Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વ્યાજખોરીના વધુ ૬ ગુનાઃ રેસકોર્ષમાં ઝેર પી આપઘાત કરનાર દંપતિને ૧૪ શખ્સોનો વ્યાજ માટે ત્રાસ હતો

૧ મેના રોજ ઇમિટેશનના ધંધાર્થી કમલેશભાઇ અને કિર્તીબેને સજોડે વખ ઘોળ્યું હતું: ઉત્તરક્રિયા બાદ માતાના પર્સમાંથી ચિઠ્ઠી મળી : ગાયત્રીનગરમાં રહેતાં મયુર સાગલાણીની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યોઃ પાંચની પુછતાછ : તોપખાનાના મુસ્લિમ દંપતિએ વ્યાજખોરોથી ત્રાસી ઝેર પીધું'તુઃ પ્ર.નગર પોલીસે પાંચ સામે ગુનો નોંધ્યોઃ મુસ્તુફા ખિયાણીને કવાર્ટર પણ પડાવી લીધું : થોરાળાના શાકભાજીના ધંધાર્થીએ ૬૦ ટકે ૪ાા લાખના ૧૫ લાખ ભર્યા છતાં ત્રાસઃ કાર પણ પડાવી લેવાઇઃ રહિમ અને જયેશ સામે થોરાળા પોલીસે ગુનો નોંધ્યો : હરિ ધવા રોડના દિનેશભાઇ ગોંડલીયાએ ૯૦ હજાર સામે ૧.૮૫ લાખ ચુકવ્યા છતાં પ્રકાશનો ત્રાસ-ધમકીઃ ભકિતનગર પોલીસમાં ફરિયાદ : ૨ લાખ વ્યાજે લેનાર વલ્લભ વિદ્યાનગરના અલ્પેશ પટેલની જગદીશ કપુરીયા વિરૂધ્ધ માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ : લોધેશ્વર સોસાયટીના ધર્મેશ ઝરીયાની સુરેશ ઝરીયા અને રાજેશ ઝરીયા વિરૂધ્ધ માલવીયાનગરમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૯: વ્યાજખોરીમાં ફસાયેલો લોકોએ ફરિયાદ કરવા સામે આવવા પોલીસે લોકદરબાર યોજ્યા પછી હવે ગુના નોંધવાનું શરૂ થયું છે. વધુ ૬ ફરિયાદો સામે આવી છે. જેમાં ૧/૫ના રોજ રેસકોર્ષમાં ઝેર પી આપઘાત કરી લેનાર ગાયત્રીનગરના લોહાણા દંપતિના આ પગલા પાછળ પણ વ્યાજખોરી કારણભુત હોવાની ફરિયાદ થઇ છે. ૧૪ જેટલા શખ્સો વ્યાજ માટે સતત હેરાન કરતાં હોવાથી આ દંપતિ મરી જવા મજબૂર થયાનો ગુનો નોંધાયો છે.

વિગત એવી છે કે ગાયત્રીનગર-૨/૧૧માં ગણેશ કૃપા ખાતે રહેતાં ઇમિટેશનના વેપારી કમલેશભાઇ લક્ષ્મીદાસ સાગલાણી અને તેમના પત્નિ કિર્તીબેન કમલેશભાઇ સાગલાણીએ તા. ૧/૫ના સાંજે સાતેક વાગ્યે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ઝેર પી લેતાં બંનેને સારવાર માટે ખસેડાયા હતાં. જેમાં પહેલા કિર્તીબેનનું અને બાદમાં પતિ કમલેશભાઇનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જે તે વખતે લોન ચડત થઇ જતાં પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં જણાવાયું હતું. પણ હવે વ્યાજખોરી જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

