Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વોર્ડ નં. ૯ ના શિવપરામાં જબ્બર પાણીચોરી ઝડપાઇઃ ૧/૨ ઇંચના ૭ અને ૧ ઇંચના ૮ સહિત ૧પ ભુતીયા નળ કાપી નખાયા

૧૩ માર્ચથી ૨૮ મે દરમ્યાન ડાયરેકટ પમ્પીંગનાં ૫૦૭ કિસ્સા અને ૯૧ ભૂતિયા નળ જોડાણ ઝડપાયાઃ રૂ. ૬.૭ લાખનો દંડ વસૂલઃ ૨૮૧ ઇલેકટ્રીક મોટર જપ્ત

રાજકોટ, તા.,૨૯:  શહેરમાં પાણી ચોરીની પ્રવૃતી અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં ૨૯-૦૫-૨૦૧૯ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૦૯ની ટીમ દ્વારા શહેરમાં શિવપરા વિસ્તારમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ગેરકાયદેસર નળ કનેકશન કરતા ૧૨ આસામીઓને ત્યાંથી ૧૫ કનેકશન મળી આવતા તમામ ગેરકાયદેસર નળ કનેકશન કપાત કરવામાં આવ્યા હતા.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ વોર્ડ નં. ૦૯ માં ગેરકાયદેસર નળ કનેકશન કરતા આસામીઓમાં (૧) રમેશભાઈ ભરડવા, ૧/૨ ઈંચ, (૨) શિવપરા-૨, ૧/૨ ઈંચના ૪ કનેકશન, (૩) રઘુભાઈ બોળીયા, ૧ ઈંચ, (૪) દેવાભાઈ સભાડ, ૧ ઈંચ, (૫) રાહાભાઈ સભાડ, ૧ ઈંચ, (૬) રજાભાઈ સભાડ, ૧ ઈંચ, (૭) બાલાભાઈ સભાડ, ૧ ઈંચ, (૮) સાજીદભાઈ આકબની, ૧ ઈંચ, (૯) સમીરભાઈ આકબની, ૧ ઈંચ, (૧૦) લલીતાબેન વાઘેલા, ૧/૨ ઈંચ, (૧૧) નાનજીભાઈ ધોળકિયા, ૧/૨ ઈંચ અને (૧૨) ધરમશીભાઈ વાવેશા, ૧ ઇંચનું નળ કનેકશન મળી આવેલ છે. કુલ ૧/૨ ઈંચના ૦૭ અને ૧ ઈંચના ૦૮ આમ, કુલ ૧૫ ગેરકાયદેસર નળ કનેકશન કપાત કરવામાં આવ્યા હતા.

આ કામગીરી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અન્વયે વોર્ડ નં.૦૯ ના આસી. મેનેજર લખતરીયાભાઈ, ડે. એન્જી. નિતેશભાઈ મકવાણા અને બી.પી. વાઘેલા તેમજ વોટર વર્કસ શાખાની ટીમ અને વોર્ડ નં.૦૯ની ટીમ દ્વારા કરવામાં આવેલ હતા.

છેલ્લા ૩ મહિનામાં ૯૧ નળ કટ્ટ

દરમિયાન ૧૩ માર્ચ થી તા. ૨૮ મે દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગનાં ૫૦૭ કિસ્સા અને ૯૧ ભૂતિયા નળ જોડાણ ઝડપાયા હતાં. ડાયરેકટ પમ્પીંગ અને ભૂતિયા નળ જોડાણ ઉપરાંત પાણીનો બગાડ કરનારા લોકો પાસેથી કુલ મળીને રૂ.૦૬,૦૭,૨૫૦/-નો દંડ વસૂલ કરાયો હતો. દરમ્યાન શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૪૫૬૩૯ મકાનોમાં ચેકિંગ કરાયું હતું. આ દરમ્યાન ડાયરેકટ પમ્પિંગનાં ૨૮૧ કિસ્સાઓમાં ઇલેકિટ્રક મોટર જપ્ત કરી સંબંધિત આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. ભૂતિયા નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતાં. જયારે ડાયરેકટ પમ્પિંગનાં કિસ્સાઓમાં પ્રત્યેક આસામી પાસેથી બબ્બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, અને પાણીનો બગાડ કરતા આસામીઓ પાસેથી રૂ. ૨૫૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

(3:23 pm IST)