Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

સિવિલના ડો. ગઢવીની બદલી પાછળ સરકારના આદેશોનો ઉલાળ્યો કારણભૂત ? રાજીનામા ધરી દેનારા ૧૦ તબિબો કોવિડમાં ફરજ પર

આયુર્વેદ-હોમીયોપેથી તબિબોને કોવિડમાં મુકાયા તેનો વિરોધ અને અમદાવાદ ફરજમાં જવા સામે પણ વાંધો ઉઠાવાયો તે કારણો હોઇ શકેઃ ડો. ગઢવીચારણ સીક લીવ પરઃ બદલીનો ઓર્ડર રદ થયાની ચર્ચાઃ રાજકોટમાં ૨૦ દર્દીઓ સામે અમદાવાદમાં ૧૨૦૦થી વધુ દર્દીઓ હોઇ રાજકોટથી તબિબોને બોલાવાય છેઃ આ સામે પણ લેખિતમાં વિરોધ કરવામાં આવ્યો હતોઃ દર્દીઓના હિતમાં આ વિવાદ ટાઢો પાડી દેવામાં આવે એ જ યોગ્ય

રાજકોટ તા. ૨૯: સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડો. એસ.એન. ગઢવીચારણની રાતોરાત રાજકોટથી ભાવનગર સિવિલમાં બદલીનો આદેશ થતાં તેના વિરોધમાં મેડિસિન વિભાગના ૧૦ તબિબોએ રાજીનામાની તૈયારી કરી હતી અને ગઇકાલે કલેકટરશ્રીને મળી રજૂઆત કરી હતી. બીજી તરફ ગત સાંજે સાતેક વાગ્યે આ ૧૦ તબિબી પ્રોફેસરોએ ડીન ડો. ગોૈરવી ધ્રુવ સમક્ષ રાજીનામા ધરી દીધા હતાં. જે તેમણે કલેકટરશ્રી તરફ મોકલ્યા છે. કોરોનાની મહામારી સમયે સિવિલના મેડિસિન વિભાગના હેડની બદલી અંગે મોઢા એટલી વાતો થઇ રહી છે. પરંતુ બદલી પાછળના મહત્વના કારણોમાં સરકારના આદેશોનો ઉલાળ્યો થયો તે કારણભૂત હોવાની શકયતા વધુ ચર્ચાઇ રહી છે. રાજ્ય સરકારે   કોવિડ-૧૯માં એલોપથીની સાથો સાથ દર્દીઓની જો ઇચ્છા હોય તો તેમને આયુર્વેદિક અને હોમિયોપેથી સારવાર પણ આપવી તેવો આદેશ કરી ચાર આયુર્વેદિક અને બે હોમિયોપેથી ડોકટરોને રાજકોટ સિવિલમાં મુકયા હતાં. સરકારના આદેશ મુજબ આ તમામને કોવિડ-૧૯માં મુકાયા હતાં. પરંતુ તેનો વિરોધ થયો હતો. બીજી તરફ અમદાવાદમાં ૧૨૦૦થી વધુ કોરોના દર્દીઓ હોઇ અને રાજકોટમાં ૨૦-૨૫ જ હોય રાજકોટથી સિવિલના તબિબોને ત્યાં બોલાવવામાં આવ્યા એ આદેશમાં પણ આનાકાની થતાં અને લેખિતમાં વિરોધ થતાં આ કારણ પણ બદલી પાછળ જવાબદાર હોવાની ચર્ચા છે. કારણ જે હોય તે પરંતુ હાલમાં કોરોના દર્દીઓના હિતાર્થે આ વિવાદ વહેલાસર 'ટાઢો' પાડી દેવાય તે જરૂરી છે.

મેડિસિન વિભાગમાં સતત ૩૧ વર્ષથી ફરજ બજાવતાં ડો.એસ. એન. ગઢવીચારણ આ વિભાગના પ્રોફેસર હેડ છે. તેમની ભાવનગર બદલીનો આદેશ થતાં આ વિભાગના બીજા ૧૦ તબિબોએ જો બદલી થશે તો પોતે રાજીનામા આપી દેશે તેવી ચિમકી ઉચ્ચારી કલેકટરશ્રીને ગઇકાલે બપોરે રજૂઆત કરી હતી અને સાંજે સાત વાગ્યે ડીન સમક્ષ રાજીનામા રજૂ કરી દીધા હતાં. ડીન દ્વારા કલેકટરશ્રીને આ રાજીનામા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં.

જો કે રાજીનામા ધરી દેનારા ૧૦ તબિબો કોરોના દર્દીઓના હિતાર્થે આજથી નિયમિત કોરોના વોર્ડમાં ફરજ પર જોડાઇ ગયા છે. રાજીનામા મંજૂર કરવા કે નહિ એ નિર્ણય હવે સરકાર લેશે. ડો. ગઢવીચારણની બદલી પાછળ સિવિલ સર્જન અને ડીનનો સીધો દોરીસંચાર હોવાના આક્ષેપોનો મારો થઇ રહ્યો છે. આ વચ્ચે એવી વાતો પણ સામે આવી રહી છે કે રાજ્ય સરકારે આયુર્વેદિક અને હોમિયોપેથિક તબિબોને પણ કોવિડ-૧૯માં નિમણુંક આપી અને દર્દીઓ જો ઇચ્છે તો તેઓ એલોપેથીને બદલે આ આયુર્વેદિક કે હોમોયોપેથિ દવા પણ લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવા આદેશ કર્યો હતો.