પ્ર.નગર પોલીસે આપઘાત કરનાર દંપતિના પુત્ર મયુર કમલેશભાઇ સાગલાણી (ઉ.૨૫-રહે. ગાયત્રીનગર)ની ફરિયાદ પરથી રાજકોટના હરેશ માવાણી કુબેર ભંડારીવાળા, રમેશ લુણાગરીયા, તખુજી બળદેવજી હડિયલ આંગડીયાવાળા, ઓમકારસિંહ, પ્રદિપસિંહ, કેતન પટેલ, અનિલ લીયા, જગદિશસિંહ, ભગીરથ ખુમાણ, મહેન્દ્રભાઇ સૂર્યોદયવાળા, હરેશ આશરા, પ્રશાંતભાઇ, પ્રતિકભાઇ અને પ્રતિકભાઇના દિકરા સામે આઇપીસી ૩૦૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, મનીલેન્ડ એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

મયુરે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ વર્ષથી નોકરી કરુ છું. મારા પિતા કમલેશભાઇ ઇમિટેશનનો ધંધો કરતાં હતાં. ૧/૫ના સાંજે હું ઓફિસે હતો ત્યારે મારા મમ્મીએ ફોન કરી કહ્યું હતું કે તું તાત્કાલીક રેસકોર્ષ આવ, મેં અને તારા પપ્પાએ દવા પીધી છે. જેથી હું તુર્ત જ રેસકોર્ષ પહોંચ્યો હતો અને મમ્મી-પપ્પા બંનેને હોસ્પિટલે ખસેડ્યા હતાં. રસ્તામાં મમ્મીએ તેનું પર્સ અને પપ્પાએ તેનો મોબાઇલ આપ્યો હતો અને આ જોઇ લેજે તેમ કહ્યું હતું.

એ પછી મારા માતાનું રાત્રે મૃત્યુ થયું હતું. પિતાનું પણ ૬/૫ના મૃત્યુ થયું હતું. ઉત્તરક્રિયા પુરી થયા પછી માતાએ આપેલુ પર્સ જોતાં અંદરથી મારા પિતાએ લખેલી સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં મારા પિતાએ અમુક લોકો પાસેથી લીધેલી પર્સનલ લોનવાળા અને ઇમિટેશનના વેપારીઓ પાસેથી ઉંચા વ્યાજે લીધેલા નાણાની નોંધ હતી. મારા પિતાએ હરેશભાઇ માવાણી સહિત ૧૪ જણાના નામ લખ્યા હતાં. આ તમામ લોકો વ્યાજની ઉઘરાણી માટે ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતાં હોવાથી મારા પિતા આર્થિક, માનસિક અને શારીરિક રીતે થાકી ગયા હોવાથી અંતિમ પગલુ ભરી લેવા મજબુર થયાની નોંધ એ ચિઠ્ઠીમાં હતી. આ બાબતે મેં મારા સગા-સંબંધીને વાત કરી હતી. મારા મમ્મીને મારા પપ્પાએ આ ત્રાસની વાત કરી હશે. એટલે તેમણે પણ સાથે જ ઝેર પી લીધું હતું.

ઉપરોકત ૧૪ શખ્સો વ્યાજ માટે સતત ધાકધમકી આપી હેરાન કરતાં હોઇ મરી જવું પડે તેવા સંજોગો ઉભા થતાં મારા માતા-પિતા મરી જવા મજબૂર થયા હતાં. આ તમામ સામે કાર્યવાહી કરાવવા મેં ફરિયાદ નોંધાવી છે. પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. બોરીસાગર અને સ્ટાફે ગુનો નોંધી પાંચ શખ્સોને પુછતાછ માટે બોલાવ્યા છે.

બીજા બનાવમાં બજરંગવાડી-૧૫માં હુશેની ચોક મલેક મંજીલ ખાતે રહેતાં ૬૮ વર્ષના વૃધ્ધ મહમદહુશેન અબ્દુલસતાર શેખએ પ્ર.નગર પોલીસમાં શહેનાઝ જૂણેજા, મોમીનબેન, કાસમ અધામ, અલ્તામ અધામ અને મુસ્તુફા ખિયાણી સામે મનીલેન્ડ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

