Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ખાનગી કોચિંગ-ટ્યુશન કલાસની નોંધણી હવે ફરજિયાત બનશે

અમદાવાદ તા.૨૮: સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં ૨૨ વિદ્યાર્થીઓના ભોગ લેનારી ઘટના ઘટી ગયા બાદ અમદાવાદમાં પણ હવે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા કોચિંગ કલાસ પર લગામ કસવાનો તખ્તો સરકાર દ્વારા ઘડાઇ રહ્યો છે. હવે ખાનગી કોચિંગ કલાસ ચાલુ કરતાં પૂર્વે તંત્રની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત કરાશે.

ગયા સપ્તાહે સળગતી ચિતા બની ગયેલી તક્ષશિલા હોનારત બાદ કોચિંગ કલાસનો મુદ્દો હવે સળગતો પ્રશ્ન બની ગયો છે. રાજ્યભરમાં હજુ સુધી કોઇ નિયમ બંધારણ કે પોલિસી બનાવેલી નહીં હોઇને શિક્ષણના નામે વેપાર કરવા નીકળી પડેલા દલાલોને અત્યારે સુધી ઘી કેળાં હતા. ખાનગી શાળાઓની જેમજ તગડી ફી વસૂલી કરી લેતા સંચાલકો વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે સદંતર ઉપેક્ષિત છે.

તક્ષશિલાના અગનખેલ બાદ સરકાર સફાળી જાગી છે, અને આ દિશામાં તાબડતોબ પોલિસી ડિઝાઇન બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા નિયુકત તપાસ અધિકારી સચિવ મૂકેશ પુરી દ્વારા પણ કોચિંગ કલાસીસનું શાળાઓની જેમ જ રજિસ્ટ્રેશન તથા વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે સંચાલકોની જવાબદારી નક્કી કરવા માટેના ચક્રો ગતિમાન કરાયા હોવાનું જાણવા મળે છે. હવે આ પોલિસી હેઠળ કોચિંગ કલાસના મુદ્દે આકરા નિયમો લાગુ થવા જઇ રહ્યા છે.

સૌ પ્રથમ તો પાલિકા, નગરપાલિકા, મહાનગરપાલિકામાં કોચિંગ કલાસના માલિકો કે સંચાલકોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જેમાં ફાયર સેફટી અને પાર્કિગ સહિતના તમામ મુદ્દાઓ આવરી લેવાશે. જે સ્થળે કલાસીસ ચલાવવાના હશે તે બિલ્િંડગને બાંધકામની મંજુરી મળી છે કે કેમ તેની પણ ચકાસણી થશે જેનાં પૂરતાં પ્રમાણ સંચાલકોએ આપ્યા બાદ જ કોચિંગ કલાસનું રજિસ્ટ્રેશન થઇ શકશે. આ નિયમ ખૂબ જ ઝડપથી લાગુ થવા જઇ રહ્યો છે.

(4:02 pm IST)