Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

અવધ રોડ પર રિક્ષાચાલકની દાદાગીરીઃ ફોટોગ્રાફર વણિક યુવાનને બાઇક સહિત ઉલાળી ધોકાવાળી કરી

હજી તો અહિ જ માર્યો છે, હવે તારી સોસાયટીમાં આવીને પુરો કરી નાંખીશ... : વોકીંગમાં નીકળતાં યુવાનના પત્નિ અને બીજા બહેનોની સામે રિક્ષાવાળો જોયા કરતો હોઇ સમજાવવા જતાં ન ગમ્યું

રાજકોટ તા. ૨૯: કાલાવડ રોડ પર રહેતાં ફોટોગ્રાફર વણિક યુવાને વોકીંગમાં નીકળેલા પોતાના પત્નિ અને બીજા મહિલાઓની સામે જોયે રાખતા રિક્ષાચાલકને સમજાવતાં તેણે ઝઘડો કરી જતાં રહ્યા બાદ ફરીથી રિક્ષામાં આવી વણિક યુવાનના બાઇક સાથે અથડાવી પછાડી દઇ ધોકાથી માર મારતાં અને મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.   

યુનિવર્સિટી પોલીસે આ બારામાં કાલાવડ રોડ અવધ રોડ વિર સાવરકરનગર સોસાયટી બ્લોક નં. બી-૨૦૨માં રહેતાં અને આઉટડોર ફોટોગ્રાફીનું કામ કરતાં સેજલભાઇ પ્રફુલભાઇ મહેતા (જૈન વણિક) (ઉ.૩૨)ની ફરિયાદ પરથી જીજે૦૩બીએકસ-૮૦૧૮ નંબરની રિક્ષાના ચાલક સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૨૭૯, ૪૨૭, ૫૦૬ (૨), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

સેજલભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગુરૂવારે સાંજે સાડા છથી સાત વચ્ચે મારા પત્નિ ખુશ્બુ મહેતાએ મને ફોન કરી અવધ બગલા પાસે આવવાનું કહેતાં મેં કારણ પુછતાં તેણે કહ્યું હતું કે અમે સોસાયટીની મહિલાઓ વોકીંગ કરવા નીકળીએ છીએ અને અહિ બે-ત્રણ દિવસથી એક રિક્ષાવાળો સતત બેઠો રહે છે. આથી હું મારું બાઇક જીજે૦૩ડીકે-૨૧૪૬ લઇને ત્યાં ગયો હતો. રિક્ષાવાળો બેઠો હોઇ તેને સમજાવીને બહેનો વોકીંગમાં આવતાં હોઇ જેથી અહિ ન બેસવા અને દૂર જવાનું કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો દેવા માંડ્યો હતો. ઝપાઝપી થતાં મેં તેને લાફો મારી દીધો હતો.

આ પછી તે જતો રહ્યો હતો. મેં મારા પત્નિ અને બીજા બહેનોને પણ ઘરથી દૂર ચાલવા ન આવવું તેમ કહી તેમને ઘર તરફ રવાના કર્યા હતાં અને હું બાઇક લઇને નીકળ્યો હતો ત્યાં એ રિક્ષાવાળો ફરીથી આવ્યો હતો અને મને બાઇક સહિત ઉલાળી દીધો હતો. એ પછી ચાલકે ધોકા સાથે ઉતરી મારા પર હુમલો કરી હાથ-લમણા પર વાંસામાં માર માર્યો હતો. ઢીકા-પાટુ પણ મારવા માંડ્યો હતો. તેમજ ધમકી આપી હતી કે હજુ તો તને અહિ માર્યો છે હવે પછી સોસાયટીમાં આવીને મારીશ અને જીવતો નહિ રહેવા દઉં.  દેકારો થતાં લોકો ભેગા થયા હતાં અને મારા પત્નિ પણ આવી જતાં ૧૦૮ બોલાવી તેમજ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ મને હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેણે રિક્ષા અથડાવતાં મારા ટુવ્હીલરમાં પણ નુકસાન થયું છે.

સેજલભાઇની આ કેફીયત પરથી હેડકોન્સ. બી.આર. ભરવાડે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(1:03 pm IST)
  • જેતપુરના રેશમડી ગાલોલમા યુવતીને કોરોના : જેતપુર તાલુકાના રેશમડી ગાલોલ ગામે 38 વર્ષીય મહિલા ને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય ટીમે કાર્યવાહી હાથ ધરી છે જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ની એન્ટ્રી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે access_time 9:09 am IST

  • ગાંધીનગરમાં વધુ એક પોલીસ કર્મચારીને કોરોના : ગાંધીનગરમાં ઈન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાન જયદિપસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ગાંધીનગર સિવીલ હોસ્પીટલમાં સારવાર હેઠળ access_time 3:57 pm IST

  • ... તો ૨૮ દિવસ માટે બધા જ કોરનટાઇન : સુરતમાં કોઈ પણ સોસાયટી કે એપાર્ટમેન્ટમાંથી કેસો મળશે તો ૨૮ દિવસ સુધી કવોરન્ટાઈન કરાશે : સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન ન કરતી ૧૨૭ શોપને બંધ કરાવાઈ access_time 11:49 am IST