Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

આત્મનિર્ભરનો મંત્ર આપી આપત્તિને અવસરમાં પલ્ટાવનાર નરેન્દ્રભાઇના કાર્યકાળમાં અનેક ઐતિહાસિક નિર્ણયો

ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રકચર, સિસ્ટમ, ડેમોગ્રાફી, ડીમાન્ડ જેવા પાંચ સ્તંભો મેક ઇન ઇન્ડિયાનો સંકલ્પ સશકત કરશે : ભંડેરી-ભારદ્વાજ : ડીઝીટલ સંપર્ક અને વર્ચ્યુઅલ સંવાદના કાર્યક્રમો થકી સરકારની સિધ્ધીઓ લોકો સુધી પહોંચાડાશે : મિરાણી, માંકડ, કોઠારી, રાઠોડ : મહાનગર ઇન્ચાર્જ તરીકે દેવાંગ માંકડ અને વિરેન્દ્રસિંહ ઝાલા સહઇન્ચાર્જ

રાજકોટ તા. ૨૯ : વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી જનાર દેશના વડાપ્રાધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારે બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ મેળવેલ છે. ત્યારે આ શુભ અવસરને વધાવતા ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે જણાવ્યુ છે કે 'આત્મનિર્ભર ભારત' નો મંત્ર આપી નરેન્દ્રભાઇએ આપત્તિને અવસરમાં પલ્ટાવી દીધેલ છે. ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રકચર, સિસ્ટમ, ડેમોગ્રાફી, ડીમાન્ડ જેવા પાંચ સ્તંભોથી મેક ઇન ઇન્ડીયાના સંકલ્પને સાકાર કરી શકાશે.

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫ એ કલમ રદ કરવી, ટ્રીપલ તલાક કાયદો, સિંગલ યુઝ પ્લાસ્ટીક બેન, સરકારી બેંક મર્જર સહીતના તેમણે લીધેલા ૯ મોટા નિર્ણયોથી ૧૩૫ કરોડ ભારતીયોનું ભવિષ્ય બદલાવી દીધાનું તેઓએ સંયુકત યાદીમાં જણાવેલ છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે સંયુકત યાદીમાં જણાવેલ છે કે નરેન્દ્રભાઇના નેતૃત્વમાં સર્વાંગી વિકાસની સાથો સાથ આતંકવાદનો સફાયો થયો અને લોકકલ્યાણકારી અનેક યોજનાઓની ભેટ મળી છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે પણ તેમણે સમયસરના પગલા લઇ લોકોની સુરક્ષાની ચિંતા કરી છે. વ્યાપાર આર્થિક ક્ષેત્રે ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આત્મનિભર્ર ભારત અભિયાન દેશવાસીઓએ સ્વીકારી લેતા લોકલ માટે વોકલની પ્રેરક વાત સાર્થક થઇ રહ્યાનું શ્રી મિરાણી, શ્રી માંકડ, શ્રી કોઠારી, શ્રી રાઠોડે જણાવેલ છે.

દરમિયાન વ્યકિતગત સંપર્ક, ડીઝીટલ સંપર્ક, વર્ચ્યઅલ સંવાદ સહીતના વિવિધ કાર્યક્રમો અંતર્ગત મહાનગરના ઇન્ચાર્જ તરીકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ અને સહઇન્ચાર્જ તરીકે વિરેન્દ્રસિંહ ઝાલાની નિયુકિત જાહેર કરવામાં આવેલ હોવાનું શહેર ભાજપની યાદીમાં જણાવાયુ છે.

(3:10 pm IST)