Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ભાજપ ૨૬ જાહેરસભાથી લાખો લોકો સુધી પહોંચશે : રાજકોટમાં સંભવત ૧૧ જુને સભા

મોદી સરકારને ૯ વર્ષ પુરા થતા લોકસભા ક્ષેત્ર દિઠ અડધા-અડધા લાખ લોકોની સભા યોજવાનો નિર્ણય : લોકસભાની ચૂંટણીની જોરશોર તૈયારી : સરકારની સિધ્ધીઓના પ્રચાર માટે કેન્દ્રીય નેતાઓ ગુજરાતને ગજાવશે

રાજકોટ તા. ૨૯ : કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીની સરકારને આવતીકાલે તા. ૩૦મીએ નવ વર્ષ પુરા થઇ રહ્યા છે. આવતા નવ મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. આ બંને બાબતો ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા દેશવ્યાપી ઉજવણી થનાર છે. 'નવ સાલ બેમિશાલ' સૂત્રથી હેઠળ ગુજરાતમાં પણ આખો જૂન મહિનો પાર્ટીએ નક્કી કર્યા મુજબના જુદા-જુદા કાર્યક્રમો યોજાનાર છે. દરેક લોકસભા મતક્ષેત્ર દીઠ એક-એક જંગી જાહેરસભા યોજવાનું નક્કી થયું છે. રાજકોટ લોકસભા બેઠકની સભા રાજકોટમાં ૧૧ જૂને અથવા તેની નજીકના કોઇ દિવસમાં રાખવાનો નિર્ણય થયો છે. તેની પૂર્વ તૈયારી પણ શરૃ કરી દેવામાં આવી છે.

ભાજપ દ્વારા ગુજરાતમાં કેન્દ્ર સરકારના નવા વર્ષની ઉજવણી નિમિતે જાહેરસભા, વિવિધ મોરચાના સંયુકત સંમેલન, વેપારી સંમેલન, પ્રબુધ્ધ સંમેલન, પ્રબુધ્ધ નાગરિક સંમેલન વગેરે કાર્યક્રમો થશે. દરેક મતક્ષેત્ર દીઠ એક-એક મોટી જાહેરસભા યોજાશે. દરેક જાહેરસભામાં અડધા - અડધા લાખ લોકો ભેગા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ૨૬ જાહેરસભા દ્વારા ભાજપ ૧૦ થી ૧૫ લાખ લોકો સુધી પહોંચવા માગે છે. જાહેરસભામાં કેન્દ્રના નેતાઓ મુખ્ય વકતા તરીકે સરકારની સિધ્ધીઓ વર્ણવશે. તા. ૧૦ થી ૨૦ જુન વચ્ચે વરસાદની સંભાવના અને કેન્દ્રીય નેતાઓની વ્યસ્તતા ધ્યાને રાખીને જે તે વિસ્તારની સભાની તારીખ નક્કી થશે.

રાજકોટ લોકસભા વિસ્તારમાં રાજકોટ શહેર ઉપરાંત રાજકોટ, જસદણ, વિંછીયા, લોધીકા, કોટડાસાંગાણી, પડધરી, વાંકાનેર વગેરે તાલુકાનો સમાવેશ થાય છે. ગઇકાલે સૌરાષ્ટ્ર વિભાગની સંગઠનના મુખ્ય લોકોની બેઠકમાં રાજકોટ લોકસભાની જાહેરસભા રાજકોટ શહેરમાં જ યોજવાનું અનુ કૂળ આવે તેવો સૂર વ્યકત થયો હતો. તા. ૧૧ જૂન રવિવાર અથવા તેની આગળ પાછળના કોઇ દિવસે આ સભા યોજાશે. સંભવિત તા. ૧૧ અથવા ૧૨ જૂન છે. ૫૦ હજાર લોકો એકત્ર કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. સભાની તારીખ, સ્થળ અને મુખ્ય વકતા અંગે ટુંક સમયમાં આખરી નિર્ણય થઇ જશે.

ગઇકાલે પ્રદેશ મહામંત્રી રજની પટેલની હાજરીમાં આ અંગે મળેલ બેઠકમાં સૌરાષ્ટ્રના ભાજપના અગ્રણીઓ સર્વશ્રી કુંવરજીભાઇ બાવળિયા, ભરત બોઘરા, ભાનુબેન બાબરિયા, ડો. દર્શિતા શાહ, રમેશ ટીલાળા, ઉદય કાનગડ, ધવલ દવે (જિલ્લા પ્રભારી), કાંતિભાઇ અમૃતિયા, દુર્લભજીભાઇ દેથરીયા, જગદીશ મકવાણા, રીવાબા જાડેજા, અલ્પેશ ઢોલરિયા, મુકેશ દોશી, રાજુ ધ્રુવ, ભુપત બોદર, જીતુ વાઘાણી, પ્રદીપ ખીમાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:27 pm IST)