સરકારના આદેશ અનુસાર કોવિડમાં હોમિયોપેથી અને આયુર્વેદિકના ૬ ડોકટરને મુકાયા હતાં. પરંતુ તેઓની જવાબદારી પોતાની નથી, અમારા અન્ડરમાં ન આવે, તેમને અલગ વોર્ડ આપો...તેમ કહી વાંધો ઉઠાવાયો હતો. આ મામલે કલેકટરશ્રી સુધી અગાઉ ફરિયાદો પહોંચી હતી. ત્યારબાદ તાજેતરમાં એટલે કે બદલીનો આદેશ થયો તેના બે દિવસ પહેલા પણ રાજકોટ સિવિલમાંથી તબિબોને અમદાવાદ સિવિલમાં ફરજમાં મોકલવા સામે પણ લેખિતમાં વાંધો ઉઠાવાયો હતો. એ વખતે પણ જો અમને અમદાવાદ મોકલાશે તો અમે રાજીનામા ધરી દઇશું તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. આ બધા વિવાદમાં કયાંક ને કયાંક વિભાગના વડાનો દોરી સંચાર હોવાની શકયતાઓ ઉભી થઇ હતી. આ કારણોએ પણ બદલી પાછળ ભાગ ભજવ્યાની ચર્ચા છે.

કોવિડ-૧૯માં માત્ર મેડિસિનના જ નહિ બીજા વિભાગોના ૧૦૦ ડોકટરો પણ ફરજ પર છે. આમ છતાં સ્ટાફ ઓછો હોવાનું બહાનુ આગળ ધરી અમદાવાદ ફરજમાં જવા સામે વિરોધ નોંધાવાયો હતો. ડિરેકટર દ્વારા ત્યારે એવો ખુલાશો પણ પુછાયો હતો કે શું આ વિભાગના તબિબો વેકેશનમાં નથી જતાં? રજા પર નથી જતાં? ત્યારે કઇ રીતે ઓછા સ્ટાફમાં કામ ચાલે છે?...અમદાવાદમાં ૧૨૦૦થી વધુ કોરોના દર્દીઓ હોઇ અને રાજકોટમાં દોઢસોના સ્ટાફ સામે વીસ-પચ્ચીસ દર્દીઓ જ હોઇ તેમ છતાં અમદાવાદ ફરજ બજાવવા જવામાં વાંધા ઉઠાવવામાં આવ્યા હતાં. આ બધા મુદ્દાઓની સરકારમાં નોંધ લેવાઇ હોવાની શકયતા છે.

હવે હાલના સંજોગોમાં અને ૧૦ તબિબોએ રાજીનામા ધરી દીધા એ સંજોગોમાં કોવિડ-૧૯ના દર્દીઓ રામભરોસે ન થઇ જાય એ માટે વિવાદ પુરો કરી હાલ પુરતી સરકારે ડો. ગઢવીની બદલીનો હુકમ મુલત્વી રાખ્યાની ચર્ચા છે. જો કે સત્તાવાર હુકમ હજુ ડીન સુધી પહોંચ્યો નથી.

પખવાડીયા પહેલા પણ રાજીનામા ધરી દેવાની ચિમકી ઉચ્ચારાઇ'તી

. આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અગાઉ રાજકોટ સિવિલમાંથી અમદાવાદ સિવિલમાં ફરજ પર જવાનો આદેશ તબિબોને થયો ત્યારે પણ રાજીનામાની ચિમકી ઉચ્ચારાઇ હતી.

રાજીનામા ધરી દેનારા તબિબોએ કહ્યું-ડો. ગઢવીચારણએ સતત માર્ગદર્શન આપ્યું છે

ડો. એસ. કે. ગઢવીચારણના ટેકામાં ડીન સમક્ષ રાજીનામા ધરી દેનારા મેડિસિન વિભાગના ૧૦ ડોકટરોમાં ં ડો. એ. પી. ત્રિવેદી (એસો. પ્રોફેસર), ડો. એ. પી. ત્રિવેદી (એસો. પ્રોફેસર), ડો. પી. જે. દૂધરેજીયા (એસો. પ્રોફેસર), ડો. એમ. એન. અનડકટ (એસો. પ્રોફેસર), ડો. આર. એમ. ગંભીર (એસો. પ્રોફેસર), ડો. એમ. ડી. પંચાલ (આસી. પ્રોફેસર), ડો. ડી. એ. બુધરાણી (આસી. પ્રોફેસર), ડો. એમ. એસ. ભપલ (આસી. પ્રોફેસર), ડો. એચ. એન. મકવાણા (આસી. પ્રોફસેર), ડો. એમ. એમ. રાઠોડ (આસી. પ્રોફેસર) તથા ડો. પી.એસ. પાટીલ (આસી. પ્રોફેસર)નો સમાવેશ થાય છે. આ તમામ તબિબો કોરોના દર્દીઓની સેવામાં જોડાઇ ગયા છે. તેમણે કહ્યું હતું કે અમને વિભાગના વડા ડો. ગઢવીચારણ તરફથી કોરોના દર્દીઓની સારવાર માટે અમને સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. તેઓ ખુબ જુના અને અત્યંત અનુભવી છે. તેમના માર્ગદર્શનથી કોરોનાના અનેક દર્દીઓ સાજા થયા છે. તેમની બદલી આ સંજોગામાં અચાનક થાય તે ઠીક ન કહેવાય. અમે દર્દીઓના હિતાર્થે અમારી ફરજ બજાવવાનું ચાલુ રાખ્યું છે.

(11:30 am IST)