આ વૃધ્ધે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા કુટુંબ સાથે રહુ છુ અને પાંચ-છ મહિનાથી મારી મોટી દિકરી તવકકલ તથા જમાઇ ખાલીકબક્ષ તેના સંતાનો સાથે અમારી સાથે રહેવા આવ્યા છે. ૨૫/૫ના રોજ મારી દિકરી તવકકલ તથા જમાઇએ અમરજીતનગરના બગીચામાં ઝેરી દવા પી લીધી હતી. બંનેને સરકારી દવાખાને ખસેડાયા હતાં. ત્યારે સારવાર દરમિયાન મારી દિકરીને પુછતાં તેણે કહ્યું હતું કે પોતે અગાઉ તોપખાનામાં રહેતાં હતાં ત્યારે કપડાનો ધંધો કરવા માટે ભીસ્તીવાડના શહેનાઝ જૂણેજા પાસેથી ધંધા માટે ૧ લાખ ૫ ટકા વ્યાજે લીધા હતાં. એ પછી જામનગર રોડ હુડકોના કાસમ પાસેથી ૧ લાખ ૧૦ ટકે, ભીસ્તીવાડના મુસ્તુફા પાસેથી ૨૦ હજાર લીધા હતાં અને વ્યાજ ભરતાં પણ બાદમાં ધંધામાં મંદી આવતાં વ્યાજ ન ભરી શકતાં આ બધાએ ઘરે આવી ઉઘરાણી કરી ધમકીઓ આપી હતી. મુસ્તુફાએ ચડત વ્યાજની પણ ઉઘરાણી કરી હતી. આ ત્રણેયના ત્રાસથી અમે કવાર્ટર ખાલી કરવા મજબુર થયા હતાં.

વૃધ્ધ મહમદહુશેને વધુમાં કહ્યું હતું કે દિકરી તવક્કલ અને જમાઇ સાતેક માસથી અમારી સાથે રહેવા આવ્યા હોઇ અહિ પણ શહેનાઝબેન, તેના માતા મોમીનબેન, કાસમ, તેનો ભાઇ અલ્તાફ ઘરે આવી વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપી જતાં હોઇ તેમજ મુસ્તુફા ખિયાણીએ દિકરીના કવાર્ટરનો કબ્જો કરી લીધો હોઇ આ પંાંચેયના ત્રાસથી કંટાળીને મારા દિકરી-જમાઇ ઝેર પીવા મજબૂર થયા હતાં. પીએસઆઇ બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ તપાસ હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં મવડી ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાસે વલ્લભ વિદ્યાનગર-૨માં રહેતાં અને છુટક મજૂરી કરતાં અલ્પેશ વિઠ્ઠલભાઇ વરસાણી (પટેલ) (ઉ.૩૨) નામના યુવાને માલવીયાનગર પોલીસમાં જગદીશ કપુરીયા તથા ચેક બાઉન્સ કરનાર વ્યકિત અને તપાસમાં ખુલે તેની સામે મનીલેન્ડ એકટ હેઠળ ફરિયાદ કરી છે. અલ્પેશને ત્રણ વર્ષ પહેલા બોરવેલના પાઇપ લઇ ધંધો કરવા માટે પૈસાની જરૂર પડતાં બનેવીના મિત્ર જગદીશ કપુરીયા પાસેથી રૂ. ૨ લાખ ૩ ટકે લીધા હતાં. તેની સામે તેને મારી સહીવાળો કોરો ચેક આપ્યો હતો. મેં ત્રણ વર્ષ સુધી નિયમિત ૬-૬ હજાર વ્યાજ ભર્યુ હતું. એક વર્ષ પહેલા રોકડા ૧ લાખ પણ આપી દીધા હતાં. એ પછી મારા કોરા ચેકમાં રકમ ભરી કિરણભાઇ અઘેરાના નામે બેંકમાં નાખી રિટર્ન કરાવી નોટીસ મોકલાવી હતી.

એ પછી કોર્ટ કેસની ૨૦ ટકા વકિલ ફી અને ત્રણ ટકા વ્યાજ માંગી ધમકી આપવાનું શરૂ કરતાં અંતે ફરિયાદ કરી છે. પીએસઆઇ જે. કે. પાંડાવદરાએ તપાસ હાથ ધરી છે.

