Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ગરીબોના ઘઉં - ચોખા કાળા બજારમાં વહેંચી નાખનાર શહેરનો બીજો સસ્તા અનાજનો દુકાનદાર ઝડપાયો : ૯૦ દિ' લાયસન્સ રદ્દ

ડીએસઓ પૂજા બાવડા અને ઈન્સ્પેકટરો પરસાણીયા - ઝાલાનો સફળ દરોડો : હવે ત્રણ દિ'માં ૧૦ દુકાનદારો સામે તપાસ : બજરંગવાડીમાં દુકાનદાર બી.ડી. જોષીને ત્યાં ૬૭ હજારનો માલ સીઝ : ઘઉં-ચોખા-ખાંડ-બારોબાર વેચી નાખ્યા : આ દુકાનદારે એપ્રિલ-મેના કુલ ૧ હજાર રેશનકાર્ડ ધારકોને માલ આપ્યો ન હોવા છતા ઓનલાઈન એન્ટ્રી કરી ખોટા બીલો બનાવી નાખ્યાનો ધડાકો : ફોજદારી સહિત કડક પગલા લેવા કલેકટરને રિપોર્ટ

રાજકોટ : અહિંના બજરંગવાડી ખાતે આવેલ  દુકાનદાર બી.ડી. જોષીને ત્યાં દરોડા પાડેલ તે દુકાન તથા ઈન્સેટ તસ્વીરમાં ડીએસઓ પૂજા બાવડા નજરે પડે છે.

રાજકોટ, તા. ૨૯ : રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે ૪ દિ' પહેલા ગરીબોનો માલ સસ્તામાં વહેંચી નાખનાર સસ્તા અનાજના દુકાનદારને ઝપટે લીધા બાદ આજે વધુ એક દુકાનદારને ઝપટે લઈ ૯૦ દિ' સસ્પેન્ડ કરતા સન્નાટો પ્રસરી ગયો છે.

ડીએસઓ શ્રી પૂજા બાવડાની સુચના બાદ ૨-બજરંગવાડી - જામનગર રોડ પર આવેલ સસ્તા અનાજના દુકાનદાર બી.ડી.જોષીને ત્યાં ઈન્સ્પેકટરો શ્રી હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા અને તેમની ટીમ ત્રાટકી હતી અને ઓનલાઈન સ્ટોકપત્રક અને દુકાનમાં પડેલ હાજર જથ્થાની ગણતરી કરતા જબરો તફાવત બહાર આવ્યો હતો.

પુરવઠાની તપાસમાં ઘઉં-૧૭ કટ્ટા, ચોખા બે કટ્ટા, અને ખાંડ ૫ કટ્ટા બારોબાર વેચી નાખ્યાનું ખુલ્યુ હતું.

પરિણામે પુરવઠાના ઈન્સ્પેકટરોએ સ્થળ ઉપર જ ૬૩૫૦ કિલો ઘઉં, ૩૦૫૦ કિલો ચોખા, ૨૫૦ કિલો ખાંડ, ૯૦૦ કિલો ચણા, ૪૬૦ કિલો મીઠુ, અને ૧૩૫ લીટર કેરોસીન મળી કુલ ૬૭૯૦૫ રૂ.નો માલ સીઝ કરી દીધો હતો.

તપાસણી સમયે પરવાનેદારે ભાવ તથા સ્ટોકનું બોર્ડ તેમજ અન્ન આયોગ ગાંધીનગરને ફરીયાદ કરવા અંગેનું બોર્ડ નિભાવેલ ન હોવાનું બહાર આવ્યુ હતું. આ ઉપરાંત તપાસ સમયે પરવાનેદારે સરકારની સુચના મુજબ Non NFSA APL-1ના વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ રજીસ્ટરની ચકાસણી કરતા એપ્રિલ-૨૦૨૦ના માસમાં ૩૮૮ તથા મે ૨૦૨૦ના માસમાં ૬૧૪ મળી કુલ ૧૦૦૨ રેશનકાર્ડધારકોને વિતરણ કરેલ ન હોવા છતા તેવા રેશનકાર્ડધારકોને ઓનલાઈન એન્ટ્રી કરી ખોટા બીલો બનાવી રેશનકાર્ડધારકોને વિતરણ કરવાને બદલે તકનો લાભ લઈ અનઅધિકૃત રીતે બારોબાર ઉંચા ભાવે વગે કરેલ હોવાનું બહાર આવ્યુ હતું. આમ પરવાનેદારે ગંભીર પ્રકારની ગેરરીતિ આચરેલ હોવાનું અને ગંભીર પ્રકારની ગેરરીતિ આચરેલ હોવાથી પરવાનેદારનો પરવાનો ચાલુ રાખવો જાહેર હિતમાં વાજબી ગણાતો ન હોવાથી ૯૦ દિવસ માટે તાત્કાલીક અસરથી મોકુફ રાખેલ છે.

(1:08 pm IST)