Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રમઝાન માસ પૂર્ણતા તરફઃ બુધવારે ઇદ

રોઝાદારો માટે પ્રથમ જ વાર રોઝા માસમાં ઉત્સવસમો સંયોગઃ આગામી શુક્રવાર 'છેલ્લો શુક્રવાર', બીજા દિ' શનિવારે શબેકદ્રની રાત્રિ અને રવિવારે હરણી રોઝાની તૈયારીઓ : આકરા તાપમાં પણ સતત અડગ રહેલા રોઝાદારો હવે પછીના છેલ્લા મહત્વના ત્રણ દીવસ શુક્ર-શનિ અને રવિની ખુશી સાથે : ઇદ ઉજવણીની ખરીદી તરફ વળ્યા

રોઝાદારો માટે રઝાનગરમાં દરરોજ સાંજે ફ્રી ચાનું વિતરણ  :  રમઝાન માસ નિમિતે દરરોજ સાંજે મુસ્લીમ વિસ્તારોમાં સરબત-બરફ સહીતની વસ્તુઓનું વિતરણ કરાતું રહેતું હોય છે એ રીતે જંગલેશ્વર વિસ્તારમાં રઝાનગરમાં મુખ્ય માર્ગ ઉપરના ઝમઝમ ચોકમાં દરરોજ સાંજે ૮ વાગ્યે 'મફત ચા' નું વિતરણ કરવામાં આવે છે.આ ફ્રિ ચાના વિતરણનો લાભ રોઝાદારોને અપાઇ રહયો છે. આ ક્રમ વર્ષોથી ચાની હોટલ ચલાવનારા મર્હુમ ઇકબાલભાઇ ઓડીયા ચલાવતા હતા જે આજે પણ આ સેવાભાવી પ્રવૃતિ ચાલુ રાખવામાં આવી છે. આ ચા વિતરણમાં અનેક સખી સદગૃહસ્થો સામેથી મદદરૂપ થઇ રહયા છે. દરરોજ રોઝા પુર્ણ થયા પછી આ ચા પીવા રોઝાદારો ઉમટી પડે છે. સેંકડો લોકો તેનો લાભ મેળવે છે. આ ચા પણ અમીરી ચા હોય છે જે પીવા માટે પણ રોઝાદારોની ભીડ લાગે છે. આ માટે  શાહરૂખ ઓડીયા, મામદભાઇ, હસનભાઇ, નિશાદ હસનભાઇ ઓડીયા, જાવેદભાઇ, માહીર જાવેદભાઇ ગોધાવીયા, રિહાન, ફરહાન અલ્તાફભાઇ ઠાસરીયા, અદનાન મુસ્તાકભાઇ લીંગડીયા, સાહીલ ઓડીયા, જયુ નારણભાઇ જાદવ, સલીમભાઇ ગોધાવીયા, અનસખાન અને અયાનમીર વિગેરે જહેમત ઉઠાવી પુણ્યનું ભાથુ બાંધી રહયા છે અને રોઝાદારોની દુઆઓ લઇ રહયા છે. (પ-૧૮)

રાજકોટ તા. ર૯ :.. હાલમાં ચાલી રહેલ પવિત્ર રમઝાન માસ અંતિમ તબક્કામાં પ્રવેશી ગયા બાદ હવે પૂર્ણતા તરફ છે અને આવતા બુધવારે તો ઇદ પણ ઉજવાઇ જશે ત્યારે હાલમાં પણ છેલ્લા છેલ્લા રોઝા પણ આકર તાપમાં પસાર થઇ રહ્યા હોઇ રોઝાદારો ભારે આકરી તપસ્યા કરી રહ્યા છે.

આગામી બુધવારે રમઝાન ઇદ ઉજવણી નિશ્ચીત છે એ પૂર્વે આ વખતે રમઝાન માસમાં પ્રથમ જ વાર અનોખો સંયોગ સર્જાયો છે જે મુજબ આગામી શુક્રવાર રમઝાન માસનો 'અંતિમ શુક્રવાર' છે અને એ દીને મુસ્લિમ બિરાદરો મસ્જીદમાં અશ્રુભેર  'અલવિદા' નું પઠન કરી રમઝાન માસને વિદાય આપશે.

