માર મારી જમણા હાથમાં ઇજા કરી હતી. દેકારો થતાં ઇભલાનો ભાઇ, પત્‍નિ અને માતા આવી ગયા હતાં. આ ત્રણેયએ આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં ઇભલાએ છરીથી હુમલો કરી હાથમાં છરકો કરી મને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ મારી રિક્ષામાં તોડફોડ કરી હતી. આ ઉપરાંત મારા પત્‍નિ શારદાબેન તથા પુત્ર વિવેકને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્‍યોહ તો. તેમજ ઘરના દરવાજામાં પણ નુકસાન પહોંચાડયું હતું. આ બનાવમાં આગળની તપાસ એસસીએસટી સેલના એસીપી વી. જી. પટેલે આગળની તપાસ હાથ ધરી છે.

સામા પક્ષે ગણેશનગર-૧૧માં રહેતાં નૂરીબેન ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો કાથરોટીયા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી પડોશમાં રહેતાં ડેવિડ, તેનો દિકરો વિવેક અને મુકેશ તથા ભરત વિરૂધ્‍ધ ગુનો નોંધાયો છે. નુરીબેને જણાવ્‍યું હતું કે હું ઘરકામ કરુ છું, મારે સંતાનમાં બે દિકરી છે. રવિવારે રાતે હું ઘરે હતી ત્‍યારે પતિ ઇબ્રાહીમ ઉર્ફ ઇભલાએ બહારથી ઘરે આવી મારી સાથે ઝઘડો ચાલુ કરતાં હું ઘર બહાર નીકળી ગઇ હતી. પતિ પણ બહાર આવી મારી સાથે બોલાચાલીક રતો હોઇ અવાજ સાંભળી મારો દિયર મેબલો તથા સાસુ મારી પાસે આવ્‍યા હતાં અને મને છોડાવતાં હતાં ત્‍યારે પડોશી ડેવિડ, તેના દિકરા વિવેક, તેના સગા મુકેશ અને ભરતે આવી અમારી સાથે ઝઘડો કર્યો હતો. જેમાં મુકેશ અને ભરતના હાથમાં છરીઓ હોઇ તેણે કારણ વગર અમને ગાળો દીધી હતી. તેમજ ઢીકાપાટુ માર્યા હતાં. મારા દેરાણી અનિશાબેને પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસે અમને છોડાવ્‍યા હતાં. પીએસઆઇ એમ.આઇ. શેખે આ ગુનો નોંધ્‍યો હતો. આરોપીઓની ધરપકડ કરવા તજવીજ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે ઇભલા વિરૂધ્‍ધ અગાઉ શહેરના બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશન, એ-ડિવીઝન, પ્ર.નગર, એરપોર્ટ પોલીસમાં મારામારી, હત્‍યાની કોશિષ, આર્મ્‍સ એક્‍ટ, ખંડણી, જૂગાર, એટ્રોસીટી, ધાકધમકી સહિતના ૫૩ જેટલા ગુના નોંધાઇ ચુક્‍યા છે. તેમજ તેને છ વખત વડોદરા, સુરત, ભુજ, અમદાવાદની જેલોમાં ડેન્‍જર પર્સનના માર્કિંગ સાથે પાસામાં પણ ધકેલવામાં આવ્‍યો હતો. લાંબા સમયથી તે શાંત હતો. હવે પડોશીઓ સાથે ધમાલ મચાવતાં તેની ક્રાઇમ કુંડળીમાં વધુ એક ગુનાનો ઉમેરો થયો છે.

(4:32 pm IST)