Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મિલ્કત વેરામાં ૧૦ થી ૧પ ટકા વળતર યોજનાના છેલ્લા બે દિવસ : રાત્રે ૮ સુધી વેરો સ્વીકારાશે

અત્યાર સુધીમાં ૮પ કરોડનો વેરો ૧.૭૮ લાખ કરદાતાએ ભરી દીધોઃ ૭II કરોડનું ડીસ્કાઉન્ટ અપાયું: ૧૦ ટકા વળતર યોજના લંબાવવા વિચારણાઃ લાભ લેવા મેયર-કમિશ્નરની અપીલ

રાજકોટ તા. ર૯ :.. મિલ્કત વેરામાં ૧૦ થી ૧પ ટકા વેરા વળતર યોજનામાં હવે છેલ્લા ર દિવસ બાકી છે ત્યારે આ છેલ્લા બે દિવસ અને ૩૧ મે સુધી રાત્રે ૮ વાગ્યા સુધી વેરો સ્વીકારાશે તેમજ ૧૦ ટકા વળતર યોજના લંબાવવા વિચારણા હાથ ધરાઇ છે.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવાયું  છે કે રાજકોટ મહાનગરપાલિકાની એડવાન્સ ટેકસ વળતર યોજના હેઠળ હાલ આપવામાં આવતો ૧૦ ટકા વળતર (મહિલાના નામે પ્રોપર્ટી હોય તો ૧૫ ટકા વળતર)નો લાભ મેળવવા આડે હવે ત્રણ દિવસ જ બાકી રહયા છે ત્યારે મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની અને  મેયર બીનાબેન આચાર્ય હસ્તે યોજનાનો વધુ ને વધુ કરદાતાઓ લાભ લ્યે તેવી અપીલ કરી છે. 

વિશેષમાં મ્યુનિ. કમિશનરશ્રીએ ટેકસ કલેકશન અંગે માહિતી આપતા એમ કહ્યું હતું કે, રાજકોટના નાગરિકોએ એડવાન્સ ટેકસ વળતર યોજનામાં ઉત્સાહભેર વેરો ચૂકવેલ છે અને જેના પરિણામે રાજકોટ મહાનગરપાલિકામાં તા.૧-મે,૨૦૧૯ થી તા.૨૯-૫-૨૦૧૯ સુધીમાં રૂ. ૮૫.૫૧ કરોડની ટેકસ આવક નોંધાઈ છે.

નોંધનીય છે કે ગત સાલ આજના દિવસે આ આંકડો રૂ. ૫૪.૩૯ કરોડ હતો, મતલબ કે આ વર્ષે ગત સાલની તુલનાએ રૂ. ૩૧.૨૫ કરોડની આવક વધુ થયેલ છે.  આ વર્ષે તા.૨૯-મે સુધીમાં ૧,૭૯,૫૬૩ કરદાતાઓએ વેરો ચૂકવ્યો છે અને ગત સાલ આજના દિવસે આ આંકડો ૧,૨૮,૦૦૦૫ હતો. આમ એડવાન્સ ટેકસ વળતર મેળવનાર આસામીઓની સંખ્યામાં ગત સાલની તુલનાએ ૫૧,૦૦૦ જેવો વધારો નોંધાયો છે. આ આસામીઓને કુલ રૂ.૭.૫ કરોડના વળતરનો લાભ પ્રાપ્ત થયેલ છે. ઓનલાઈન ટેકસ પેમેન્ટ કરનાર કરદાતાઓની સંખ્યા ૨૯.૪૬ કરોડ જેવી રહી છે.  દરમ્યાન  જો ૧૦ ટકા વળતર યોજના નહીં લંબાય તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.૧ જુન, ૨૦૧૯થી એડવાન્સ ટેકસ વળતર યોજના હેઠળ કરદાતાઓને પાંચ (૫) ટકા અને મહિલાના નામે પ્રોપર્ટી હોય તો ૧૦ ટકા વળતર આપવામાં આવશે.

(3:22 pm IST)