આ વખતે રોઝા રાખનારાઓ માટે ઉત્સાહજનક સમાચાર એ છે કે હિન્દુ સમાજના અનેક ભાઇ-બહેનો પણ જે રોઝો રાખે છે અને તેને 'હરણી રોઝો' તરીકે ઓળખવામાં આવે છે તે ર૭ મો રોઝો તા.ર-૬-૧૯ના રહેશે એ દિને રવિવાર હોઇ રજાના દિવસનો સૌને લાભ અને આરામ મળી રહેશે.

બીજી તરફ રોઝા રાખનારાઓ માટે આ વખતે એક ઉત્સવ સમો સંયોગ સર્જાવા પામેલ છે. જેમાં તા.૩૧-પ-૧૯ના અંતિમ શુક્રવાર છે એ દિને રપ મો રોઝો છે. જયારે બીજા દિવસે તા.૧-૬-૧૯ના ર૬માં રોઝાના દિને શનિવારે રાત્રે 'શબેકદ્ર'ની રાત્રી મનાવવાશે અને રવિવારે ત્રીજા દિ'એ ર૭ મો રોઝો રહેશે. આમ અંતિમ શુક્રવાર, પવિત્ર રાત્રી અને હરણી રોઝો ક્રમવાર એક સાથે થયા છે.

આ સંયોગના બે દી'  પછી 'ઇદ' ઉજવાઇ જશે એટલે હવે છેલ્લા પાંચ રોઝાના દિવસો ઉત્સાહભર્યા બની રહેશે.

હાલમાં આકરા તાપ વચ્ચે પણ મુસ્લિમ સમાજ બંદગીમાં લીન છે અને રોજીંદા કામોમાં પ્રવૃત છે જેના લીધે સાંજ પડતા જ મુસ્લિમ વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો ઉપર ખરીદીનો ધમધમાટ રહે છે તો બીજી બાજુ દરરોજ સાંજે રોઝાદારો માટે મસ્જીદોમાં અવનવા પકવાનો સાથે ભરપેટ જમવાના ઇફતારીના કાર્યક્રમો પણ ભરપુર યોજાઇ રહ્યા છે.

જો કે હવે ઇદનો પડછાયો પડી ચૂકયો છે લોકો પણ ખરીદી તરફ વળ્યા છે અને ધીરેધીરે ઇદના ઉત્સાહનો સંચાર થઇ રહ્યો છે.

અત્રે એ નોંધનીય છે કે, રમઝાન માસ દર વર્ષે છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચેથી પસાર થઇ રહ્યો છે અને આ રમઝાન માસમાં દરેક પુખ્ત વયના મુસ્લિમ સ્ત્રી - પુરૂષોને ખુદા તરફથી 'રોઝા' રખવા 'ફરજીયાત' છે. આ રોઝા એક 'ઉપવાસ' જ છે જેમાં પરોઢીયે થી લઇ છેક સુરજ આથમે ત્યાં સુધી મુસ્લિમ ભાઇ-બહેનો રોઝા રાખે છે અને આ રોઝામાં અન્નજળનો  ત્યાગ કરવામાં આવે છે. એ ત્યાં સુધી કે ગળા નીચે થુંક પણ ઉતારવામાં આવતું નથી.

પૂર્વ નિર્દેશ મુજબ રમઝાન માસના ર૯ રોઝા થશે અને તા.૪-૬-૧૯ને મંગળવારના સાંજે ચંદ્રદર્શન થયા બાદ તા.પ-૬-૧૯ને બુધવારે 'ઇદુલફિત્ર' મનાવવામાં આવશે.

અત્રે એ પણ નોંધનીય છે કે, ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુઆર્ન શરીફનું પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ ઉપર રમઝાન માસમાં અવતરણ થયું હતું. જેથી શબેકદ્રની પવિત્ર રાત્રિ કુઆર્ન શરીફની વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવે છે.

(3:36 pm IST)