Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં માહેશ્વરી મહિલા સંગઠન દ્વારા બે સેનેટરી પેડ વેન્ડીંગ મશીનનું દાન

રાજકોટઃ આજે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ ડે અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં શ્રી માહેશ્વરી મહિલા સંગઠન-રાજકોટ દ્વારા બે સેનેટરીપેડ વેન્ડીંગ મશીનોનું દાન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શ્રી માહેશ્વરી મહિલા સંગઠન દ્વારા ભારતભરમાં કુલ ૧૫૫૦ સેનેટરીપેડ વેન્ડીંગ મશીન લગાવવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાતમાં પણ આ સંગઠન ૧૨૧ સેનેટરીપેડ વેન્ડીંગ મશીન જુદી-જુદી શાળાઓ, કોેલેજો, હોસ્પિટલ અને છાત્રાલયમાં મશીનો ફીટ કરાશે. આજે સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગ માટે આવા બે મશીન દાન કરાયા હતાં. આ મશીનમાં પાંચનો સિક્કો નાંખવાથી સનેટરી પેડ મળશે. સિક્કા વોર્ડના સિસ્ટર પાસેથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રસંગે સંગઠનના અધ્યક્ષા શ્રીમતિ પ્રતિભા હોલાની, સેક્રેટરી શ્રીમતી શીખા રાઠી હાજર રહ્યા હતાં. પીડીયુ હોસ્પિટલના તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, ડો. મેહુલ પરમાર, ડો. નિશા બરાસરા, નર્સિંગ હેડ હિતેન્દ્ર ઝાખરીયા તથા સ્ટાફના લોકોએ ઉપસ્થિત રહી મહિલા સંગઠનનો આભાર વ્યકત કર્યો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:34 pm IST)