Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

દૂધની ડેરી પાસે રહેતાં યાકુબ સુમરાને પાંચ શખ્સોએ લૂંટના ઇરાદે યાર્ડમાં લઇ જઇ ધોકાવ્યો

રાત્રે બે વાગ્યે મિત્રને મુકી રિક્ષામાં ગેસ પુરાવી નીકળ્યો ત્યારે અજાણ્યા શખ્સોએ આંતરી પૈસા માંગ્યાઃ ના પાડતાં માર્કેટ યાર્ડમાં ખેંચી જઇ વાયરથી બેફામ ફટકાર્યો

રાજકોટ તા. ૨૯: દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ આકાશદિપ સોસાયટી બ્લોક નં. ૭૮ રૂમ નં. ૪૫૦માં રહેતાં યાકુબ જુમાભાઇ સુમરા (ઉ.૩૨) નામના યુવાનને રાત્રે બે વાગ્યે પાંચ અજાણ્યા શખ્સોએ જુના માર્કેટ યાર્ડ પાસે લૂંટના ઇરાદે બેફામ માર મારતાં સારવાર લેવી પડી હતી.

યાકુબ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. યાકુબના કહેવા મુજબ રાત્રે પોતાના મિત્રને બહારગામ જવું હોઇ પોતે પોતાની રિક્ષામાં તેને ગ્રીનલેન્ડ ચોકડીએ મુકવા ગયો હતો. ત્યાંથી પરત ઘરે આવવા નીકળ્યો એ પહેલા ગેસ પુરાવવા ઉભો રહ્યો હતો.

એ પછી યાર્ડવાળા રોડ પર પહોંચ્યો ત્યારે પાંચ અજાણ્યા શખ્સોએ રિક્ષા ઉભી રખાવી હતી. મુસાફર હોવાનું સમજી તેણે રિક્ષા ઉભી રાખી હતી. પણ એ શખ્સોએ 'જેટલા પૈસા હોય એ આપી દે' તેમ કહેતાં  તેણે પોતાની પાસે પૈસા નથી તેમ કહેતાં તેને ખેંચની યાર્ડની અંદરના ભાગે લઇ જવાયો હતો અને કેબલ વાયરથી તેમજ ઢીકા-પાટુનો બેફામ માર માર્યો હતો. સાતસો આઠસો રૂપિયા પેન્ટના અંદરના ખિસ્સામાં છુપાવીને રાખ્યા હોઇ તે એ શખ્સોને મળ્યા નહોતાં. અંતે તેને છોડી મુકી પાંચેય ભાગી ગયા હતાં. યાકુબે રાત્રે જ હોસ્પિટલમાંથી રજા લઇ લીધી હતી.

(3:33 pm IST)