Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ચાર સંતાનના પિતા જીવરાજે પાણીના ટેન્કરની કેબીનમાં ત્રણ વખત બળાત્કાર ગુજાર્યોઃ યુવતિ સગર્ભા થઇ ગઇ

રાજકોટનો કિસ્સોઃ છ મહિના પહેલા લગ્ન પ્રસંગમાં ભેગા થયા પછી ઢગાએ યુવતિની કેબીને તમાકુ લેવા આવી 'પ્રેમજાળ'માં ફસાવી : પિતા વિહોણી ૧૯ વર્ષની યુવતિને માસીક ન આવતાં અને પેટમાં દુઃખાવો ઉપડતાં માતા ડોકટર પાસે લઇ જતાં દૂષ્કર્મનો કિસ્સો સામે આવ્યોઃ રજપૂત શખ્સ જીવરાજને યુનિવર્સિટી પોલીસે સકંજામાં લઇ હવસનું ભૂત ઉતાર્યુ

રાજકોટ તા. ૨૯: શહેરમાં દૂષ્કર્મની એક ઘટનામાં ૧૯ વર્ષની પિતા વિહોણી યુવતિને ચાર સંતાનના પિતા એવા ચાલીસેક વર્ષના રજપૂત શખ્સે 'પ્રેમજાળ'માં ફસાવી પાણીના ટેન્કરની કેબીનમાં દસ દસ દિવસના અંતરે ત્રણ વખત બળજબરી આચરતાં આ યુવતિને ચાર માસનો ગર્ભ રહી જતાં મામલો પોલીસ સુધી પહોંચતા યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી હવસખોરને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની જાણવા મળેલી વિગત મુજબ શહેરમાં રહેતી ૧૯ વર્ષની એક યુવતિના પિતા હયાત નથી. માતા અને ભાઇ સાથે રહી આ યુવતિ નાની એવી કેબીનમાં છુટક કરિયાણુ, તમાકુ, પાનમસાલા વેંચી ગુજરાન ચલાવવા ઉપરાંત પારકા ઘરના કામ પણ કરે છે. છએક મહિના પહેલા તે પાટીદાર ચોકમાં એક લગ્ન પ્રસંગમાં ગઇ હતી ત્યારે તેની મુલાકાત ગંગોત્રી પાર્ક પાસે રહેતાં જીવરાજ  નામના આશરે ચાલીસેક વર્ષના રજપૂત શખ્સ સાથે થઇ હતી.

એ પછી જીવરાજની અંદર હવસનો કીડો સળવળ્યો હોઇ તેમ તે યુવતિની કેબીને પહોંચ્યો હતો અને મિરાજ તમાકુની પડીકીની ખરીદી કરી હતી. એ બહાને પછી તે અવાર-નવાર અહિ આવવા માંડ્યો હતો અને તમાકુની પડીકી લેવાના બહાને યુવતિ સાથે વાતચીતનો દોર આગળ વધાર્યો હતો અને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. વોટર સપ્લાયરને ત્યાં પાણીના ટેન્કરના ફેરા કરવાનું કામ કરતાં જીવરાજે આજથી ચારેક મહિના પહેલા એક દિવસ યુવતિને ટેન્કરમાં જ બેસાડી દીધી હતી અને સાધુ વાસવાણી રોડ ગાર્ડન સિધ્ધી ફલેટની બાજુમાં ટેન્કર ઉભુ રાખી દરવાજા બંધ કરી ટેન્કરની કેબીનમાં જ તેની સાથે બળજબરી આચરી લીધી હતી. યુવતિએ ના પાડવા છતાં તે સમજ્યો નહોતો.

આ જ રીતે દસ-દસ દિવસના અંતરે ફરીથી બે વખત ટેન્કરમાં જ તેણી સાથે બળજબરી કરી લીધી હતી. દરમિયાન ગઇકાલે યુવતિને પેટમાં દુઃખાવો ઉપડતાં અને પોતાને ચારેક મહિનાથી માસિક પણ ન આવ્યાનું તેણીએ માતાને કહેતાં તેણીને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાવમાં આવી હતી. અહિ તબિબની તપાસમાં પેટમાં ચાર માસનો ગર્ભ હોવાનું ખુલતાં માતા સહિતના સ્વજનોએ પુછતાછ કરતાં યુવતિએ પોતાની સાથે જીવરાજ રજપૂતે પાણીના ટેન્કરમાં બળજબરી કર્યાનું કહેતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પી.આઇ. એ.એલ. આચાર્યની રાહબરીમાં પીએસઆઇ જે. એ. ચાવડા, એએસઆઇ અજયસિંહ ચુડાસમા, વિપુલભાઇ સહિતે આઇપીસી ૩૭૬ મુજબ ગુનો નોંધી જીવરાજને સકંજામાં લીધો છે. આ શખ્સને સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. તે ગંગોત્રી પાર્ક પાછળ મફતીયાપરામાં રહે છે. પોલીસે તેની વિશીષ્ટ ઢબે પુછતાછ કરવા તજવીજ હાથ ધરી છે.

(11:52 am IST)