Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સુરતમાં હથોડાવાળી... તો રાજકોટમાં કયારે?

૨૧ નિર્દોષ છાત્રોના કરૂણ મોત બાદ સફાળા જાગેલા તંત્રની :શહેરની અનેક નામાંકીત શાળાઓએ ડોમ ખડકી દીધા છે ત્યારે કોર્પોરેશન દ્વારા માત્ર નોટીસ આપીને સંતોષ મનાયો

રાજકોટ, તા. ૨૯ :. સુરતની તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભયાવહ અગ્નિકાંડમાં ૨૧ માસૂમ નિર્દોષ વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજયા છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામમાં ચાલતા ટયુશન કલાસીસ અને ખાનગી શાળાઓ સામે હવે સરકારે લાલ આંખ કરી છે.

સુરતમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન મ્યુનિસિપલ કમિશ્નરના આદેશથી કુલ ૮૬ બિલ્ડીંગોમાં ટેરેસ લેવલે થયેલા ડોમ પ્રકારના બીનઅધિકૃત બાંધકામો ઉપર હથોડાવાળી કરી તોડી નાખવામાં આવ્યા છે. સુરતની જેમ રાજકોટ શહેરમાં પણ અનેક નામાંકીત ખાનગી શાળાઓએ અગાસી ઉપર ફાઈબર ડોમ બનાવી તેમા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોવાની વાત પ્રકાશમાં આવી છે ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિક્ષણ વિભાગ કયારે આવા મોતના કુવા સમાન ગેરકાયદે ડોમ દૂર કરશે ? તેવો પ્રશ્ન વાલી મંડળમાં ઉઠયો છે.

સુરત મહાનગરપાલિકાએ સાઉથ વેસ્ટ, અઠવા ઝોનમાં ૧૦, વેસ્ટ (રાંદેર ઝોન) ૭, નોર્થ કતારગામ ઝોન ૧૨, ઈસ્ટ વરાછા ઝોન-એ ૧૩, ઈસ્ટ વરાછા ઝોન-બી ૧૦, સાઉથ ઈસ્ટ લીંબાયત ઝોન ૧૯, સાઉથ ઉધના ઝોન ૯, સેન્ટ્રલ ઝોન ૬માં કુલ ૮૬ બિલ્ડીંગ ઉપરથી ટેરેસ ઉપર આવેલા ડોમ દૂર કરી ૨,૩૫,૩૦૯ ચો.મી. ફુટ જગ્યા  છૂટી કરેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા હેઠળની સંખ્યાબંધ ટોચની ખાનગી શાળાઓની અગાસી ઉપર ફાયબરના ડોમ સુરતની ઘટના બાદ પણ જેમ હતા તેમ જ છે. કોર્પોરેશનના અધિકારીઓએ શાળા-કોલેજો અને ટયુશન કલાસીસ ઉપર સર્વે કરી સુરક્ષાના સાધનો ચકાસવામાં આવેલ. જેમાં કેટલાક સ્થળોએ સુરક્ષાના સાધનો ન હોવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે કોર્પોરેશનને હવે તુરંત પગલા ભરવા વાલીઓએ માંગણી કરી છે.

(3:50 pm IST)