ચોથા બનાવમાં લોધેશ્વર સોસાયટી-૭માં રહેતાં ધર્મેશ છોટુભાઇ ઝરીયા (ઉ.૩૦) નામના લોધા યુવાને માલવીયાનગર પોલીસમાં મનહરપ્લોટ-૧૩ના સુરેશ નારણભાઇ ઝરીયા તથા રાજેશ નારણભાઇ ઝરીયા સામે ગુનો દાખલ કરાવ્યો છે. ધર્મેશ કડીયા કામની મજૂરી કરે છે. તેણે ચાર વર્ષ પહેલા કડીયા કામના ધંધા માટે પૈસાની જરૂર હોઇ સમાજના આગેવાન નારણભાઇ મારફત ૩ લાખ ૧૦ ટકે લીધા હતાં અને નિયમીત વ્યાજ ભર્યુ હતું. તેને મુદ્દલ સહિત રૂ. ૩ લાખ ચુકવી દીધા હતા. હાલ નારણભાઇ હયાત નથી. હવે હિસાબ તેમનો પુત્ર સુરેશભાઇ નારણભાઇ ઝરીયા સંભાળે છે. તેણે મને રવેચી હોટલે બોલાવી હજુ તારે ૨ાા લાખ આપવાના છે તેમ કહેતાં મેં હિસાબ પુરો થઇ ગયાનું જણાવતાં તેણે રાજેશભાઇ ઝરીયાને બોલાવી મારા નામનો ચેક ૩ લાખનો બેંકમાં નાખી બાઉન્સ કરાવ્યો હતો. આ બંને કહે છે તું પૈસા નહિ આપ તો તારા બીજા ચેક છે તે બાઉન્સ કરાવશું. આમ આ બંને વ્યાજ-મુદ્દલની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપે છે. પીએસઆઇ એચ.એમ. જાડેજાએ તપાસ હાથ ધરી છે. પાંચમા બનાવમાં નવા થોરાળા-૧માં શાળા નં. ૨૯ પાસે રહેતાં મોૈલિક કાળુભાઇ કાકડીયા (પટેલ) (ઉ.૨૮)એ દૂધની ડેરી પાસે રહેતાં રહીમ કોરડીયા અને અટીકા સાઉથમાં રહેતાં જયેશ ડાંગર વિરૂધ્ધ થોરાળા પોલીસમાં ફરિયાદ કરી છે. આ યુવાન યાર્ડમાં શાકભાજીનો હોલસેલ ધંધો કરે છે. ધંધાના કામે જરૂર પડતાં દોઢ મહિના પહેલા રહિમ પાસેથી રૂ. ૪ાા લાખ ૬૦ ટકા વ્યાજે તથા જયેશ પાસેથી ૪ાા લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતાં. રહિમને ૧૫ લાખ અને જયેશને ૧ા લાખ ચુકવી દીધા છતાં વધુ વ્યાજ માંગી જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. તેમજ જયેશ જીજે૩ઇઆર-૫૧૧૪ નંબરની એસયુવી કાર પણ પડાવી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાતાં પી.આઇ. બી. ટી. વાઢીયા તપાસ કરે છે.

છઠ્ઠા બનાવમાં હરિ ધવા રોડ પર અયોધ્યા રેસિડેન્સી ૩/૪ના ખુણે રહેતાં દિનેશભાઇ બાબુભાઇ ગોંડલીયા (ઉ.૪૩)એ ભકિતનગર પોલીસમાં પ્રકાશ હુંબલ સામે મનીલેન્ડ એકટની ફરિયાદ કરી છે. દિનેશભાઇએ પાંચેક માસ પહેલા જરૂર પડતાં રૂ. ૯૦ હજાર વ્યાજે લીધા હતાંઉ તેની સામે ૧,૮૫,૦૦૦ ચુકવ્યા છતાં વધુ વ્યાજ માંગી ફડાકા મારી ગાળો દઇ ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાતાં પીએસઆઇ બી. બી. કોડીયાતરે તપાસ હાથ ધરી છે.

(11:50 am IST)