Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ન્યુ રાજકોટના ત્રણ હાઇરાઇઝડ બિલ્ડીંગો જોખમીઃ રોયલ એપાર્ટમેન્ટને નોટીસ

ફાયર સેફટી સાધનો અંગે ફાયર બ્રીગેડની ચેકીંગ ઝૂંબેશ : લીમડા ચોકની એવર સાઇન હોટલમાં ફાયરના સાધનો નહી હોવાનું ખુલ્યુ

રાજકોટ તા. ર૯ :.. સુરતની આગ દુર્ઘટના બાદ મ્યુ. કોર્પોરેશનનાં ફાયર બ્રિગેડ વિભાગે ફાયર સેફટી સાધનોનું ચેકીંગ હાથ  ધરાયું છે. જે અંતર્ગત આજે ન્યુ રાજકોટમાં હાઇરાઇઝડ બિલ્ડીંગોમાં ચેકીંગ કરતાં ત્રણ - ત્રણ બિલ્ડીંગોમાં ફાયર સેફટી સાધનો નહી હોવાનું ખુલ્યું હતું. આથી રોયલ એપાર્ટમેન્ટ નામનાં બિલ્ડીંગનાં સંચાલકોને નોટીસ પણ ફટકારાયેલ.

આ અંગે મ્યુ. કમિશ્નર વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે સુરત શહેરમાં બનેલો ઘટનાને સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોમર્શિયલ બિલ્ડિંગ, હાઈરાઈઝ બિલ્ડિંગ અને રહેણાંક વિસ્તારોમાં મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીની સુચના હેઠળ ચેકિંગ ડ્રાઈવ યથાવત ચાલુ રાખવામાં આવી હતી. આ ચેકિંગ દરમ્યાન તા.૨૯ નારોજ શહેરના વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાં ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી હતી.

વેસ્ટ ઝોનમાં અને સેન્ટ્રલ ઝોનમાં આવેલ એપાર્ટમેન્ટ અને હોટલમાં ફાયર સેફટીના સાધનો છે કે નહિ, જયાં સાધનો હતાં તો વર્કિંગ કન્ડીશનમાં હતા કે નહિ, તેની ચકાસણી કરવામાં આવી હતી. અને જયાં ફાયર સેફટીના સાધનાનો ન હતા ત્યાં સુચના અને નોટીસ આપવામાં આવી હતી. રહેણાંક હેતુ કરવામાં આવેલ કોમર્શિયલ બિલ્ડિંગ અને હાઈરાઈઝ બિલ્ડિંગમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

વેસ્ટ ઝોનમાં આવેલ રોયલ એપાર્ટમેન્ટ (નર્મદા પાર્ક), ડ્રીમ હિલ એ (અમીન માર્ગ) અને ડ્રીમ હિલ બી (અમીન માર્ગ) ચકાસણી કરતા ફાયર સેફટીને લગતા જરૂરી સાધનો ન હોવાથી ત્યાના જવાબદાર વ્યકિતને સુચના આપી સાધનો વસાવી લેવા કહેવામાં આવ્યું હતું, જયારે રોયલ એપાર્ટમેન્ટ (નર્મદા પાર્ક)ને નોટીસ પણ અપાઈ છે. કિંગ્સ ફલેટ્સ એ (અમીન માર્ગ), કિંગ્સ ફલેટ્સ બી (અમીન માર્ગ), પીરામીડ એ (અમીન માર્ગ) અને પીરામીડ બી (અમીન માર્ગ) માં ચકાસણી કરતા ત્યાં ફાયર સેફટીના જરૂરી સાધનો મળી આવ્યા હતા.

સેન્ટ્રલ ઝોનમાં આવેલ લીમડા ચોક ખાતે ચકાસણી કરતા એવર સાઈન હોટલમાં ફાયર સિસ્ટમ ન હોવાથી ત્યાં ફાયર સિસ્ટમ વસાવવા સુચના આપવામાં આવી હતી. તેમજ સરોવર હોટલ, હોટલ કમ્ફર્ટઇન, ધ એવર ગ્રાન્ડ પેલેસ,એવર લેન્ડ હોટલ, જયસન હોટલ અને સિલ્વર સેન્ડ હોટલ માં ચકાસણી કરતા તમામ સ્થળો પર ફાયર સેફટીના જરૂરી સાધનો વસાવેલ હોવાનું જણાયું હતું.

ફાયર સેફટી સાધનો અંગે ટયુશન કલાસ સંચાલકોને માર્ગદર્શન અપાશેઃ મેયર

નવા ફાયર બ્રીગેડ-રેસ્કયુ સાધનો ખરીદવા આગામી સ્ટેન્ડીંગમાં દરખાસ્ત

રાજકોટ તા. ર૯ :.. શહેરમાં ફાયર સેફટી સાધનો બાબતે સેંકડો ટયુશન કલાસીસ બંધ કરાવાયા છે ત્યારે હવે આ બાબતે ટયુશન કલાસ સંચાલકોને સાથે ફાયર બ્રીગેડ અધિકારીઓની બેઠક યોજી તેઓને ફાયર સેફટી અંગે માર્ગદર્શન અપાશે. તેમ મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું. આ ઉપરાંત મેયરશ્રીએ વધુમાં જણાવેલ કે શહેરનાં આગ-અકસ્માતમાં બચાવ કાર્ય માટે ઉંચાઇ સુધી પાણીનો મારો થઇ શકે તેવા નવા ફાયર રેસ્કયુ વાહનો ખરીદવા આગામી સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય લેવાશે તથા ખાલી જગ્યાઓમાં નવા સ્ટાફની ભરતી કરાશે.

(3:24 pm IST)