Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

જો વીજ કનેકશન કપાશે તો મંગળવારથી આંદોલનઃ વીજ કનેકશન કાપવાની કોઇ વાત નથીઃ ગાંધી

કોંગ્રેસનાં જશવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, ગોપાલ અનડકટ તથા રણજીત મુંધવા સહિતના આગેવાનો દ્વારા આંદોલનની ચેતવણીઃ ચીફ ઇજનેર ગાંધીનો નિર્દેશ કાલ સુધીમાં બીલ નહિ ભરાય તો વ્યાજ ચડશે..

રાજકોટ,તા.૨૯: પીજીવીસીએલ તંત્ર દ્વારા માર્ચ અને એપ્રિલ મહિનાનું બીલ ૩૦ સુધી નહીં ભરવામાં આવે તો વીજ કનેકશન કાપી નાખવામાં આવશે. તેવી તંત્ર દ્વારા ધમકી આપવામાં આવતા લોકો વિકટ પરિસ્થિતીમાં મુકાઇ ગયા છે. ત્યારે કોંગ્રેસના જસવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, ગોપાલભાઇ અનડકટ અને રણજીતભાઇ મુંધવા દ્વારા વીજળીના બીલની ઉઘરાણી કરવામાં આવશે તો મંગળવારથી ઉગ્ર આંદોલનની ચીમની ઉચ્ચારવામાં આવી છે.

યાદીમાં જણાવ્યા પ્રમાણે હાલ કોરોનાની મહામારી વચ્ચે આખો દેશ લડી રહ્યો છે પરંતુ લોકડાઉનને લીધે અનેક ગરીબ પરીવારોની ઝીંદગી દોજખ બની ગઈ છે. રોજમદાર તરીકે ધંધો કે નોકરી કરતા લોકો માટે આ માઠા દિવસો ખુબ કપરા સાબીત થઈ રહ્યા છે.ત્યારે છુટછાટ મળ્યા પછી માંડ ગરીબોની ગાડી દ્યીમે ધીમે પાટે ચડતી હતી ત્યાં જ પીજીવીસીએલ તંત્ર સફાળુ જાગૃત થયુ અને તેઓ દ્વારા વીજ બીલની ઉધરાણી શરૂ કરી દેવામાં આવી છે. ગત માર્ચ અને એપ્રિલ એમ બે મહીનાના વીજ બીલ આગામી ૩૦ મે સુધીમાં જો ભરપાઈ નહી કરવામાં આવે તો વીજ કનેકશન કાપી નાખવામાં આવશે તેવી ધમકી આપવામાં આવતા લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા આક્ષેપ અનડકટ ભટ્ટી, મુંધવા અને મકવાણા દ્વારા કરવામાં આવ્યો છે.

વધુમાં કોંગી આગેવાનોએ જણાવ્યું હતું, એક તરફ રાજસ્થાનમાં રહેલી કોંગ્રેસ સરકારે બે મહીનાના વીજ બીલ અને પાણી વેરો બંને માફ કર્યા અને ગુજરાતની સરકાર  એક રૂપિયાની રાહત કરવાની તો દૂરનીવાત છે ઉલ્ટાનું પઠાણી ઉઘરાણી કરી વીજ કનેકશન કાપી નાખવાની ગર્ભીત ધમકી આપી રહી છે જે હકીકતે નિંદનીય બાબત છે ત્યારે આગામી મંગળવારથી ચારેય કોંગી આગેવાનોની આગેવાનીમાં લોકોને સાથે રાખીને રણશીંગુ ફૂંકવામાં આવશે જો પીજીવીસીએલ તંત્ર દ્વારા લોકો પાસે વીજ બીલની પઠાણી ઉધરાણી કરવામાં આવશે તો કોંગી આગેવાનોએ ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે વીજ બીલ માફ નહી કરવામાં આવે તો મંગળવારથી ઉગ્ર આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

દરમિયાન જીઇબીના ચીફ ઇજનેરશ્રી ગાંધીએ આ બાબતે 'અકિલા'ને જણાવ્યું હતું કે, કનેકશન કાપી નાખવાની કોઇ વાત નથી. નોટીસો આપ્યા વગર કનેકશન કેમ કપાય, કાલ સુધીમાં બીલ નહીં ભરે તો વ્યાજ ચડશે તેમ શ્રી ગાંધીએ ઉમેર્યું  હતું.

(4:09 pm IST)